Petrol Diesel Price 27 march 2026: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જોકે, આ ઘટાડા છતાં સામાન્ય જનતા માટે પંપ પરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જાણો શું છે તેની પાછળનું ગણિત અને દેશના મુખ્ય શહેરોના તાજા ભાવ.
કેન્દ્ર સરકારનો એક્સાઈઝ ડ્યુટીમાં ધરખમ ઘટાડો
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી ₹13 થી ઘટાડીને ₹3 પ્રતિ લીટર કરી દીધી છે. જ્યારે ડીઝલ પર અગાઉ ₹10 ની જે ડ્યુટી વસૂલવામાં આવતી હતી, તેને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવી છે. એટલે કે હવે ડીઝલ પર કોઈ એક્સાઈઝ ડ્યુટી લાગશે નહીં.
ભાવ કેમ ન ઘટ્યા? શું છે કારણ?
સરકારે ડ્યુટી તો ઘટાડી છે, પરંતુ તેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર નહીં પડે. હકીકતમાં, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) બંધ થવાની અણી પર હોવાથી ઓઈલ માર્કેટમાં ભારે ઉથલપાથલ છે. આ સ્થિતિમાં સરકારી તેલ કંપનીઓ (OMCs) ના નુકસાન (Under-recoveries) ને સરભર કરવા માટે આ નિર્ણય લેવાયો છે. એટલે કે, ડ્યુટી ઘટાડવાનો લાભ કંપનીઓને મળશે જેથી તેઓ વધતા આંતરરાષ્ટ્રીય ભાવ સામે ટકી શકે અને પંપ પર ભાવ વધારો ન કરવો પડે.
આ પણ વાંચો: LPG Crisis: દેશમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની છે અછત? : સરકારે જણાવ્યો કેટલા દિવસનો બચ્યો છે સ્ટોક
ખાનગી કંપની નાયરા એનર્જીએ ઝીંક્યો ભાવ વધારો
એક તરફ સરકારી કંપનીઓના ભાવ સ્થિર છે, ત્યારે દેશની અગ્રણી ખાનગી ઓઈલ રિટેલર નાયરા એનર્જી (Nayara Energy) એ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી દીધો છે. નાયરાએ પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3 પ્રતિ લીટરનો વધારો કર્યો છે. ઈન્ડો-રશિયન ભાગીદારી ધરાવતી આ કંપનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના વધતા ભાવનો બોજ ગ્રાહકો પર નાખવાનું નક્કી કર્યું છે. જોકે, Jio-bp એ હાલમાં કોઈ ભાવ વધારો કર્યો નથી.
ગુજરાત સહિત દેશના મેટ્રો શહેરોમાં આજનો ભાવ (27 માર્ચ, 2026)
રાજ્ય અને ટેક્સના તફાવતને કારણે દરેક શહેરમાં ભાવ અલગ-અલગ હોય છે. નીચે આપેલા કોષ્ટકમાં આજના લેટેસ્ટ ભાવ જોઈ શકાય છે:
શહેર | પેટ્રોલ (₹/લીટર) | ડીઝલ (₹/લીટર) |
અમદાવાદ | ₹94.29 | ₹89.95 |
નવી દિલ્હી | ₹94.77 | ₹87.67 |
મુંબઈ | ₹103.54 | ₹90.03 |
કોલકાતા | ₹105.45 | ₹92.02 |
ચેન્નાઈ | ₹100.84 | ₹92.39 |
બેંગલુરુ | ₹102.92 | ₹90.99 |
હૈદરાબાદ | ₹107.46 | ₹95.70 |
મહત્વનું છે કે, વૈશ્વિક પરિસ્થિતિઓને જોતા હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી રાહત મળે તેવી શક્યતા ઓછી છે. સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને તેલ કંપનીઓને ટેકો આપ્યો છે, જેથી સામાન્ય નાગરિકોને ભાવ વધારાના ઝટકાથી બચાવી શકાય. પરંતુ નાયરા એનર્જી જેવા ખાનગી પંપ પર ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડશે.





