Lucknow high court: લખનૌ હાઈકોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. બેવડી નાગરિકતા સાથે જોડાયેલા મામલે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસ નીચલી અદાલતના એ નિર્ણય વિરુદ્ધ છે, જેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની માંગને ફગાવી દેવામાં આવી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે આજે આ મામલે મહત્વનો નિર્ણય સંભળાવતા જણાવ્યું કે, રાજ્ય સરકાર કાં તો પોતે તપાસ કરે અથવા સેન્ટ્રલ એજન્સીને આ કેસ સોંપીને તપાસ કરાવે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ આરોપો તપાસનો વિષય છે. રાયબરેલી ટ્રાયલ કોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ આ મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો.
આ પણ વાંચો: સંભલમાં જુમ્માના દિવસે 35 ફૂટ મિનાર ધરાશાયી! : બુલડોઝર એક્શન વચ્ચે ભારે પોલીસ બંદોબસ્ત
ભાજપ કાર્યકર્તાએ દાખલ કરી હતી અરજી
ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકર્તા એસ. વિગ્નેશ શિશિરે આ અરજી દાખલ કરી હતી. અરજદારે લખનૌની સ્પેશિયલ MP-MLA કોર્ટના 28 જાન્યુઆરી, 2026 ના આદેશને પડકાર્યો હતો. અગાઉ, લખનૌની આ અદાલતે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની અરજી એવું કહીને ફગાવી દીધી હતી કે તે નાગરિકતાના મુદ્દા પર નિર્ણય લેવા માટે સક્ષમ નથી.
કર્ણાટકના ભાજપ કાર્યકર્તા એવા અરજદારે રાહુલ ગાંધી વિરુદ્ધ વિગતવાર તપાસની માંગ કરી છે. તેમણે રાહુલ ગાંધી પર નીચે મુજબના કાયદાઓ હેઠળ આરોપો લગાવ્યા છે. જેમાં ભારતીય ન્યાય સંહિતા (BNS), સરકારી ગુપ્તતા અધિનિયમ (Official Secrets Act), ફોરેનર્સ એક્ટ (Foreigners Act), પાસપોર્ટ એક્ટનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: TCS નાસિક કેસમાં મોટો વળાંક : મુખ્ય આરોપી નિદા ખાનનો 'પ્રેગ્નન્સી'નો દાવો, ધરપકડથી બચવા કોર્ટમાં કરી અરજી
શું હતો સમગ્ર વિવાદ?
આ ફરિયાદ શરૂઆતમાં રાયબરેલીની સ્પેશિયલ MP-MLA કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, અરજદાર વિગ્નેશની વિનંતી પર અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે 17 ડિસેમ્બર, 2025 ના રોજ આ ગુનાહિત ફરિયાદ કેસને રાયબરેલીથી લખનૌ ટ્રાન્સફર કર્યો હતો. લખનૌની અદાલતે 28 જાન્યુઆરી, 2026 ના રોજ અરજી ફગાવી દેતા, અરજદારે ફરીથી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેના પરિણામે હવે હાઈકોર્ટે તપાસનો આદેશ આપ્યો છે.





