Home Tech/Gadgets Rising Craze For Old Iphone 4 Retro Photography Trend

16 વર્ષ જૂના iPhone 4 પાછળ કેમ પાગલ થયા છે લોકો? : કારણ જાણીને તમે પણ ચોંકી જશો

16 વર્ષ જૂના iPhone 4 પાછળ કેમ પાગલ થયા છે લોકો?
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2026, 03:00 PM IST

વર્તમાન સમયમાં જ્યારે કંપનીઓ દર વર્ષે લેટેસ્ટ ફીચર્સ ધરાવતા સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર એક અજીબ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આજના અત્યાધુનિક સ્માર્ટફોનથી કંટાળીને લોકો હવે ફરી જૂની ટેકનોલોજી તરફ વળી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આશરે 16 વર્ષ પહેલા લોન્ચ થયેલા iPhone 4 ને ખરીદવા માટે લોકોમાં ભારે હોડ જામી છે. આ જૂના આઈફોનની લોકપ્રિયતા પાછળનું કારણ ટેકનોલોજી નહીં પરંતુ કંઈક બીજું જ છે.

કેમ ફરી ચર્ચામાં આવ્યો iPhone 4?

વર્ષ 2010 માં જ્યારે Apple દ્વારા iPhone 4 લોન્ચ કરવામાં આવ્યો ત્યારે તે સમયનો સૌથી એડવાન્સ ફોન ગણાતો હતો. જોકે, આજના જમાનામાં તેના ફીચર્સ સાવ નકામા લાગે તેવા છે, તેમ છતાં લોકો તેને પસંદ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફોનના કેમેરાની ક્વોલિટી અત્યારે ટ્રેન્ડમાં છે. આજના લેટેસ્ટ આઈફોનમાં ફોટોઝ એકદમ ક્લિયર અને શાર્પ આવે છે, જ્યારે iPhone 4 માં આવતા ગ્રેની (ઝાંખા) અને વોશ્ડ-આઉટ ફોટોઝ લોકોને વિન્ટેજ લૂક આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ જૂના કેમેરાની તુલના લેટેસ્ટ મોડલ્સ સાથે કરીને તેને 'રેટ્રો વાઈબ' તરીકે ઓળખાવી રહ્યા છે.

Google સર્ચમાં 1000 ટકાનો ઉછાળો

iPhone 4 ને લઈને લોકોમાં કેટલો ક્રેઝ છે તેનો અંદાજ Google Trends ના આંકડા પરથી લગાવી શકાય છે. રિપોર્ટ મુજબ, આ ફોનને ખરીદવા માટેની સર્ચમાં 1000% નો જંગી વધારો નોંધાયો છે. આટલું જ નહીં, eBay જેવા રીસેલ પ્લેટફોર્મ્સ પર લોકો આ 16 વર્ષ જૂના હેન્ડસેટને મેળવવા માટે મોટી રકમ ખર્ચવા પણ તૈયાર છે. યુવાનોમાં આ ફોનને એક ફેશન સ્ટેટમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે.

શું આટલો જૂનો ફોન વાપરવો હિતાવહ છે?

જો તમે પણ આ રેટ્રો ટ્રેન્ડમાં જોડાઈને iPhone 4 ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો સાવધાન રહેવાની જરૂર છે. ટેક એક્સપર્ટ્સના મતે, આટલો જૂનો ફોન વાપરવો સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી છે. આ ફોન iOS 7.1.2 પર ચાલે છે, જે એપલનું 10 વર્ષ જૂનું સોફ્ટવેર છે. આ ઓપરેટિંગ સિસ્ટમમાં હવે કોઈ સિક્યુરિટી અપડેટ્સ મળતા નથી, જેના કારણે તમારો પર્સનલ ડેટા સુરક્ષિત રહેતો નથી. જો તમે આ ફોનમાં કોઈપણ એપ લોગ-ઈન કરો છો અથવા ઈન્ટરનેટનો ઉપયોગ કરો છો, તો ડેટા ચોરી થવાની શક્યતા વધી જાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now