India Solar: ભારત સ્વચ્છ અને નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં ઝડપથી વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સૌર ઊર્જા ક્ષેત્રે થયેલી નોંધપાત્ર પ્રગતિના કારણે ભારતે હવે એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. વાર્ષિક સૌર ઊર્જા ક્ષમતા વધારાના મામલે ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે અને વિશ્વનો બીજો સૌથી ઝડપી વિકસતો સૌર ઊર્જા બજાર બની ગયો છે. આ સિદ્ધિ માત્ર ઊર્જા ક્ષેત્રની સફળતા નથી, પરંતુ ભારતની હરિત અર્થવ્યવસ્થા અને ઊર્જા આત્મનિર્ભરતા તરફના મજબૂત પગલાંનું પણ પ્રતિબિંબ છે. આંતરરાષ્ટ્રીય નવીનીકરણીય ઊર્જા એજન્સી (IRENA)ના તાજેતરના આંકડા દર્શાવે છે કે ભારતમાં ગયા વર્ષે 37 ગીગાવોટ નવી સૌર ક્ષમતાનો ઉમેરો થયો હતો. તેની સરખામણીએ અમેરિકાએ 34 ગીગાવોટ ક્ષમતાનો વધારો નોંધાવ્યો હતો. જોકે આ ક્ષેત્રમાં ચીન હજુ પણ સૌથી આગળ છે અને તેણે એક જ વર્ષમાં 315 ગીગાવોટ જેટલી વિશાળ ક્ષમતાનો ઉમેરો કર્યો છે.
સૌર ઊર્જા ક્ષેત્રે ભારતની ઝડપ વિશ્વનું ધ્યાન ખેંચી રહી છે
ભારત છેલ્લા કેટલાક વર્ષોથી સૌર ઊર્જા ક્ષેત્રે સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. સરકારની અનુકૂળ નીતિઓ, મોટા પાયે રોકાણ, ટેક્નોલોજીકલ નવીનતા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે દેશે ઝડપી વૃદ્ધિ હાંસલ કરી છે.
આંકડાઓ અનુસાર 2023માં ભારતે 9.6 ગીગાવોટ અને 2024માં 25.4 ગીગાવોટ નવી સૌર ક્ષમતાનો ઉમેરો કર્યો હતો. ત્યારબાદ 2025 દરમિયાન આ વૃદ્ધિ વધુ તેજ બની અને દેશમાં કુલ 37 ગીગાવોટ ક્ષમતાનો ઉમેરો થયો. આ દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક સૌર ઊર્જા ક્રાંતિના કેન્દ્રમાં સ્થાન મેળવી રહ્યું છે.
કુલ સ્થાપિત ક્ષમતામાં અમેરિકા હજુ આગળ
વાર્ષિક વૃદ્ધિમાં ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું હોવા છતાં કુલ સ્થાપિત સૌર ક્ષમતાના મામલે અમેરિકા હજુ આગળ છે. 2025ના અંત સુધીમાં અમેરિકાની કુલ સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા 211.6 ગીગાવોટ સુધી પહોંચી હતી, જ્યારે ભારતની ક્ષમતા 135.5 ગીગાવોટ નોંધાઈ હતી. તેમ છતાં ઊર્જા નિષ્ણાતો માને છે કે વર્તમાન વૃદ્ધિ દર જાળવી રાખવામાં સફળતા મળે તો આગામી વર્ષોમાં ભારત આ અંતરને ઝડપથી ઘટાડી શકે છે. ભારતના વધતા ઊર્જા બજાર અને સરકારના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યોને જોતા આ શક્યતા વધુ મજબૂત બની રહી છે.
આ પણ વાંચો: માત્ર 10 મિનિટમાં પૂરી થશે 1 કલાકની સફર!: ટ્રાફિકથી છૂટકારો અપાવશે અમેરિકાની આ ઉડતી ટેક્સી
જાપાનને પાછળ છોડીને ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત
ભારતે 2024 દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી હતી. દેશમાં સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતાના આધારે જાપાનને પાછળ છોડીને વિશ્વનો ત્રીજો સૌથી મોટો સૌર ઊર્જા ઉત્પાદક દેશ બન્યો હતો. nજાપાનની સૌર ક્ષમતા 2023માં લગભગ 87 ગીગાવોટથી વધીને 90 ગીગાવોટ સુધી પહોંચી હતી. બીજી તરફ ભારતે 2023માં 73 ગીગાવોટથી વધીને 2024માં 98 ગીગાવોટથી વધુ ક્ષમતા હાંસલ કરી હતી. આ વૃદ્ધિ ભારતના ઊર્જા ક્ષેત્રમાં ચાલી રહેલા પરિવર્તનને સ્પષ્ટ રીતે દર્શાવે છે.
માત્ર 14 મહિનામાં ઉમેર્યા 50 ગીગાવોટ
ભારતની સૌર ઊર્જા વૃદ્ધિની ગતિ સમજવા માટે છેલ્લા કેટલાક વર્ષોના આંકડા નોંધપાત્ર છે. 2022માં દેશે પ્રથમ વખત 50 ગીગાવોટ સ્થાપિત ક્ષમતાનો આંકડો પાર કર્યો હતો. ત્યારબાદના ત્રણ વર્ષમાં વધુ 50 ગીગાવોટ ક્ષમતાનો ઉમેરો થયો. mતે બાદ જાન્યુઆરી 2025થી માર્ચ 2026 વચ્ચેના માત્ર 14 મહિનાના ગાળામાં દેશમાં ફરીથી 50 ગીગાવોટથી વધુ નવી ક્ષમતા ઉમેરાઈ હતી. પરિણામે એપ્રિલ 2026 સુધીમાં ભારતની કુલ સૌર ઊર્જા ક્ષમતા 154 ગીગાવોટ સુધી પહોંચી ગઈ હતી.
નાણાકીય વર્ષ 2026માં બન્યો નવો રેકોર્ડ
નાણાકીય વર્ષ 2026 ભારતના સૌર ઊર્જા ક્ષેત્ર માટે ઐતિહાસિક સાબિત થયું હતું. આ સમયગાળા દરમિયાન દેશમાં 44.61 ગીગાવોટ નવી સૌર ક્ષમતાનો ઉમેરો થયો હતો, જે સરકાર દ્વારા નક્કી કરાયેલા 34 ગીગાવોટના લક્ષ્યાંક કરતાં નોંધપાત્ર રીતે વધુ હતો. આ વૃદ્ધિ નાણાકીય વર્ષ 2025 દરમિયાન સ્થાપિત થયેલા 23.83 ગીગાવોટના અગાઉના રેકોર્ડ કરતાં લગભગ બમણી હતી. આ દર્શાવે છે કે, ભારતનું સૌર ઊર્જા ક્ષેત્ર હવે વધુ ઝડપથી વિસ્તરી રહ્યું છે.
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરી માટે શું હવે 25 રૂપિયા આપવા પડશે?: LPG ગ્રાહકો ખાસ જાણી લે આ નિયમ
2030 સુધી 500 ગીગાવોટ નવીનીકરણીય ઊર્જાનું લક્ષ્ય
ભારત સરકારે 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. હાલમાં દેશની કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતામાંથી લગભગ 288 ગીગાવોટ ક્ષમતા બિન-અશ્મિભૂત સ્ત્રોતોમાંથી આવે છે. આમાં 56 ગીગાવોટ પવન ઊર્જા, 51 ગીગાવોટ મોટા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ, 8.8 ગીગાવોટ પરમાણુ ઊર્જા, 11 ગીગાવોટથી વધુ બાયોએનર્જી અને લગભગ 5 ગીગાવોટ નાના હાઇડ્રો પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
વીજ ઉત્પાદનના હિસ્સામાં હજુ પડકાર
સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતાના મામલે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે, પરંતુ વાસ્તવિક વીજ ઉત્પાદનના સંદર્ભમાં હજુ પડકારો બાકી છે. IRENAના આંકડા અનુસાર દેશના કુલ વીજ ઉત્પાદનમાંથી બિન-અશ્મિભૂત સ્ત્રોતોનો ફાળો હજુ 30 ટકા કરતાં ઓછો છે. nનિષ્ણાતો માને છે કે, આગામી વર્ષોમાં સ્ટોરેજ ટેક્નોલોજી, ગ્રીડ આધુનિકીકરણ અને વધુ રોકાણ દ્વારા આ અંતર ઘટાડવામાં મદદ મળશે. જો વર્તમાન ગતિ જળવાઈ રહેશે તો ભારત માત્ર સૌર ઊર્જા ક્ષેત્રમાં જ નહીં પરંતુ સમગ્ર હરિત ઊર્જા ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ વધી શકે છે.





