RBI Gold Reserve: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ગોલ્ડ રિઝર્વની કિંમતમાં એક જ અઠવાડિયામાં 2.19 અબજ ડૉલરનો નોંધપાત્ર ઘટાડો જોવા મળતા નાણાકીય બજારોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. RBI દ્વારા જાહેર કરાયેલા તાજેતરના સાપ્તાહિક આંકડાઓમાં આ ઘટાડો સામે આવતા એવી અટકળો શરૂ થઈ હતી કે કદાચ સેન્ટ્રલ બેન્કે પોતાના સોનાના ભંડારમાંથી મોટી માત્રામાં વેચાણ કર્યું હશે. જોકે, RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ તમામ દાવાઓને નકારી કાઢતા સ્પષ્ટ કર્યું છે કે બેન્કે સોનાનો એક પણ જથ્થો વેચ્યો નથી. સોનાના રિઝર્વના મૂલ્યમાં ઘટાડા છતાં ભારતની કુલ વિદેશી હૂંડિયામણ સ્થિતિ મજબૂત હોવાનું RBIએ જણાવ્યું છે. ગવર્નરના નિવેદન બાદ હવે સ્પષ્ટ થયું છે કે મૂલ્યમાં ઘટાડાનું કારણ સોનાના ભાવમાં આવેલી આંતરરાષ્ટ્રીય વધઘટ છે, જથ્થામાં કોઈ ઘટાડો નથી.
2.19 અબજ ડૉલર ઘટી ગોલ્ડ રિઝર્વની કિંમત
RBIના સાપ્તાહિક રિપોર્ટ મુજબ 29 મે, 2026ના રોજ પૂર્ણ થયેલા સપ્તાહ દરમિયાન દેશના ગોલ્ડ રિઝર્વની કિંમતમાં 2.19 અબજ ડૉલરનો ઘટાડો નોંધાયો હતો. આ આંકડો સામે આવતા જ નાણાકીય વિશ્લેષકો અને બજારના નિરીક્ષકો વચ્ચે અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ હતી. કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રિઝર્વ બેન્કે રૂપિયાને ટેકો આપવા અથવા વિદેશી હૂંડિયામણની સ્થિતિ મજબૂત કરવા માટે સોનું વેચ્યું હોઈ શકે છે. જોકે RBIએ આવા તમામ દાવાઓને ફગાવી દીધા છે.
ગવર્નર સંજય મલ્હોત્રાની સ્પષ્ટતા
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ તાજેતરની નાણાકીય નીતિની જાહેરાત બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રિઝર્વ બેન્કે કોઈ પણ પ્રકારનું સોનું વેચ્યું નથી. તેમણે જણાવ્યું કે, માત્ર ગોલ્ડ રિઝર્વનો જથ્થો યથાવત્ નથી રહ્યો, પરંતુ તેમાં થોડો વધારો પણ થયો છે. તેથી મૂલ્યમાં થયેલા ઘટાડાને સોનાના વેચાણ સાથે જોડવું યોગ્ય નથી.
આ પણ વાંચો: ભારતમાં આવશે પ્લાસ્ટિક કરન્સી નોટ્સ?: RBI ફરી વિચારી રહી છે નવી યોજના, જાણો શું બદલાઈ શકે
મૂલ્ય કેમ ઘટ્યું?
RBIએ સમજાવ્યું છે કે ગોલ્ડ રિઝર્વનું મૂલ્યાંકન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ચાલતા ભાવોના આધારે કરવામાં આવે છે. કારણ કે આ મૂલ્ય યુએસ ડૉલરમાં દર્શાવવામાં આવે છે, તેથી વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં થતી વધઘટ અને ચલણના વિનિમય દરોમાં ફેરફાર સીધી અસર કરે છે. દર અઠવાડિયે સોનાના ભંડારનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટે તો સોનાની કિંમત ઓછી દેખાય છે, ભલે વાસ્તવિક જથ્થામાં કોઈ ફેરફાર થયો ન હોય.
બ્લૂમબર્ગના વિશ્લેષણને RBIએ ફગાવ્યું
તાજેતરમાં એક આંતરરાષ્ટ્રીય અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે આશરે 12 અબજ ડૉલરનું સોનું વેચ્યું હોઈ શકે છે. આ દાવા બાદ બજારમાં ચર્ચા વધુ તેજ બની હતી. જોકે RBIએ આ વિશ્લેષણને ખોટું ગણાવી સ્પષ્ટ કર્યું છે કે ગોલ્ડ રિઝર્વના મૂલ્યમાં થયેલી વધઘટને જથ્થાના ઘટાડા તરીકે જોવું યોગ્ય નથી. સેન્ટ્રલ બેન્કના જણાવ્યા મુજબ હાલ ભારત પાસે 880.52 ટન સોનાનો ભંડાર ઉપલબ્ધ છે અને તેમાં કોઈ ઘટાડો થયો નથી.
આ પણ વાંચો: RBIનો મોટો નિર્ણય: રેપો રેટ 5.25% પર યથાવત્, જાણો હોમ લોન અને કાર લોનની EMI પર શું થશે અસર
વિદેશી હૂંડિયામણમાં થયો વધારો
સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો હોવા છતાં ભારતની કુલ વિદેશી હૂંડિયામણ સંપત્તિ (Foreign Currency Assets - FCA)માં નોંધપાત્ર વધારો થયો છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન FCAમાં 3.12 અબજ ડૉલરનો વધારો નોંધાયો હતો અને તે વધીને 546.15 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે. આ વધારો દર્શાવે છે કે ભારતની વિદેશી હૂંડિયામણ સ્થિતિ હજુ પણ મજબૂત છે.
દેશની આર્થિક સ્થિતિ માટે શું અર્થ?
નાણાકીય નિષ્ણાતોના મતે ગોલ્ડ રિઝર્વના મૂલ્યમાં ટૂંકાગાળાનો ઘટાડો કોઈ ચિંતાજનક બાબત નથી. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં થતી વધઘટને કારણે આવા ફેરફારો સામાન્ય ગણાય છે. મહત્વની વાત એ છે કે, ભારતના ગોલ્ડ રિઝર્વના વાસ્તવિક જથ્થામાં કોઈ ઘટાડો થયો નથી અને સાથે સાથે વિદેશી હૂંડિયામણ સંપત્તિમાં વધારો થયો છે. આ બંને બાબતો દેશની આર્થિક સ્થિરતા અને રિઝર્વની મજબૂત સ્થિતિ દર્શાવે છે.




