Home Gujarat Recruitment In The Water Resources Department Of The State Government

રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગમાં ભરતી : પોઝિટિવ એપ્રોચ અને સકારાત્મક ઉર્જા સાથે કર્તવ્યરત રહેવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહ્વાન

રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગમાં ભરતી
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2025, 02:51 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગમાં નવી નિમણૂક મેળવનાર નવયુવાઓને કર્તવ્ય પાલન અને ફરજ નિષ્ઠાથી સેવારત રહેવાનું આહવાન કર્યું છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, સરકારી સેવામાં જોડાઈને લોક સેવાની જે તક મળી છે તેને પદ, પ્રતિષ્ઠા, હોદ્દો કે આર્થિક આધાર તરીકે મુલવવાને બદલે પોતાને સોંપાયેલી કામગીરી પર ફોકસ કરીને ઉજાળીએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ વર્ગ-૩ની પરીક્ષાઓમાં પસંદ થઈ સીધી ભરતીથી નિમણૂક પામેલા યુવાઓને નિમણૂક પત્રો વિતરણના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. આ અવસરે ૪૫૦થી વધુ નવયુવાઓને જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા, રાજ્યમંત્રી મુકેશ પટેલ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટીમ ગુજરાતમાં જોડાઈ રહેલા નવયુવાઓને પ્રેરણા આપતા કહ્યું કે, પોઝિટિવ એપ્રોચ અને સકારાત્મક ઉર્જા સાથે ફરજો અદા કરીને તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકસિત ભારત @ ૨૦૪૭ સંકલ્પ માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંવાહક બનવાનું છે.

મુખ્યમંત્રીએ નવનિયુક્ત યુવાઓને ઇન્ટરનેશનલ હેપીનેસ ડેની શુભેચ્છાઓ પાઠવતા આ દિવસ તેમના જીવનમાં બેવડી ખુશી લાવનારો બન્યો છે તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં રહેલી ખાલી જગ્યાઓ સમયબદ્ધ અને ઝડપી રીતે ભરવાનું આયોજન કરી લીધુ છે. આ હેતુસર દસ વર્ષીય ભરતી કેલેન્ડર સરકારે બનાવ્યું છે અને ૨૦૨૫ના વર્ષમાં જ વધુ ૬૦૦ વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટેની જાહેરાત સહિતની પ્રક્રિયા તબક્કાવાર કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી નિમણૂક પામી રહેલા વર્ક આસિસ્ટન્ટ યુવાઓને શીખ આપતા જણાવ્યું કે, તેમની પાસે આવનારી વ્યક્તિ કે અરજદારને સાંભળીને તેની સમસ્યા-પ્રશ્નનું નિવારણ ઝડપથી થાય તેવો પ્રો-એક્ટીવ એપ્રોચ રાખવો જરૂરી છે. એટલું જ નહીં, સૌ એકબીજાના પૂરક બનીને કાર્ય કરીશું તો કાર્ય આનંદ સાથે આત્મસંતોષ પણ મળશે જ.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુદ્રઢ જળ વ્યવસ્થાપનથી ખેતરે ખેતરે પાણી પહોંચાડીને કૃષિ સમૃદ્ધિનો અભિગમ સાકાર કર્યો છે તેની વિશેષ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

તેમણે આ અંગે જણાવ્યું કે, પાણીનો સદુપયોગ, વરસાદી પાણીના સંચય માટે ‘કેચ ધ રેઈન’ અભિયાન, વાતાવરણ શુદ્ધી અને પર્યાવરણ જાળવણી માટે ‘એક પેડ મા કે નામ’, સ્વચ્છતા સહિતના જન અભિયાનોમાં નવયુવાશક્તિ તેના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન જોડાઈને સૌના સાથ સૌના વિકાસના સંકલ્પને અવશ્ય પાર પાડી શકશે જ.

જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ નવનિમણૂંક પામેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી પ્રેરણાથી આજે સુજલામ સુફલામ અને સૌની યોજના સહિત વિવિધ ઉદવહન પાઈપલાઈનોના માધ્યમથી કચ્છ સહિત રાજ્યના દરેક ખૂણે નર્મદાના નીર પહોંચ્યા છે. જળસંપત્તિ વિભાગની ટીમમાં વધારો થતા રાજ્યનું સિંચાઈ માળખું પણ વધુ સક્ષમ બનશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

નવનિયુક્ત વર્ક આસિસ્ટન્ટ્સને સંબોધન કરતા મંત્રીએ કહ્યું કે, તમારે સૌએ રાજ્યના ખેડૂતો સાથે સીધા સંપર્કમાં કામ કરવાનું છે. ત્યારે ખેડૂતો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર જાળવવો અને તેમના નાના મોટા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે એ જ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. આ ઉપરાંત રાજ્યના બંધોની જાળવણી કરીને છેવાડાના ખેડૂતને પણ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેવી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવાની મહત્વપૂર્ણ જવાબદારી તમારે સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવાની છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

સમારોહમાં સૌનું શાબ્દિક સ્વાગત કરતા જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમૃત સમાન જળ એ મનુષ્ય જીવનનો મુખ્ય આધાર છે. ભગવાનના પ્રસાદ સમાન જળના એક એક ટીપાંનું સંરક્ષણ કરીને વિવિધ જળ સ્ત્રોતોના માધ્યમથી ગુજરાતના દરેક નાગરિક સુધી પીવાલાયક અને સિંચાઈ માટે પાણી પહોંચાડવાની ગુજરાત સરકારની નેમ છે. આજે નિમણૂંક પામેલા નવયુવાનો ટેક્નોલોજીના માધ્યમથી જળ સંચયની કામગીરીને વધુ વેગવાન બનાવશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય મતી રીટાબેન પટેલ, ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તુષાર ધોળકિયા, જળસંપત્તિ વિભાગના સચિવ પી. સી. વ્યાસ, મુખ્ય ઈજનેર એમ. ડી. પટેલ સહિત જળસંપત્તિ વિભાગના અધિકારીઓ અને નવનિમણૂંક પામેલા ઉમેદવારો તેમજ તેમના પરિવારજનો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now