Uttar Pradesh : ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શુક્રવારે જુમ્માના પવિત્ર દિવસે જ મુબારકપુર બંધ ગામમાં આવેલી એક મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનારો બુલડોઝર અને હાઈડ્રા મશીનોની મદદથી તોડી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે હાજર રહ્યો હતો.
કેવી રીતે તોડવામાં આવ્યો મિનારો?
મસ્જિદનો મિનારો ઘણો ઊંચો હોવાથી તેને તોડવા માટે તંત્રએ ખાસ આયોજન કરવું પડ્યું હતું. બે મોટા હાઈડ્રા મશીનો બોલાવવામાં આવ્યા હતા. એક મજૂરે જીવના જોખમે મિનારા પર ચઢીને મજબૂત દોરડું બાંધ્યું હતું અને તેનો બીજો છેડો મશીનો સાથે જોડવામાં આવ્યો હતો. ત્યારબાદ મશીનો દ્વારા ખેંચાણ આપીને આખા મિનારાને સુરક્ષિત રીતે નીચે પાડી દેવામાં આવ્યો હતો. મિનારો પડ્યા બાદ મસ્જિદના બાકીના ભાગને તોડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી.
સરકારી જમીન પર દબાણ
વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આ મસ્જિદ અને તેની આસપાસની પાંચ દુકાનો છેલ્લા 15 વર્ષથી સરકારી જમીન (રમતગમતના મેદાન) પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી. આ મામલે ફરિયાદ મળ્યા બાદ તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે, આશરે 150 ચોરસ મીટર જમીન પર ગેરકાયદે કબજો કરીને આ બાંધકામ કરવામાં આવ્યું હતું. તહસીલદાર કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પહેલા કેમ અટકી હતી કાર્યવાહી?
મસ્જિદ તોડવાનું કામ હકીકતમાં 12 દિવસ પહેલા એટલે કે 5 એપ્રિલે જ શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે મદ્રેસા અને કેટલીક દુકાનો તોડી પાડવામાં આવી હતી, પરંતુ બુલડોઝર ચાલકે ઊંચો મિનારો તોડવાની ના પાડી દીધી હતી. તેને ડર હતો કે મિનારો તેના મશીન પર પડી શકે છે. જોકે, બાકી રહેલું ૨૦ ટકા કામ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂરું કરવામાં આવ્યું હતું.
સ્થાનિક લોકોની વ્યથા
આ કાર્યવાહીથી અસરગ્રસ્ત થયેલા સ્થાનિક લોકોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. ગ્રામીણ ગુલામ રસૂલે જણાવ્યું કે તેમણે આ જમીન ગામના પ્રધાનના સંબંધી પાસેથી 30 હજાર રૂપિયામાં ખરીદી હતી અને તેમને ખબર નહોતી કે આ સરકારી જમીન છે. આશા વર્કર આસમાએ પણ સવાલ ઉઠાવ્યો હતો કે જો જમીન સરકારી હતી તો નેતાઓએ તેને વેચી કેમ? લોકોની માંગ છે કે જો તેમનું નુકસાન થયું છે તો તેમને વળતર મળવું જોઈએ.





