Rashid Khan : અફઘાનિસ્તાનના દિગ્ગજ લેગ સ્પિનર રાશિદ ખાને હાલમાં જ એક એવો ખુલાસો કર્યો છે, જેનાથી સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. રાશિદ ખાને જણાવ્યું કે, તેને ભારત અને ઓસ્ટ્રેલિયા તરફથી નાગરિકતા મેળવીને તેમના દેશ માટે ક્રિકેટ રમવાની ઓફર મળી હતી. પરંતુ આ ખેલાડીએ પોતાના વતન પ્રત્યેની વફાદારી બતાવતા આ તમામ ઓફરોને નકારી દીધી હતી.
ઓફરનો મોટો ખુલાસો
રાશિદ ખાને તેની આગામી બુક 'Rashid Khan: From Streets to Stardom' માં લખ્યું છે કે, 2023 ની IPL સિઝન દરમિયાન તેને અન્ય દેશો માટે રમવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. રાશિદ ખાને સ્પષ્ટ કર્યું કે, તે ગમે તેવી સ્થિતિ હોય પણ પોતાના દેશ અફઘાનિસ્તાનને ક્યારેય છોડવા માંગતો નથી.
ભારત તરફથી મળેલી ઓફર
રાશિદ ખાને ભારત સાથે જોડાયેલી ઓફર વિશે વાત કરતા લખ્યું કે, જ્યારે તે ગુજરાત ટાઇટન્સ માટે રમી રહ્યો હતો, ત્યારે ટીમના એક અધિકારીએ તેને ભારતીય ક્રિકેટ બોર્ડના એક વરિષ્ઠ અધિકારી સાથે મુલાકાત કરાવી હતી. આ મુલાકાત દરમિયાન તેને કહેવામાં આવ્યું હતું કે, અફઘાનિસ્તાનની સ્થિતિ જોતાં તે ભારત આવી જાય અને અહીંના ડોક્યુમેન્ટ્સ બનાવીને ભારત માટે ક્રિકેટ રમે. પરંતુ રાશિદ ખાને સ્મિત સાથે આ ઓફર માટે આભાર માનીને તેને નકારી દીધી હતી.
ઓસ્ટ્રેલિયાની પણ હતી ઓફર
માત્ર ભારત જ નહીં, પરંતુ ઓસ્ટ્રેલિયા તરફથી પણ રાશિદ ખાનને આવી જ અનૌપચારિક ઓફર મળી હતી. રાશિદ ખાને પોતાની બુકમાં લખ્યું છે કે, "મેં તેમને પણ એ જ જવાબ આપ્યો હતો કે, જો હું મારા દેશ માટે નહીં રમીશ, તો દુનિયાના અન્ય કોઈ દેશ માટે પણ નહીં રમીશ." આ વાત સાબિત કરે છે કે, રાશિદ ખાન માટે તેના દેશનું સન્માન સૌથી ઉપર છે.
આ પણ ખાસ વાંચો : SRH vs CSK મેચમાં શું 'બ્લેક મેજિક' થયું? : કાળા જાદુ સામે CSK એ કરી ફરિયાદ?, જાણો શું છે સત્ય
જૂનો કિસ્સો અને વફાદારી
આ પહેલા 2018 માં પણ જ્યારે રાશિદ ખાને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, ત્યારે ભારતીય ચાહકોએ તેને નાગરિકતા આપવાની માંગ કરી હતી. તે સમયે અફઘાનિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કહ્યું હતું કે, રાશિદ ખાન તેમના દેશનું ગૌરવ છે અને તેઓ તેને ક્યારેય જવા દેશે નહીં. રાશિદ ખાને હંમેશા પોતાના દેશના લોકો માટે રમવાનું પસંદ કર્યું છે.





