Home Business Rbi Keeps Repo Rate Unchanged At 5 25 Percent No Relief In Loan Emi

RBIનો મોટો નિર્ણય : રેપો રેટ 5.25% પર યથાવત્, જાણો હોમ લોન અને કાર લોનની EMI પર શું થશે અસર

RBI Repo Rate
Published by: Nirali Gohil
Last Updated: Jun 05, 2026, 05:19 AM IST

RBI Repo Rate: દેશભરના કરોડો હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન ધારકોની નજર જે નિર્ણય પર હતી તે અંગે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સ્પષ્ટતા કરી છે. RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની મહત્વપૂર્ણ બેઠક બાદ રેપો રેટ અંગેની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. પરિણામે હાલનો રેપો રેટ 5.25 ટકા પર યથાવત્ રહેશે.

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે વૈશ્વિક અર્થતંત્ર અનેક પડકારોમાંથી પસાર થઈ રહ્યું છે. ખાસ કરીને પશ્ચિમ એશિયામાં વધતા તણાવ, ઈરાન-ઈઝરાયલ સંબંધિત ભૂરાજકીય સંઘર્ષ, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ઊભી થયેલી અનિશ્ચિતતાઓને કારણે વિશ્વભરની કેન્દ્રીય બેંકો સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં RBIએ પણ તટસ્થ અભિગમ અપનાવીને હાલના વ્યાજ દરોને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.

રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, 5.25% પર જ રહેશે

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, મોનેટરી પોલિસી કમિટીએ સર્વસંમતિથી પોલિસી રેપો રેટને 5.25 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ બેંકે પોતાની 'ન્યુટ્રલ' એટલે કે તટસ્થ નીતિ પણ યથાવત્ રાખી છે. રેપો રેટ એ એવો દર છે જેના આધારે RBI વ્યાપારી બેંકોને ટૂંકા ગાળાની લોન આપે છે. જ્યારે રેપો રેટમાં ઘટાડો થાય છે ત્યારે બેંકો માટે ધિરાણ સસ્તું બને છે અને સામાન્ય ગ્રાહકોને પણ લોનના વ્યાજ દરમાં રાહત મળી શકે છે. બીજી તરફ રેપો રેટ સ્થિર રહેતાં હાલની લોન પર EMIમાં કોઈ ખાસ ફેરફાર થતો નથી.

EMIમાં રાહતની આશા રાખનારા લોકોને ઝટકો

છેલ્લા કેટલાક સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે RBI મોંઘવારીમાં ઘટાડો અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ફરી એક વખત વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. જો આવું બન્યું હોત તો હોમ લોન અને અન્ય લોનની EMIમાં ઘટાડો થવાની શક્યતા હતી. પરંતુ, રેપો રેટ યથાવત્ રાખવાના નિર્ણયથી હાલ લોનધારકોને કોઈ વધારાની રાહત મળશે નહીં. બેંકોના વર્તમાન વ્યાજ દરોમાં પણ તાત્કાલિક કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. એટલે કે હાલ જે EMI ગ્રાહકો ભરી રહ્યા છે તે યથાવત્ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો: સૌર ઊર્જામાં ભારતનો વિશ્વસ્તરીય ઉછાળો: 37 ગીગાવોટ ક્ષમતાના ઉમેરા સાથે અમેરિકાને પાછળ છોડ્યું, હવે ફક્ત ચીન આગળ

છેલ્લે ક્યારે બદલાયો હતો રેપો રેટ?

ભારતીય રિઝર્વ બેંકે છેલ્લે 5 ડિસેમ્બર 2025ના રોજ રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. તે સમયે MPCએ 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25 ટકાનો ઘટાડો કરીને રેપો રેટને 5.50 ટકાથી ઘટાડીને 5.25 ટકા કર્યો હતો. આ નિર્ણયનો લાભ લાખો લોનધારકોને મળ્યો હતો અને અનેક બેંકોએ પોતાના ધિરાણ દરોમાં પણ ઘટાડો કર્યો હતો. જોકે ત્યારબાદ RBIએ સાવચેતીપૂર્વકનો અભિગમ અપનાવીને વ્યાજ દરોમાં કોઈ વધુ ફેરફાર કર્યો નથી.

પશ્ચિમ એશિયાના તણાવની RBIને ચિંતા

ગવર્નર સંજય મલ્હોત્રાએ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો વૈશ્વિક અર્થતંત્ર માટે પડકારરૂપ બની રહ્યા છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધેલા તણાવની અસર ઊર્જા બજારો પર પણ જોવા મળી રહી છે. mક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક વધારો અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ઊભા થયેલા અવરોધો અનેક દેશોની અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં RBIએ વ્યાજ દરોમાં કોઈ ઉતાવળભર્યો નિર્ણય ન લેતા સ્થિરતા જાળવવાનું પસંદ કર્યું છે.

મોંઘવારી અંગે શું કહે છે RBI?

RBIના જણાવ્યા અનુસાર હાલ ભારતમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત મોંઘવારી નિયંત્રણમાં છે અને તે કેન્દ્રીય બેંકના લક્ષ્યાંકની અંદર છે. વૈશ્વિક સ્તરે અનેક પડકારો હોવા છતાં તેની સીધી અસર સ્થાનિક કિંમતો પર મર્યાદિત રહી છે. જોકે RBIએ ચેતવણી આપી છે કે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં મોંઘવારીનો દર ફરી વધવાની શક્યતા છે. ખાસ કરીને વૈશ્વિક ઊર્જા કિંમતોમાં વધારો અને સપ્લાય ચેઈનમાં વિક્ષેપો ભારત માટે જોખમ ઊભું કરી શકે છે. તેથી મોંઘવારીની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: માત્ર 10 મિનિટમાં પૂરી થશે 1 કલાકની સફર!: ટ્રાફિકથી છૂટકારો અપાવશે અમેરિકાની આ ઉડતી ટેક્સી

આગામી મહિનાઓમાં શું થઈ શકે?

અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આગામી મહિનાઓમાં જો મોંઘવારી નિયંત્રણમાં રહેશે અને વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર બનશે તો RBI ફરી એકવાર વ્યાજ દરોમાં ઘટાડા અંગે વિચાર કરી શકે છે. જોકે હાલમાં કેન્દ્રીય બેંકનું મુખ્ય ધ્યાન મોંઘવારી અને આર્થિક વૃદ્ધિ વચ્ચે સંતુલન જાળવવા પર કેન્દ્રિત છે. ફિલહાલ RBIના આ નિર્ણયથી બેંકો, રોકાણકારો અને લોનધારકો માટે સ્પષ્ટ સંદેશો મળ્યો છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે કેન્દ્રીય બેંક સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે અને હાલ વ્યાજ દરોમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા દેખાતી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now