IPL 2026 ની રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 54 રનના મોટા અંતરથી હરાવી દીધું છે. આ મેચમાં પંજાબના બેટરોએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું અને ટૂર્નામેન્ટનો સૌથી હાઈએસ્ટ સ્કોર ખડકી દીધો હતો. આ વિશાળ લક્ષ્ય સામે લખનૌની બેટિંગ લાઈનઅપ વેરવિખેર થઈ ગઈ હતી. લખનૌની પૂરી ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 200 રન જ બનાવી શકી હતી. પંજાબની આ જીતમાં પ્રિયાંશ આર્યા અને કૂપર કોનોલીની તોફાની અડધી સદીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
રેકોર્ડબ્રેક સ્કોર સામે લખનૌના ઘૂંટણિયા
મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમે નિર્ધારિત ઓવરોમાં 254 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો હતો. IPL 2026 ની આ સિઝનમાં અત્યાર સુધીનો આ સૌથી સર્વોચ્ચ સ્કોર છે. આ સાથે પંજાબે RCB ના 250 રનના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત સારી રહી હતી. મિચેલ માર્શ અને આયુષ બડોનીએ પાવરપ્લેમાં આક્રમક રમત રમીને 61 રન જોડ્યા હતા. જોકે, લખનૌનો રન રેટ સતત 10 ની આસપાસ જ રહ્યો હતો. અંતિમ ઓવરોમાં રન રેટ વધારવાના દબાણમાં લખનૌની ટીમ સતત વિકેટો ગુમાવતી રહી જે હારનું મુખ્ય કારણ સાબિત થયું હતું.
પ્રિયાંશ અને કોનોલીનો કહેર
પંજાબ કિંગ્સને આ ઐતિહાસિક સ્કોર સુધી પહોંચાડવામાં યુવા ખેલાડી પ્રિયાંશ આર્યા અને કૂપર કોનોલીએ પાયાની ભૂમિકા ભજવી હતી. બંને બેટરોએ મેદાનની ચારેબાજુ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવીને લખનૌના બોલરોને લાચાર કરી દીધા હતા. આ તોફાની બેટિંગના કારણે જ પંજાબ કિંગ્સ આ વર્ષનો સૌથી મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી.





