IPL 2026 : IPL 2026 ની સિઝન અત્યારે પૂરા જોશમાં ચાલી રહી છે, પરંતુ હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચેની મેચમાં રમત સિવાય એક વિચિત્ર વિવાદે જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર 'બ્લેક મેજિક' ના દાવાઓ સાથે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના પર હવે IPL ના પૂર્વ ચેરમેન લલિત મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે.
મેદાન પરની વિચિત્ર ઘટના
હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં જ્યારે ચેન્નાઈની ટીમ લક્ષ્યનો પીછો કરી રહી હતી, ત્યારે સ્ટેન્ડમાં બેઠેલો એક હૈદરાબાદનો ફેન હાથમાં લીંબુ લઈને કંઈક મંત્ર બોલતો હોય તેવો વીડિયો કેમેરામાં કેદ થયો હતો. નવાઈની વાત એ છે કે, આ ઘટનાની થોડી જ ક્ષણોમાં સેટ બેટ્સમેન શિવમ દુબે આઉટ થઈ ગયો, જેનાથી સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી કે શું આ બધું જાદુના કારણે થયું?
સાકિબ હુસૈનની બોલિંગ અને દુબેની વિકેટ
મેચની 17 મી ઓવરમાં શિવમ દુબે શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. હૈદરાબાદના બોલર સાકિબ હુસૈને એક ફુલ લેન્થ બોલ ફેંક્યો જે દુબે સંપૂર્ણપણે ચૂકી ગયો અને બોલ્ડ થઈ ગયો. આ વિકેટ પડતાની સાથે જ સ્ટેડિયમમાં હોબાળો મચી ગયો અને સોશિયલ મીડિયા પર લોકો આ વિકેટને પેલા 'લીંબુવાળા ફેન' સાથે જોડવા લાગ્યા.
લલિત મોદીનો ચોંકાવનારો દાવો
આ વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર CSK નો એક કથિત પત્ર વાયરલ થયો, જેમાં BCCI ને ફરિયાદ કરવામાં આવી હતી. જોકે, લલિત મોદીએ આ પત્રને નકલી ગણાવ્યો છે. પરંતુ તેમણે એક મોટો ખુલાસો કરતાં લખ્યું કે, "આ વખતે ભલે પત્ર ખોટો હોય, પણ 2011 માં એક ટીમના માલિકે વિરોધી ટીમના ડ્રેસિંગ રૂમમાં આવી જ રીતે જાદુ-ટોણા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પુરાવા પણ મારી પાસે છે."
આ પણ ખાસ વાંચો : ગુજરાત ટાઇટન્સને લાગ્યો મોટો ઝટકો! : સ્ટાર ખેલાડી IPL 2026 માંથી બહાર, તાત્કાલિક રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
શું ખરેખર કોઈ ફરિયાદ થઈ છે?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો ચેન્નાઈ સુપર કિંગ્સનો ફરિયાદ પત્ર સંપૂર્ણપણે એડિટ કરેલો અને નકલી સાબિત થયો છે. ફ્રેન્ચાઈઝી કે, BCCI તરફથી આવી કોઈ જ સત્તાવાર ફરિયાદ કરવામાં આવી નથી. આ મેચમાં હૈદરાબાદે ચેન્નાઈને 10 રનથી હરાવીને શાનદાર જીત નોંધાવી હતી, પરંતુ ચર્ચા રમત કરતા આ 'બ્લેક મેજિક' ની વધુ થઈ રહી છે.





