અમદાવાદમાં આજે IPL-2025ની ફાઈનલ મેચ છે, જે જોવા માટે ગુજરાતનાં વિવિધ શહેરો ઉપરાંત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ફેન્સ અમદાવાદ પહોંચ્યા છે. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં મેચ શરૂ થવાના ગણતરી કલાક પહેલાં જ વરસાદી માહોલ છવાયો છે. બે દિવસ પહેલાં અમદાવાદમાં રમાયેલી મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચમાં પણ વરસાદ ખાબકતા મેચ મોડેથી શરૂ થઈ હતી.
અગાઉ પંજાબ અને મુંબઈની મેચમાં પણ વરસાદ ખાબક્યો હતો. અને મેચ 2 કલાક મોડી શરૂ કરવામાં આવી હતી. જો આજે વરસાદ ખાબકે અને મેચમાં 5-5 ઓવરની રમત પણ શક્ય ન બને તો આવતીકાલે એટલે કે 4 જૂને રિઝર્વ ડે પર મેચ રમાશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPLની ફાઇનલ મેચમાં વરસાદ વિધ્ન બની શકે છે. તેમજ શહેરના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આજે અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક ભાગોમાં વરસાદની આગાહી કરી છે.સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ભારે વરસાદ પડી શકે છે.
જોકે, ક્રિકેટ ચાહકોએ ટેન્શન લેવાની જરૂર નથી. ગ્રાઉન્ડ ખરાબ થવાથી મેચ અટકશે એવું નહીં બને, કારણ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એક અત્યાધુનિક સબ-સોઇલ ડ્રેનેજ સિસ્ટમથી સજ્જ છે. તેથી વરસાદી પાણી મેચની મજા નહીં બગાડી શકે. હાઈટેક ટેકનોલોજીને કારણે માત્ર અડધો કલાકમાં તો સ્ટેડિયમ કોરુંકટ થઈ શકે છે. આ અદ્યતન સેટઅપ IPL 2025 ક્વોલિફાયર 2 દરમિયાન પણ અસરકારક સાબિત થયું. વરસાદના કારણે વિલંબ થયો, જોકે વરસાદ બાદ તરત જ મહામુકાબલો યોજાયો હતો.






