Home National Upsc Prelims 2026 Paper Leak Allegations Nsui Demand Investigation

NEET બાદ શું UPSC નું પેપર ફૂટ્યું? : "100માંથી 82 પ્રશ્નો ખાનગી કોચિંગ સંસ્થાના" - NSUI નો દાવો

upsc
Published by: Chintan Chavda
Last Updated: Jun 16, 2026, 12:23 PM IST

UPSC દ્વારા પ્રિલિમ્સ 2026નું પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ નવી ચર્ચા અને વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)એ UPSC પ્રિલિમ્સ પરીક્ષામાં કથિત ગેરરીતિ અને પેપર લીક થવાની આશંકા વ્યક્ત કરી છે. NEET પરીક્ષાના પેપર લીક મુદ્દે દેશભરમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે હવે UPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાને લઈને પણ સવાલો ઊભા થતાં મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડે આક્ષેપ કર્યો છે કે UPSC પ્રિલિમ્સ 2026ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને એક ખાનગી કોચિંગ સંસ્થાના અભ્યાસસામગ્રી વચ્ચે અસામાન્ય સમાનતા જોવા મળી છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો પણ જાહેર કર્યો છે અને સમગ્ર મામલે તપાસની માંગ કરી છે.

100માંથી 82 પ્રશ્નો મળતા આવ્યાનો દાવો

વિનોદ જાખડના જણાવ્યા અનુસાર, 24 મેના રોજ યોજાયેલી UPSC પ્રિલિમ્સ પરીક્ષા આપનારા કેટલાક ઉમેદવારો NSUIના કાર્યાલયે પહોંચ્યા હતા. ઉમેદવારોએ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અંગે શંકા વ્યક્ત કરતાં કેટલાક દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હોવાનું તેમણે જણાવ્યું છે.

NSUI નો દાવો છે કે UPSC પ્રિલિમ્સ 2026ના પ્રશ્નપત્રમાં પૂછાયેલા 100 માંથી 82 પ્રશ્નો એક ખાનગી કોચિંગ સંસ્થા ‘અનંતમ IAS’ દ્વારા તૈયાર કરાયેલા સ્ટડી મટીરિયલ સાથે મેળ ખાતા હોવાનું જણાયું છે. સંગઠનના કહેવા મુજબ માત્ર વિષયવસ્તુ જ નહીં, પરંતુ પ્રશ્નોની રચના અને રજૂઆતમાં પણ નોંધપાત્ર સમાનતા જોવા મળી છે.

પ્રશ્નોની ભાષા અને પેટર્ન પર ઉઠ્યા સવાલ

NSUIએ આરોપ લગાવ્યો છે કે કેટલાક પ્રશ્નોની ભાષા, શબ્દપ્રયોગ અને રજૂઆત પણ ખાનગી કોચિંગ સંસ્થાના મટીરિયલ જેવી જ જોવા મળી હતી. આ કારણોસર પરીક્ષાની ગોપનીયતા અને પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા થયા હોવાનું સંગઠનનું કહેવું છે.

વિનોદ જાખડે દાવો કર્યો છે કે સામાન્ય રીતે કોઈ પણ કોચિંગ સંસ્થા દ્વારા પરીક્ષાના કેટલાક પ્રશ્નો અથવા વિષયોનો અંદાજ લગાવવામાં આવે છે, પરંતુ આ કેસમાં પ્રશ્નોની સંખ્યા અને સમાનતાનો સ્તર અસામાન્ય જણાઈ રહ્યો છે.

પરીક્ષા બાદ મટીરિયલમાં ફેરફાર કરાયાનો આક્ષેપ

NSUI એ વધુ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે પરીક્ષા પૂર્ણ થયા બાદ સંબંધિત કોચિંગ સંસ્થા દ્વારા પોતાના સ્ટડી મટીરિયલમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. સંગઠનનો દાવો છે કે મટીરિયલ સાથે જોડાયેલી તારીખો અને અન્ય વિગતોમાં પણ કથિત રીતે ફેરફાર કરવામાં આવ્યા છે.

જોકે, આ આક્ષેપોની સ્વતંત્ર રીતે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. કોચિંગ સંસ્થા તરફથી પણ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું હોવાનું હાલ સુધી સામે આવ્યું નથી.

UPSC Prelims 2026નું પરિણામ જાહેર: 13,343 ઉમેદવારો મેઇન્સ માટે ક્વોલિફાય, મેઇન્સ પહેલાં કરી લેજો આ મહત્વપૂર્ણ કામ

UPSC સમક્ષ તપાસની માંગ

NSUIએ સમગ્ર મામલે UPSCને પત્ર લખીને પારદર્શક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. સંગઠને પરીક્ષાની વિશ્વસનીયતા જાળવવા માટે તમામ હકીકતો જાહેર કરવાની અને ઉમેદવારોની શંકાઓ દૂર કરવાની માંગણી કરી છે.

વિદ્યાર્થી સંગઠનનું કહેવું છે કે UPSC દેશની સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની એક છે અને તેના પર લાખો ઉમેદવારોનો વિશ્વાસ ટકેલો છે. તેથી કોઈપણ પ્રકારની શંકા કે વિવાદ ઊભો થાય તો તેની ગંભીરતાથી તપાસ થવી જોઈએ.

UPSC તરફથી હજુ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નહીં

આ સમગ્ર વિવાદ વચ્ચે UPSC તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી. આક્ષેપો અંગે આયોગનું વલણ શું રહેશે અને તપાસ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે કે નહીં, તેના પર હવે ઉમેદવારો અને શિક્ષણજગતની નજર છે.

નોંધનીય છે કે હાલ સુધી પેપર લીક અથવા ગેરરીતિના આક્ષેપો માત્ર NSUI અને કેટલાક ઉમેદવારોના દાવાઓ પર આધારિત છે. આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને સંબંધિત તપાસ બાદ જ સમગ્ર મામલે સ્પષ્ટતા થઈ શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now