Raghav Chadha leave AAP: ક્યારેક અરવિંદ કેજરીવાલના સૌથી ચતુર, યુવા અને વિશ્વસનીય ચહેરા ગણાતા રાઘવ ચઢ્ઢા હવે આમ આદમી પાર્ટીથી અલગ થઈ BJP તરફ વળી ગયા છે. આ નિર્ણય એક દિવસમાં આવ્યો નથી. તેની પાછળ રાજ્યસભા સસ્પેન્શન, કેજરીવાલની ધરપકડ દરમિયાન ગેરહાજરી, AAPની અંદર વધતી અવિશ્વાસની દીવાલ, અને આખરે એપ્રિલ 2026માં રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવવાની ઘટના જેવી લાંબી રાજકીય કડી જોડાયેલી છે. જેની આપણે વિગતવાર વાત કરીશું...
રાઘવ ચઢ્ઢાએ 24 એપ્રિલ 2026ના રોજ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો અને સાથે એવો દાવો કર્યો હતો કે, AAPના રાજ્યસભાના બે તૃતિયાંશ સાંસદો BJP સાથે મર્જ થવાના છે. દિલ્હીમાં સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ચઢ્ઢાએ કહ્યું હતું કે, AAPના રાજ્યસભા બ્લોકના સભ્યો બંધારણીય જોગવાઈઓનો ઉપયોગ કરીને BJPમાં મર્જ થવાનો નિર્ણય લઈ રહ્યા છે. તેમના દાવા મુજબ, AAPના 10 રાજ્યસભા સાંસદોમાંથી 7 સભ્યો આ પગલામાં સામેલ છે. રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ, સંદીપ પાઠક, હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, વિક્રમ સાહની અને રાજિન્દર ગુપ્તાના નામ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બળવો માત્ર પક્ષ બદલવાની ઘટના નથી, પરંતુ આમ આદમી પાર્ટીના સંગઠન, રાજ્યસભામાં તેની શક્તિ અને પંજાબ-દિલ્હીની રાજનીતિ માટે મોટો સંકેત છે. રાઘવ ચઢ્ઢાએ પોતાના નિવેદનમાં AAP પર મૂળ સિદ્ધાંતોથી ભટકવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે તેમને લાગતું હતું કે તેઓ “wrong party”માં “right man” બની ગયા હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે, જે પાર્ટીને તેમણે “blood and sweat”થી ઊભી કરવામાં મદદ કરી હતી, તે હવે પોતાના મૂળ મૂલ્યો અને નૈતિકતાથી દૂર થઈ ગઈ છે.
શરૂઆત ક્યાંથી થઈ: AAPના ઉદયમાં રાઘવ ચઢ્ઢાની ભૂમિકા
રાઘવ ચઢ્ઢા AAPના શરૂઆતના દિવસોથી અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલા રહ્યા હતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની પૃષ્ઠભૂમિ ધરાવતા ચઢ્ઢા પાર્ટીના યુવા, અંગ્રેજી-હિન્દી બંને ભાષામાં મજબૂત અને ટીવી ડિબેટમાં અસરકારક ચહેરા તરીકે આગળ આવ્યા હતા. AAPની સત્તાવાર વેબસાઇટ પર તેમને રાજ્યસભા સાંસદ, નેશનલ એક્ઝિક્યુટિવ સભ્ય, નેશનલ સ્પોક્સપર્સન અને Litigation Affairs In-charge તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તેઓ પંજાબમાંથી રાજ્યસભામાં ગયા અને પાર્ટીના સંસદીય તથા સંગઠનાત્મક કામકાજમાં મહત્વની ભૂમિકા ભજવતા રહ્યા. પરંતુ પાર્ટીમાં તેમનો ઉદય જેટલો ઝડપી હતો, એટલી જ ઝડપથી તેમના અને AAP હાઈકમાન્ડ વચ્ચે અંતર પણ દેખાવા લાગ્યું હતું. પાર્ટી અંદરના સૂત્રોનું કહેવું હતું કે, ચઢ્ઢા છેલ્લા કેટલાક વર્ષોથી “gradually grown more distant” થયા હતા. AAP નેતૃત્વને લાગતું હતું કે, પાર્ટીના સૌથી કપરા સમયમાં, ખાસ કરીને તપાસો, ધરપકડો અને ચૂંટણીકાળ દરમિયાન, ચઢ્ઢાની હાજરી અપેક્ષા મુજબ નહોતી.
આ પણ વાંચો: AAPમાં અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય ભૂકંપ : રાઘવ ચઢ્ઢા-હરભજન સહિત 7 રાજ્યસભાના સાંસદો ભાજપમાં જોડાશે
2023નું રાજ્યસભા સસ્પેન્શન: વિવાદનો પહેલો મોટો તબક્કો
રાઘવ ચઢ્ઢા અને કેન્દ્ર સરકાર વચ્ચેનો મોટો ટકરાવ 2023માં રાજ્યસભામાં જોવા મળ્યો હતો. દિલ્હી સર્વિસિઝ બિલ સાથે જોડાયેલા સિલેક્ટ કમિટી પ્રસ્તાવમાં કેટલાક સાંસદોના નામ તેમની મંજૂરી વિના ઉમેરવાના આરોપો બાદ ચઢ્ઢાને 11 ઑગસ્ટ 2023એ રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સસ્પેન્શન 115 દિવસ સુધી ચાલ્યું અને 4 ડિસેમ્બર 2023એ BJP સાંસદ જી.વી.એલ. નરસિંહા રાવ દ્વારા લાવવામાં આવેલા મોશન બાદ પાછું ખેંચાયું હતું. ચઢ્ઢાએ તે સમયે આરોપો નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે, તેઓએ કોઈની સહીની નકલ કરી નથી. આ ઘટના બે રીતે મહત્વની હતી. એક તરફ ચઢ્ઢા AAP માટે કેન્દ્ર સામે લડતા યુવા સાંસદ તરીકે પ્રોજેક્ટ થયા; બીજી તરફ, રાજ્યસભાની પ્રક્રિયા, પાર્ટી લાઇન અને વ્યક્તિગત રાજકીય છબી વચ્ચેનો તણાવ પહેલીવાર ખુલ્લો થયો. રાજ્યસભામાં તેમની સસ્પેન્શન રદ કરતી વખતે તેને “sufficient punishment” તરીકે ગણવામાં આવી હતી, જ્યારે ચઢ્ઢાએ કહ્યું હતું કે, આ 115 દિવસ દરમિયાન તેઓ જનતાના મુદ્દા ઉઠાવી શક્યા નહોતા.
2024: કેજરીવાલની ધરપકડ, લંડન સર્જરી અને શંકાનો બીજ
વિવાદનો બીજો તબક્કો 2024માં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલની દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ બાદ AAP રસ્તા પર હતી, પરંતુ રાઘવ ચઢ્ઢા તે સમય દરમિયાન લંડનમાં આંખની સર્જરી માટે ગયા હતા. જો કે, બાદમાં ચઢ્ઢાએ કહ્યું હતું કે, તેમની ઇમરજન્સી વિટ્રિયો-રેટિનલ સર્જરી થઈ હતી અને તે ગંભીર રેટિનલ સ્થિતિ માટે જરૂરી હતી, નહીં તો દ્રષ્ટિ ગુમાવવાનો જોખમ હતો. છતાં પાર્ટી અંદર આ ગેરહાજરીને લઈને અસંતોષ વધતો ગયો. AAP નેતાઓ તરફથી વારંવાર એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે, પાર્ટી જ્યારે તેના સૌથી મુશ્કેલ રાજકીય તબક્કામાંથી પસાર થઈ રહી હતી, ત્યારે ચઢ્ઢા કેટલા સક્રિય હતા. કેજરીવાલની ધરપકડ સમયે તેમની ગેરહાજરી, લાંબા સમય સુધી જાહેર મૌન અને કેજરીવાલ સાથે બાદમાં થયેલી મોડી મુલાકાતને રિફ્ટના સંકેત તરીકે જોવામાં આવ્યા હતા.
એપ્રિલ 2026: ઉપનેતા પદેથી હટાવ્યા પછી વિવાદ જાહેર યુદ્ધ બન્યો
2 એપ્રિલ 2026એ AAPએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા પદેથી હટાવી અશોક મિત્તલને તેમની જગ્યાએ મૂક્યા હતા. પાર્ટીએ આ નિર્ણયને આંતરિક પુનર્ગઠન ગણાવ્યો, પરંતુ રાજકીય રીતે તેને ચઢ્ઢા સામે વિશ્વાસની ખોટ તરીકે જોવામાં આવ્યો હતો. AAP નેતાઓએ રાજ્યસભા સચિવાલયને આ ફેરફાર અંગે જાણ કરી હતી, જ્યારે ચઢ્ઢાએ બાદમાં પોતાના વિડિયો સંદેશમાં સવાલ કર્યો હતો કે, જો તેઓ સંસદમાં જનતાના મુદ્દા ઉઠાવે છે તો તે ગુનો કેવી રીતે બની શકે?. ચઢ્ઢાએ એરપોર્ટ ફૂડની ઊંચી કિંમતો, ગિગ વર્કર્સ, મોબાઇલ પ્લાન, મધ્યવર્ગ પરનો ટેક્સ બોજ, પેપર લીક અને પિતૃત્વ રજાની માંગ જેવા મુદ્દા સંસદમાં ઉઠાવ્યા હોવાનું કહ્યું હતું. પરંતુ AAPના કેટલાક નેતાઓએ આને “soft PR” ગણાવી સવાલ કર્યો કે, ચઢ્ઢા BJP અને કેન્દ્ર સરકારને સીધી ટક્કર આપતા મોટા રાજકીય મુદ્દાઓ પર કેમ મૌન રહે છે. એટલું જ નહીં, સોરભ ભારદ્વાજે ચઢ્ઢાને પૂછ્યું કે, તેઓ વિરોધ પક્ષોના વોકઆઉટમાં કેમ જોડાતા નથી અને સરકાર સામે કઠોર પ્રશ્નો કેમ નથી કરતા. આજથી ત્રણ અઠવાડિયા પહેલાં સુધી પ્રશ્ન હતો કે, શું રાઘવ ચઢ્ઢા BJPમાં જશે? 24 એપ્રિલ 2026એ એ અટકળ રાજકીય જાહેરાતમાં ફેરવાઈ ગઈ હતી. જેેને લઈ રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે, તેમણે અને અન્ય સાંસદોએ રાજ્યસભાના અધ્યક્ષને દસ્તાવેજો સબમિટ કર્યા છે. જો કે, હજુ AAP તરફથી આ સમગ્ર ઘટનાક્રમ પર વિગતવાર સત્તાવાર પ્રતિક્રિયા આવવાની બાકી છે.
આ પણ વાંચો: રાઘવ ચઢ્ઢાએ કેમ છોડ્યો કેજરીવાલનો સાથ? : જાણો AAP સાથે છેડો ફાડવા પાછળના મોટા કારણો






