Home Gujarat Surat Nasirnagar Demolition Gujarat High Court Surat Smc Hearing

સુરતના નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટનો સરકારને મહત્વપૂર્ણ સવાલ : નાના કર્મચારી સસ્પેન્ડ તો મ્યુનિસિપલ કમિશનર હજુ હોદ્દા પર કેમ?

નાસીરનગર ડિમોલિશન કેસની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાં રજૂ થયેલો મામલો
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 20, 2026, 11:10 AM IST

Surat News: સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા કથિત ગેરકાયદે ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં સોમવારે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા (SMC) સામે આકરા શબ્દોમાં ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્ય સરકાર હાઈકોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ન કરે. જો આ મામલે નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા મ્યુનિસિપલ કમિશનર હજુ સુધી હોદ્દા પર કેવી રીતે છે તેવો સવાલ પણ કોર્ટે ઉઠાવ્યો. નાસીરનગર ડિમોલિશન કેસમાં 26 અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ કમિશનર, SOGના અધિકારીઓ, ખાનગી બિલ્ડર, સંબંધિત અધિકારીઓ તેમજ ટોરેન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. અરજદારોનો આક્ષેપ છે કે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વગર 150થી વધુ પરિવારોને અસર થાય તે રીતે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

કમિશનર સામેના આક્ષેપો અંગે કોર્ટે વ્યક્ત કરી ગંભીર ચિંતા

સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે SMC કમિશનરના મોબાઇલ નંબર સાથે જોડાયેલા મેસેજ અને એફિડેવિટ રેકોર્ડ પર છે. સસ્પેન્ડ કરાયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ એફિડેવિટમાં દાવો કર્યો છે કે તેમણે કમિશનરના સૂચન મુજબ કાર્યવાહી કરી હતી. કોર્ટે સવાલ કર્યો કે શું કોઈ નાનો કર્મચારી પોતાના ઉચ્ચ અધિકારી વિરુદ્ધ હાઈકોર્ટમાં ખોટી એફિડેવિટ કરવાની હિંમત કરશે? એડવોકેટ જનરલે સુજલ પ્રજાપતિના નિવેદનોની વિશ્વસનીયતા અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. જોકે કોર્ટે નોંધ્યું કે કમિશનરના નંબર પરથી મેસેજ મોકલાયા હોવાની બાબતનો ઇનકાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં કમિશનર સામે પ્રાથમિક તપાસ કેમ શરૂ કરવામાં આવી નથી તે અંગે પણ કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો.

'આક્ષેપિત અધિકારી હોદ્દા પર હોય તો નિષ્પક્ષ તપાસ કેવી રીતે થશે?'

હાઈકોર્ટે વધુમાં કહ્યું કે જો આક્ષેપોનો સામનો કરતો અધિકારી પોતાના હોદ્દા પર જ રહેશે તો તપાસની નિષ્પક્ષતા અંગે સ્વાભાવિક રીતે સવાલો ઊભા થશે. કોર્ટે ટિપ્પણી કરી કે નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ મુખ્ય આક્ષેપોનો સામનો કરતો અધિકારી હજુ હોદ્દા પર છે. રાજ્ય સરકાર આ મામલે શું કાર્યવાહી કરવા માંગે છે તે સ્પષ્ટ થવું જોઈએ. કોર્ટે SITના પ્રાથમિક અહેવાલ અંગે પણ અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે રિપોર્ટથી સમગ્ર ઘટનાની સ્પષ્ટતા થતી નથી. સરકાર દ્વારા રચાયેલી હાઈ લેવલ કમિટીના કાર્યક્ષેત્ર અંગે પણ કોર્ટે પ્રશ્નો ઉઠાવ્યા અને 'તલસ્પર્શી અભ્યાસ'નો અર્થ શું છે તથા કમિટી કયા મુદ્દાઓની તપાસ કરશે તેની સ્પષ્ટતા માગી.

ખાનગી જમીન અને ડિમોલિશનની કાર્યવાહી પર પણ સવાલો

સુનાવણી દરમિયાન ખાનગી જમીન પર ડિમોલિશન કરાયું હતું કે નહીં તે મુદ્દે પણ લાંબી ચર્ચા થઈ હતી. અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ડિમોલિશન ખાનગી માલિકીની જમીન પર કરવામાં આવ્યું હતું. જ્યારે રાજ્ય સરકાર તરફથી દલીલ કરવામાં આવી કે કાર્યવાહી જાહેર હિત અને રોડ લાઇનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. કોર્ટે નોંધ્યું કે જો ખાનગી વ્યક્તિના હિતમાં મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી હોય તો તે ગંભીર મુદ્દો છે. વર્ષો સુધી કોઈ કાર્યવાહી ન કરીને અચાનક ડિમોલિશન કેમ કરવામાં આવ્યું તે અંગે પણ કોર્ટે સવાલો ઉઠાવ્યા.

આ પણ વાંચો: 7 આતંકીઓને લઈને ATS અચાનક સિદ્ધપુર પહોંચી : કડક સુરક્ષા વચ્ચે શરૂ થયું રિકન્સ્ટ્રક્શન, તપાસમાં મોટા ખુલાસાની શક્યતા

પુનર્વસન દોષિતોના ખર્ચે થવું જોઈએ: હાઈકોર્ટ

સરકારે કોર્ટને જણાવ્યું કે નાસીરનગરના પાત્ર પરિવારોના પુનર્વસન માટે 120 ફ્લેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે અને હાઈ લેવલ કમિટી સમગ્ર ઘટનાની તપાસ કરશે. જોકે કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જો અધિકારીઓની ભૂલ સાબિત થાય તો પુનર્વસનનો ખર્ચ રાજ્ય કે કરદાતાઓ પર નહીં પરંતુ જવાબદાર વ્યક્તિઓ પર આવવો જોઈએ. હાઈકોર્ટે જણાવ્યું કે અરજદારોની મુખ્ય માંગ પુનર્વસન ઉપરાંત જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની છે. આગામી સુનાવણીમાં રાજ્ય સરકારને તપાસ, જવાબદારી અને કમિટીના કાર્યક્ષેત્ર અંગે વધુ સ્પષ્ટ જવાબ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

હાઈકોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે રાજ્ય સરકાર કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ન કરે. નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હોવા છતાં સુરત મ્યુનિસિપલ કમિશનર હજુ સુધી પોતાના હોદ્દા પર કેમ છે? અને તેમની સામે પ્રાથમિક તપાસ કેમ હાથ ધરવામાં આવી નથી?

SMCના સસ્પેન્ડેડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. જેમાં તેમણે કમિશનર સાથે થયેલી વોટ્સએપ ચેટ અને વીડિયો રજૂ કરી દાવો કર્યો છે કે નાસીરનગરમાં ડિમોલિશનની કામગીરી કમિશનરના સીધા આદેશ અને સૂચનાથી જ કરવામાં આવી હતી.

કોર્ટે સ્પષ્ટતા કરી કે 150થી વધુ નિરાધાર થયેલા પરિવારોનું પુનર્વસન રાજ્યના કે જનતાના ખર્ચે કરવાને બદલે, આ ગેરકાયદે ડિમોલિશન માટે દોષિત અધિકારીઓ અને જવાબદારોના ખર્ચે થવું જોઈએ.

નાસીરનગરના 26 અરજદારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં રાજ્ય સરકાર, SMC, સુરત પોલીસ કમિશ્નર, SOG ના DCP રાજદીપસિંહ નકુમ, ખાનગી બિલ્ડર, પોલીસ અને SMCના કર્મચારીઓ તેમજ ટોરેન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now