તાપી જિલ્લામાં વન સંપત્તિના રક્ષણ માટે ફરજ બજાવતાં શહીદ થયેલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સ્વર્ગસ્થ વિકાસ દેસાઈને રાજ્ય સરકારે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ શહીદ અધિકારીના નિવાસસ્થાને પહોંચીને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને તેમના બલિદાનને સમગ્ર વન વિભાગ માટે અપૂરણીય ક્ષતિ ગણાવી હતી. આ દરમિયાન વન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વન અને પ્રકૃતિના સંરક્ષણ માટે પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપનાર વિકાસ દેસાઈ જેવા અધિકારીઓ સમગ્ર વન પરિવાર માટે હંમેશાં પ્રેરણાસ્ત્રોત બની રહેશે. તેમણે કહ્યું કે વન બચશે તો જ જીવન બચશે અને આવી સંસ્કૃતિના રક્ષણ માટે વિકાસ દેસાઈએ આપેલું બલિદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
લાકડાની ચોરી રોકવા જતા બન્યો દુર્ઘટનાનો બનાવ
પ્રાપ્ત માહિતી મુજબ તાપી જિલ્લાના તાપ્તી રેન્જ વિસ્તારમાં ખેરના કિંમતી લાકડાની ચોરી કરીને ભાગી રહેલા તસ્કરોની માહિતી મળતા જ RFO વિકાસ દેસાઈએ વિલંબ કર્યા વિના કાર્યવાહી હાથ ધરી હતી. ફરજ પ્રત્યેની નિષ્ઠા અને જવાબદારીભાવ સાથે તેઓ ટીમ સાથે તસ્કરોના વાહનનો પીછો કરવા નીકળ્યા હતા. આ દરમિયાન થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં વિકાસ દેસાઈનું દુઃખદ અવસાન થયું હતું. વન સંપત્તિની સુરક્ષા માટે કામગીરી દરમિયાન થયેલા તેમના નિધનને રાજ્ય સરકારે શહીદી તરીકે સન્માન આપ્યું છે. ઘટનાએ સમગ્ર વન વિભાગ સહિત રાજ્યભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

'વન બચશે તો જ જીવન બચશે'
શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે વન વિભાગની કામગીરી માત્ર સરકારી નોકરી નથી, પરંતુ તે પ્રકૃતિ, પર્યાવરણ અને આવનારી પેઢીના ભવિષ્યના સંરક્ષણ સાથે જોડાયેલું પવિત્ર દાયિત્વ છે. વનો અને વન્યજીવનનું રક્ષણ કરનારા અધિકારીઓના કારણે જ કુદરતી સંપત્તિ સુરક્ષિત રહી શકે છે. તેમણે ઉમેર્યું કે માનવ સંસ્કૃતિનું અસ્તિત્વ પણ વનો સાથે સીધું જોડાયેલું છે. જો વનોનું સંરક્ષણ નહીં થાય તો પર્યાવરણનું સંતુલન ખોરવાશે અને તેનો સીધો પ્રભાવ માનવજીવન પર પડશે. તેથી આવા બહાદુર અધિકારીઓના યોગદાનને હંમેશાં યાદ રાખવું જરૂરી છે.
આ પણ વાંચો: લાકડા ભરેલી કારનો પીછો કરતી વખતે સર્જાયો ભયાનક અકસ્માત : વન અધિકારીનું થયું મોત
મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર વતી શ્રદ્ધાંજલિ
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય સરકાર અને સમગ્ર વન વિભાગ વતી સ્વર્ગસ્થ વિકાસ દેસાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. તેમણે શહીદના પરિવારને આ દુઃખની ઘડીમાં ધીરજ અને શક્તિ મળે તેવી પ્રાર્થના પણ વ્યક્ત કરી હતી. વનમંત્રીએ પરિવારજનોને વિશ્વાસ અપાવ્યો હતો કે રાજ્ય સરકાર તેમની સાથે મજબૂત રીતે ઉભી છે અને જરૂરી સહાય માટે તમામ શક્ય પ્રયાસ કરવામાં આવશે.

ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીનો સંકલ્પ
ઘટના અંગે વનમંત્રીએ જણાવ્યું કે સમગ્ર બનાવની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્ય સરકાર વન સંપત્તિને નુકસાન પહોંચાડતી કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી રહી છે અને ભવિષ્યમાં પણ આવા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે વન સંપત્તિ માત્ર સરકારની મિલકત નથી પરંતુ સમગ્ર સમાજ અને ભાવિ પેઢીઓની અમૂલ્ય ધરોહર છે. તેની સુરક્ષા માટે વન વિભાગ વધુ મજબૂત કાર્યવાહી કરશે.
વિકાસ દેસાઈની પ્રેરણાદાયી સફર
સ્વર્ગસ્થ વિકાસ દેસાઈ મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ભાટસર ગામના વતની હતા. ચાર ભાઈ-બહેનમાં તેઓ ત્રીજા સંતાન હતા. વન વિભાગમાં જોડાતા પહેલાં તેઓ ગુજરાત સરકારના સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. આશરે ત્રણ વર્ષ પહેલાં તેમણે વન વિભાગમાં જોડાઈને પ્રકૃતિ અને વન સંપત્તિના સંરક્ષણનું કાર્ય સંભાળ્યું હતું. ટૂંકા ગાળામાં જ તેઓ પોતાની નિષ્ઠા, પ્રામાણિકતા અને જવાબદારીપૂર્ણ કામગીરી માટે જાણીતા બન્યા હતા. તેમના પરિવારની વાત કરીએ તો તેઓ પોતાના માતા-પિતા, પત્ની અને માત્ર પાંચ વર્ષના પુત્રને પાછળ છોડીને ગયા છે. તેમના અચાનક નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ઉચ્ચ અધિકારીઓએ પાઠવી સંવેદના
વન રાજ્યમંત્રી પ્રવીણ માળીએ પણ શહીદ અધિકારીના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે વિકાસ દેસાઈનું બલિદાન સમગ્ર વન વિભાગ માટે ગૌરવની સાથે દુઃખની ક્ષણ છે. આ પ્રસંગે પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) ડૉ. જયપાલસિંહ, ભવાની પ્રસાદ, પુનિત નાયર, અંશુમન શર્મા, આનંદ કુમાર સહિત વન વિભાગના અનેક વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ પરિવારને સાંત્વના પાઠવી અને શહીદ અધિકારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વિકાસ દેસાઈનું બલિદાનએ માત્ર એક અધિકારીનું નહીં પરંતુ પ્રકૃતિ અને વન સંપત્તિના સંરક્ષણ માટે જીવન સમર્પિત કરનાર એક જાંબાઝ કર્મયોગીની યાદ છે. તેમની નિષ્ઠા અને ફરજ પ્રત્યેનું સમર્પણ વન વિભાગના અધિકારીઓ માટે લાંબા સમય સુધી પ્રેરણાનું સ્ત્રોત બની રહેશે.






