Home Tech/Gadgets Robotic Cockroach Technology Espionage Military Future Tech

ડ્રોન હવે જૂના થયા! : હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 07:30 PM IST

ટેકનોલોજી જેટલી ઝડપથી આગળ વધી રહી છે, તે જોતા હવે ફિલ્મી લાગતી વાતો વાસ્તવિકતા બની રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ હોય કે ઈઝરાયેલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ, અત્યાર સુધી ડ્રોનનો દબદબો જોવા મળતો હતો. પરંતુ હવે જાસૂસી અને યુદ્ધના મેદાનમાં ડ્રોન પણ જૂના પુરાણા સાબિત થશે. વૈજ્ઞાનિકો હવે જીવતા કોકરોચને જ રોબોટમાં ફેરવી રહ્યા છે, જે દુશ્મનના અતિ સુરક્ષિત ઠેકાણાઓમાં ઘૂસીને સચોટ માહિતી લાવશે.

જર્મની વિકસાવી રહ્યું છે નવી ટેકનોલોજી

જર્મનીની કંપની SWARM Biotactics એક એવી અદભૂત ટેકનોલોજી પર કામ કરી રહી છે, જેમાં અસલી કોકરોચના શરીર પર ઈલેક્ટ્રોનિક બેકપેક લગાડવામાં આવશે. આ નાનકડા બેકપેકમાં કેમેરા, સેન્સર અને કોમ્યુનિકેશન સિસ્ટમ ફીટ કરવામાં આવશે. આ સિસ્ટમની મદદથી દૂર બેઠેલો કંટ્રોલર ઈલેક્ટ્રોનિક સિગ્નલ દ્વારા કોકરોચને પોતાની મરજી મુજબ કોઈપણ દિશામાં ચલાવી શકશે અને Real Time માહિતી મેળવી શકશે.

કોકરોચને જ રોબોટ બનાવવાનું કારણ શું?

કોકરોચને દુનિયાના સૌથી મજબૂત જીવોમાં ગણવામાં આવે છે. તે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં જીવતા રહી શકે છે અને અત્યંત સાંકડી જગ્યાઓમાંથી પસાર થવાની ક્ષમતા ધરાવે છે. જ્યાં ડ્રોન, સૈનિકો કે મોટા રોબોટ્સ પહોંચી શકતા નથી, ત્યાં આ રોબોટિક કોકરોચ સરળતાથી ઘૂસી શકશે. ખાસ કરીને દુશ્મનની સુરંગો અને ગુપ્ત બંકરોની માહિતી મેળવવા માટે આ ટેકનોલોજી ગેમ ચેન્જર સાબિત થશે.

આપત્તિ વ્યવસ્થાપનમાં પણ થશે ઉપયોગ

આ હાઈટેક કોકરોચનો ઉપયોગ માત્ર યુદ્ધના મેદાન પૂરતો સીમિત નહીં રહે. ભૂકંપ કે અન્ય કુદરતી આપત્તિઓ સમયે જ્યારે ઈમારતો ધરાશાયી થાય છે, ત્યારે કાટમાળ નીચે ફસાયેલા લોકોની શોધખોળ કરવા માટે આ કોકરોચ આશીર્વાદરૂપ સાબિત થશે. રાહત અને બચાવ કામગીરીમાં તે ટીમોનું કામ ઘણું સરળ બનાવી દેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now