Gujarat Election 2026: અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ચકાસણીના દિવસે કલેક્ટર કચેરી ખાતે ભારે ડ્રામા અને હંગામો જોવા મળ્યો હતો. દરિયાપુર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર નિરવ બક્ષી અને નાયબ કલેક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ બની ગયું હતું. કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો છે કે, કેટલાંક અપક્ષ ઉમેદવારોના ફોર્મમાં ટેકેદારોની સહીઓ ખોટી રીતે કરવામાં આવી છે, જેને લઈને કચેરીમાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. દરિયાપુર વોર્ડમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષ કે અન્ય હિત ધરાવતા લોકોએ મતો તોડવા માટે 'ડમી' અપક્ષ ઉમેદવારો ઊભા કર્યા છે. આ મામલે જ્યારે ટેકેદારો પોતે કલેક્ટર કચેરીમાં હાજર થઈને "અમે સહી કરી જ નથી" તેવું જણાવતા સમગ્ર મામલો બિચક્યો હતો. કોંગ્રેસના કાર્યકરો અને અધિકારીઓ વચ્ચેની આ ખેંચતાણના કારણે કલાકો સુધી કલેક્ટર કચેરી ગજવી હતી.
"અમે દરખાસ્તમાં સહી કરી જ નથી": ટેકેદારોના નિવેદનથી ખળભળાટ
હંગામાનું મુખ્ય કારણ એ હતું કે દરિયાપુર વોર્ડના કેટલાંક અપક્ષ ઉમેદવારોના ફોર્મમાં જે ટેકેદારોના નામ હતા, તેઓ પોતે જ કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા. આ ટેકેદારોએ ચૂંટણી અધિકારી સમક્ષ ખુલ્લેઆમ જણાવ્યું હતું કે તેમણે કોઈ પણ અપક્ષ ઉમેદવારની દરખાસ્તમાં સહી કરી નથી. આ નિવેદન બાદ કોંગ્રેસના ઉમેદવાર નિરવ બક્ષીએ તાત્કાલિક અસરથી આવા શંકાસ્પદ ફોર્મ રદ કરવાની માંગણી કરી હતી.
નિરવ બક્ષી અને નાયબ કલેક્ટર વચ્ચે શાબ્દિક યુદ્ધ
જ્યારે કોંગ્રેસના ઉમેદવારોએ આ કથિત કૌભાંડ સામે અવાજ ઉઠાવ્યો, ત્યારે નાયબ કલેક્ટર અને નિરવ બક્ષી વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. બોલાચાલી એટલી હદે વધી ગઈ હતી કે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસને મધ્યસ્થી કરવી પડી હતી. કોંગ્રેસનો આરોપ છે કે અધિકારીઓ તટસ્થ રીતે કામ કરવાને બદલે પ્રક્રિયામાં વિલંબ કરી રહ્યા છે. બીજી તરફ, અધિકારીઓએ નિયમ મુજબ પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો: નવસારી કોંગ્રેસમાં 'સેલ્ફ ગોલ' : નેતાઓની આળસને કારણે કાર્યકરોની મહેનત પાણીમાં, આખી પેનલના ફોર્મ રદ
પોલીસનો હસ્તક્ષેપ અને એફિડેવિટ માટેની સૂચના
કલેક્ટર કચેરીમાં સ્થિતિ વણસતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મામલો શાંત પાડ્યો હતો. નાયબ કલેક્ટરે અંતે સૂચના આપી હતી કે જે ટેકેદારો એવું કહેતા હોય કે તેમની સહી નથી, તેમણે આ અંગે કાયદેસરનું એફિડેવિટ (સોગંદનામું) કરી આપવું પડશે. કોંગ્રેસના ઉમેદવારોએ આ સૂચના સ્વીકારીને પોતાના વકીલ સાથે મળીને તાત્કાલિક એફિડેવિટ કરાવવાની તૈયારી દર્શાવી હતી.
ચૂંટણીમાં 'ડમી' ઉમેદવારોના ખેલનો આક્ષેપ
કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે દરિયાપુર જેવા સંવેદનશીલ વોર્ડમાં જાણીજોઈને અપક્ષ ઉમેદવારોના ખોટા ફોર્મ ભરાવવામાં આવ્યા છે જેથી મુખ્ય ઉમેદવારના મતોમાં ગાબડું પાડી શકાય. હવે ટેકેદારોના સોગંદનામા બાદ ચૂંટણી અધિકારી આ ફોર્મ રદ કરે છે કે કેમ, તેના પર સૌની નજર ટકેલી છે. આ હંગામાને કારણે અન્ય વોર્ડની ફોર્મ ચકાસણીની કામગીરીમાં પણ વિલંબ થયો હતો.





