Black Sea Attack: વૈશ્વિક રાજદ્વારી વર્તુળોમાં આંચકો આપનારા એક મોટા સમાચાર કાળા સમુદ્ર (બ્લેક સી)માંથી સામે આવ્યા છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પોતાના પરમ મિત્ર અને ચીનના પ્રમુખ શી જિનપિંગને મળવા બેઇજિંગ પહોંચે તેના બરાબર એક દિવસ પહેલાં જ રશિયન સેનાએ કાળા સમુદ્રમાં ચીનની માલિકીના એક મોટા કાર્ગો જહાજ પર ભીષણ ડ્રોન હુમલો કર્યો છે. યુક્રેનના બંદરો તરફ જઈ રહેલા બે નાગરિક જહાજોને રશિયાએ નિશાન બનાવ્યા હતા, જેમાં ચોંકાવનારી બાબત એ છે કે તેમાંથી એક જહાજ ચીનનું છે. આ હુમલા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે તણાવ વ્યાપી ગયો છે અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીના દાવાએ વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.
યુક્રેનની સીપોર્ટ્સ ઓથોરિટી અને નેવીના સત્તાવાર અહેવાલો અનુસાર, સોમવારે ઓડેસા વિસ્તારના બંદરો તરફ આગળ વધી રહેલા નાગરિક જહાજો પર આ હુમલા કરવામાં આવ્યા હતા. રશિયાના ઘાતક 'શાહેદ' ડ્રોન દ્વારા ચીનની માલિકીના કાર્ગો જહાજ 'KSL ડેયાંગ' (KSL Deyang) ને સીધું નિશાન બનાવવામાં આવ્યું હતું, જે તે સમયે માર્શલ આઇલેન્ડ્સના ધ્વજ હેઠળ દરિયાઈ સફર પર હતું. ચાર વર્ષ પહેલાં યુક્રેન પર આક્રમણ કર્યા પછી, રશિયા યુક્રેનની કૃષિ નિકાસ માટેના સૌથી મહત્વના દરિયાઈ કેન્દ્ર એવા ઓડેસાના બંદર વિસ્તારમાં નાગરિક જહાજો પર સતત હુમલા કરતું આવ્યું છે. પરંતુ, પુતિનની બે દિવસીય સત્તાવાર બેઇજિંગ મુલાકાતની બરાબર પહેલાં જ ચીનના જહાજ પર આ હુમલો થવો તેને સંરક્ષણ નિષ્ણાતો અત્યંત ગંભીર ઘટના ગણાવી રહ્યા છે.
રશિયાની ચાલબાજી પર યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીનું મોટું નિવેદન
આ સનસનાટીપૂર્ણ હુમલા અંગે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર રશિયાનો પર્દાફાશ કરતા આકરા પ્રહારો કર્યા છે. ઝેલેન્સ્કીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "રશિયાએ ડ્રોન્સ વડે ઓડેસા પર હુમલો કર્યો અને તેમાંથી એક ડ્રોન ચીનની માલિકીના જહાજ સાથે અથડાયું છે. રશિયા આ વાતથી બિલકુલ અજાણ ન હોઈ શકે કે તે સમયે સમુદ્રમાં કયું જહાજ હાજર હતું અને તે કોનું હતું." યુક્રેનનો દાવો છે કે રશિયાએ જાણીજોઈને આંતરરાષ્ટ્રીય જહાજોમાં ડરનો માહોલ ઊભો કરવા માટે આ કૃત્ય કર્યું છે.
સદનસીબે ચીની ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત, મોટો અકસ્માત ટળ્યો
યુક્રેનની નેવીના પ્રવક્તા દિમિત્રો પ્લેટેનચુકે આ ઘટના અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાત્રિ દરમિયાન થયેલા આ ડ્રોન હુમલા બાદ જહાજ પર હાજર ક્રૂ મેમ્બર્સે હિંમતપૂર્વક પોતાની રીતે જ આગ અને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ હુમલામાં ચીની નાગરિકો ધરાવતા ક્રૂના કોઈપણ સભ્યને જાનહાનિ કે ઈજા થઈ નથી. નેવી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ફોટોગ્રાફમાં જહાજનો એક ભાગ હુમલાના કારણે આંશિક રીતે બળી ગયેલો સ્પષ્ટ જોઈ શકાય છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ હુમલા સમયે 'KSL ડેયાંગ' જહાજ ખાલી હતું અને તે ઓડેસાના પિવડેની બંદરેથી આયર્ન ઓર (લોખંડની કાચી ધાતુ) લોડ કરવા માટે આગળ વધી રહ્યું હતું. બીજું લક્ષ્ય બનેલું જહાજ ગિની-બિસાઉના ધ્વજ સાથે દરિયાઈ સફર પર હતું.
૫૨૪ ડ્રોન અને ૨૨ મિસાઇલો: રશિયાનો યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો
પ્રમુખ ઝેલેન્સ્કીએ માહિતી આપી હતી કે રશિયન સેનાએ માત્ર આ જહાજો જ નહીં, પરંતુ સમગ્ર રાત્રિ દરમિયાન યુક્રેનના વિવિધ વિસ્તારો પર આશરે ૫૨૪ ડ્રોન અને ૨૨ ઘાતક મિસાઇલો (જેમાં બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો સામેલ છે) વડે અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચીન હંમેશા આ યુદ્ધને રોકવા માટે આંતરરાષ્ટ્રીય મંચ પર શાંતિ વાટાઘાટોની અપીલ કરતું આવ્યું છે અને પોતાને તટસ્થ પક્ષ તરીકે રજૂ કરે છે. ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેનમાં રશિયન સેના ઘૂસ્યા બાદ ચીને ક્યારેય ખુલ્લેઆમ રશિયાની નિંદા કરી નથી, પરંતુ હવે પોતાના જ જહાજ પર પોતાના જ મિત્ર દેશના હુમલા બાદ પુતિનની ચીન મુલાકાત પર આખી દુનિયાની નજર મંડરાયેલી રહેશે.





