NCERT Class 9 Election Commission Textbook: રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) દ્વારા ધોરણ 9 માટે તૈયાર કરાયેલા નવા સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકને લઈને ફરી એકવાર રાજકીય ચર્ચા તેજ બની છે. નવા પુસ્તકમાં ભારતના ચૂંટણી પંચ (Election Commission)ની ભૂમિકાને 'મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી' સુનિશ્ચિત કરનાર સ્વાયત્ત સંસ્થા તરીકે રજૂ કરવામાં આવી છે. સાથે જ મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (Special Intensive Revision - SIR)ને પણ ચૂંટણી વ્યવસ્થાને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવતી પ્રક્રિયા તરીકે દર્શાવવામાં આવી છે. તાજેતરના સમયમાં મતદાર યાદી સુધારણા અને ચૂંટણી પ્રક્રિયાને લઈને રાજકીય પક્ષો વચ્ચે ચાલી રહેલી ચર્ચા વચ્ચે NCERTના આ નવા પાઠ્યપુસ્તકની નોંધપાત્ર સામગ્રી ચર્ચાનું કેન્દ્ર બની છે. ખાસ કરીને વિરોધ પક્ષો દ્વારા SIR પ્રક્રિયા અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની વચ્ચે પાઠ્યપુસ્તકમાં તેની તરફેણમાં કરાયેલા ઉલ્લેખને કારણે રાજકીય પ્રતિક્રિયાઓ વધુ તેજ બનવાની શક્યતા છે.
ચૂંટણી પંચને ગણાવ્યું સ્વાયત્ત અને વિશ્વસનીય સંસ્થાન
'Understanding Society: India and Beyond' નામના નવા સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ચૂંટણી પંચને એવી સ્વાયત્ત સંસ્થા તરીકે વર્ણવવામાં આવ્યો છે, જે દેશમાં મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજવાની જવાબદારી નિભાવે છે. પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે, ચૂંટણી પંચ મતદાર યાદી તૈયાર કરવાથી લઈને ચૂંટણી યોજવા અને દરેક પાત્ર મતદારોને મતદાન પ્રક્રિયામાં સામેલ કરવા સુધીની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયાનો પણ ઉલ્લેખ
પુસ્તકમાં Special Intensive Revision (SIR) અંગે અલગ વિભાગ આપવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે, આ પ્રક્રિયાનો હેતુ મતદાર યાદીને અપડેટ કરવો, તેમાં રહેલી ભૂલો સુધારવી તેમજ ડુપ્લિકેટ નામો, મૃત્યુ પામેલા મતદારો અથવા સરનામું બદલી ચૂકેલા લોકોના નામ દૂર કરીને યાદીને વધુ ચોકસાઈભરી બનાવવાનો છે. આ ઉપરાંત નવા પાત્ર મતદારોના નામ મતદાર યાદીમાં ઉમેરવાની પ્રક્રિયાને પણ લોકશાહી માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે.
આ પણ વાંચો: QS World University Ranking 2027 : એન્જિનિયરિંગ માટે MIT વિશ્વમાં નંબર 1, જુઓ ટોપ 10 કોલેજોનું લિસ્ટ
EVM, VVPAT અને આદર્શ આચારસંહિતાનો પણ સમાવેશ
નવા પાઠ્યપુસ્તકમાં ભારતીય ચૂંટણી પ્રક્રિયાના વિવિધ પાસાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM), VVPAT સિસ્ટમ, આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) અને મતદારોમાં જાગૃતિ લાવવા માટે હાથ ધરાતી વિવિધ ઝુંબેશ અંગે માહિતી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને લોકશાહી પ્રક્રિયાની સમજ આપવા માટે પાઠ્યપુસ્તકમાં વિવિધ પ્રવૃત્તિઓ પણ સામેલ કરવામાં આવી છે. તેમાં લોકસભાની ચૂંટણી બાદ બનેલી ગઠબંધન સરકારો વિશે માહિતી એકત્ર કરવાની પ્રવૃત્તિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
વિરોધ પક્ષોએ અગાઉ ઉઠાવ્યા હતા સવાલ
તાજેતરમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા (SIR)ને લઈને કોંગ્રેસ સહિતના કેટલાક વિરોધ પક્ષોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે આ પ્રક્રિયાનો ઉપયોગ મતદારોના નામ દૂર કરવા અથવા મતચોરી માટે થઈ શકે છે. જોકે NCERTના નવા પાઠ્યપુસ્તકમાં આ પ્રક્રિયાને મતદાર યાદીની ચોકસાઈ જાળવવા માટે જરૂરી પગલું ગણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ભારતીય નેવીમાં ઓફિસર બનવાની સોનેરી તક! : 275 SSC ઓફિસરની ભરતી જાહેર, જાણો કોણ કરી શકે અરજી
ઈમરજન્સી અને 'ડાન્સિંગ ગર્લ' મુદ્દે પણ થયો હતો વિવાદ
આ પહેલા પણ NCERTના નવા પાઠ્યપુસ્તકો ચર્ચામાં રહ્યા હતા. થોડા દિવસ પહેલાં ધોરણ 9ના પુસ્તકમાં 1975ની ઈમરજન્સી અંગે ઉમેરાયેલા નવા વિભાગને લઈને રાજકીય ચર્ચા શરૂ થઈ હતી. કેન્દ્ર સરકારે તેને નવી પેઢીને દેશના ઈતિહાસના મહત્વપૂર્ણ પ્રસંગોથી માહિતગાર કરવાનું યોગ્ય પગલું ગણાવ્યું હતું, જ્યારે કેટલાક વિરોધ પક્ષોએ તેને રાજકીય રંગ આપવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તે પહેલાં સિંધુ ખીણ સંસ્કૃતિની પ્રસિદ્ધ 'ડાન્સિંગ ગર્લ' પ્રતિમાના ચિત્રમાં કરવામાં આવેલા ફેરફારોને લઈને પણ NCERT ચર્ચામાં આવ્યું હતું.
શૈક્ષણિક સામગ્રીને લઈને ચર્ચા યથાવત
NCERT દ્વારા નવા અભ્યાસક્રમ અંતર્ગત કરવામાં આવતા ફેરફારોને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. એક તરફ સરકાર તેને વિદ્યાર્થીઓને વધુ વ્યવહારુ અને આધુનિક અભ્યાસક્રમ આપવા માટેનું પગલું ગણાવે છે, જ્યારે બીજી તરફ કેટલાક રાજકીય પક્ષો પાઠ્યપુસ્તકોમાં સમાવિષ્ટ મુદ્દાઓ અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આગામી સમયમાં પણ આ મુદ્દે ચર્ચા ચાલુ રહે તેવી શક્યતા છે.




