Andaman Nicobar News: કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અંદામાન અને નિકોબાર ટાપુઓ પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત 'ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ' સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. રાહુલ ગાંધીએ આ પ્રોજેક્ટને માત્ર પર્યાવરણીય નુકસાન નહીં, પરંતુ કુદરત અને ત્યાં વસતા આદિવાસી સમુદાયો વિરુદ્ધનો એક 'ગંભીર ગુનો' ગણાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા આક્ષેપ કર્યો છે કે આ પ્રોજેક્ટથી ટાપુની નાજુક ઇકોસિસ્ટમને કાયમી નુકસાન થશે અને હજારો વર્ષોથી ત્યાં વસતા શોમ્પેન (Shompen) અને નિકોબારી આદિવાસીઓનું અસ્તિત્વ જોખમાશે.
રાહુલ ગાંધીએ પર્યાવરણવાદીઓના અહેવાલો ટાંકતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માટે લાખો વૃક્ષો કાપવામાં આવશે અને દરિયાઈ જીવસૃષ્ટિને પણ મોટું નુકસાન થશે. તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, માત્ર થોડા ઉદ્યોગપતિઓના ફાયદા માટે દેશની કુદરતી સંપત્તિ અને આદિવાસી સંસ્કૃતિનો ભોગ લેવામાં આવી રહ્યો છે. આ વિવાદ હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, કારણ કે આ પ્રોજેક્ટ વ્યૂહાત્મક રીતે મહત્વનો હોવા છતાં તેની આસપાસ અનેક પર્યાવરણીય પ્રશ્નો ઉભા થયા છે.
72,000 કરોડનો પ્રોજેક્ટ અને પર્યાવરણનો ભોગ
કેન્દ્ર સરકાર દ્વારા આશરે 72,000 કરોડ રૂપિયાના ખર્ચે ગ્રેટ નિકોબાર આઇલેન્ડમાં ઈન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ, એરપોર્ટ અને પાવર પ્લાન્ટ બનાવવાનું આયોજન છે. રાહુલ ગાંધીએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે કે આ વિશાળ બાંધકામ માટે આશરે 130 ચોરસ કિલોમીટરના જંગલ વિસ્તારનો નાશ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, "વિકાસના નામે જે વિનાશ થઈ રહ્યો છે તે આવનારી પેઢીઓ માટે ઘાતક સાબિત થશે. કુદરત સાથેની આ છેડછાડ અત્યંત જોખમી છે."
આ પણ વાંચો: ઝારખંડનાં પશ્ચિમ સિંહભૂમમાં થઈ અથડામણ : સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ગોળીબાર
આદિવાસી સમુદાયોના અસ્તિત્વ સામે ખતરો
રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં ખાસ કરીને ગ્રેટ નિકોબારમાં રહેતા આદિવાસી સમુદાયોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે શોમ્પેન જેવી પછાત જનજાતિઓ જે સંપૂર્ણપણે આ જંગલો પર નિર્ભર છે, તેમના ઘર છીનવી લેવામાં આવશે. સરકારની આ નીતિ આદિવાસીઓના અધિકારોનું ઉલ્લંઘન છે. વિપક્ષી નેતાએ માગ કરી છે કે આ પ્રોજેક્ટની પર્યાવરણીય અને માનવીય અસરોનું નિષ્પક્ષ મૂલ્યાંકન થવું જોઈએ અને ત્યાં સુધી તેની કામગીરી પર રોક લગાવવી જોઈએ.
ભાજપ સરકાર અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘર્ષણ
ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય જંગનું કારણ બન્યો છે. જ્યાં એકતરફ સરકાર આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક પ્રગતિ માટે અનિવાર્ય ગણાવી રહી છે, ત્યાં બીજી તરફ રાહુલ ગાંધી અને પર્યાવરણવાદીઓ તેને 'ઇકોલોજીકલ ડિઝાસ્ટર' કહી રહ્યા છે. રાહુલ ગાંધીએ ચેતવણી આપી છે કે જો સરકાર આ મામલે પુનઃવિચાર નહીં કરે, તો કોંગ્રેસ આદિવાસીઓ અને પર્યાવરણના રક્ષણ માટે દેશવ્યાપી આંદોલન પણ કરી શકે છે.





