Excise Duty Cut: પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ અને ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે કેન્દ્ર સરકારે તેલ કંપનીઓ અને સામાન્ય જનતાને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં રૂ.10 પ્રતિ લિટરનો મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે તેલના ભાવ વધવા છતાં ભારતીય ગ્રાહકોને મોંઘવારીના મારથી બચાવવા માટે આ મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. જોકે, આ ઘટાડા બાદ સામાન્ય જનતાના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં ઘટાડો થશે કે નહીં?
શું પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? જાણો શું છે હકીકત
સામાન્ય રીતે જ્યારે સરકાર એક્સાઈઝ ડ્યુટી ઘટાડે છે ત્યારે પેટ્રોલ પંપ પર ભાવ ઘટતા હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ થોડી અલગ છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રાહત મુખ્યત્વે તેલ કંપનીઓને આપવામાં આવી છે. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) ની કિંમતો $122 પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે, જેના કારણે કંપનીઓ માટે તેલની આયાત મોંઘી બની છે. એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો મુખ્ય હેતુ એ છે કે આંતરરાષ્ટ્રીય ભાવ વધવા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ન કરવો પડે. એટલે કે, ભાવ ઘટવાની શક્યતા ઓછી છે, પરંતુ ભાવ વધશે પણ નહીં.
આ પણ વાંચો: Petrol Diesel Price Today : ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલની અસ્થિરતા વચ્ચે જાણો પેટ્રોલ-ડીઝલના આજના ભાવ અંગે લેટેસ્ટ અપડેટ
નવા એક્સાઈઝ ડ્યુટી દર અને નિકાસ પર અંકુશ
સરકારે કરેલા ફેરફાર મુજબ, પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી રૂ.13થી ઘટાડીને રૂ.3 કરવામાં આવી છે, જ્યારે ડીઝલ પરની ડ્યુટી ₹10થી ઘટાડીને શૂન્ય (0) કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, સ્થાનિક બજારમાં તેલની પૂરતી ઉપલબ્ધતા જાળવી રાખવા માટે સરકારે ડીઝલના નિકાસ પર રૂ.21.5 પ્રતિ લિટર અને એટીએફ (ATF) પર રૂ.29.5 પ્રતિ લિટરનો ટેક્સ લાદ્યો છે. નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા નાગરિકોને જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારાથી સુરક્ષિત રાખવા માટે કટિબદ્ધ છે.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનું નિવેદન: સરકારે ઉઠાવ્યો આર્થિક બોજ
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં 30% થી 50% સુધીનો ઉછાળો આવ્યો છે. વિશ્વના અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, પરંતુ ભારત સરકારે આર્થિક બોજ પોતાના પર લેવાનો નિર્ણય કર્યો છે. સરકારે તેના મહેસૂલમાં ઘટાડો સહન કરીને પણ ભારતીય નાગરિકોને આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિરતાથી સુરક્ષિત રાખ્યા છે.
મેટ્રો શહેરોમાં પેટ્રોલ-ડીઝલના વર્તમાન ભાવ
હાલમાં દેશના મુખ્ય શહેરોમાં ઈંધણના ભાવ નીચે મુજબ સ્થિર છે:
દિલ્હી: પેટ્રોલ ₹94.77, ડીઝલ ₹87.67
મુંબઈ: પેટ્રોલ ₹103.54, ડીઝલ ₹90.03
અમદાવાદ (ગુજરાત): અંદાજે પેટ્રોલ ₹95.10, ડીઝલ ₹90.80
ચેન્નાઈ: પેટ્રોલ ₹100.80, ડીઝલ ₹92.38





