NCPI merger NDA Lok Sabha: દેશની રાજનીતિમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી અલગ થયેલા કેટલાક બળવાખોર સાંસદો દ્વારા રચાયેલી નવી રાજકીય પાર્ટી ‘NCPI’ ટૂંક સમયમાં રાષ્ટ્રીય રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જો લોકસભા સ્પીકર તરફથી વિલયને સત્તાવાર મંજૂરી મળી જાય તો આ નવી પાર્ટી 20 સાંસદો સાથે ભાજપ બાદ NDA ગઠબંધનની બીજી સૌથી મોટી પાર્ટી બની શકે છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, આ નવા સમીકરણ બાદ કેન્દ્ર સરકારમાં કેબિનેટ વિસ્તરણની સંભાવનાઓ પણ વધી શકે છે. ખાસ કરીને TMCના વરિષ્ઠ નેતા અને બળવાખોર સાંસદ સુદીપ બેનરજીને મંત્રીમંડળમાં મહત્વનું સ્થાન મળી શકે છે તેવી અટકળો જોર પકડી રહી છે.
સુદીપ બેનરજીના મંત્રી બનવાની ચર્ચા
સૂત્રોના જણાવ્યા મુજબ, TMC છોડીને નવા રાજકીય સમૂહ સાથે જોડાયેલા સુદીપ બેનરજીને કેન્દ્ર સરકારમાં મંત્રીપદ મળી શકે છે. સુદીપ બેનરજી લાંબા સમય સુધી મમતા બેનરજીના વિશ્વાસુ નેતા તરીકે ઓળખાતા રહ્યા છે અને તેઓ અગાઉ યુપીએ-2 સરકારમાં પણ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે જો NCPIને NDAમાં મહત્વપૂર્ણ સ્થાન મળે તો તેના નેતાઓને સરકારમાં પ્રતિનિધિત્વ આપવાની શક્યતા વધી શકે છે.
શર્મિલા સરકારનું નામ પણ ચર્ચામાં
બર્ધવાન પૂર્વ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતી સાંસદ શર્મિલા સરકારનું નામ પણ સંભવિત મંત્રીમંડળ વિસ્તરણ સાથે જોડાઈ રહ્યું છે. જોકે, શર્મિલા સરકારે આ અંગે કોઈ સત્તાવાર માહિતી હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મંત્રીપદ અંગે ચાલી રહેલી ચર્ચાઓ માત્ર અટકળો છે અને પક્ષ તરફથી તેમને હજુ સુધી કોઈ સત્તાવાર સંદેશ મળ્યો નથી.
આ પણ વાંચો: 'વીડિયોમાં દેખાતો વ્યક્તિ હું નથી': ભગવંત માને વાયરલ વીડિયો વિવાદ પર તોડી ચુપ્પી
NDAમાં NCPI બનશે બીજી સૌથી મોટી પાર્ટી?
હાલ NDA ગઠબંધનમાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે. તેની સાથે ચંદ્રબાબુ નાયડુની TDP પાસે 16 સાંસદો અને નીતીશ કુમારની JDU પાસે 12 સાંસદો છે. પરંતુ, જો NCPIને 20 સાંસદો સાથે સત્તાવાર માન્યતા મળે તો તે સીધી જ NDAમાં બીજી સૌથી મોટી પાર્ટી બની જશે. આ બદલાવ માત્ર ગઠબંધનની આંતરિક રાજનીતિ જ નહીં પરંતુ મંત્રીપદની વહેંચણી પર પણ અસર કરી શકે છે. રાજકીય વિશ્લેષકોના મતે ગઠબંધનમાં પક્ષની સંખ્યા વધવાથી તેના પ્રભાવમાં પણ વધારો થતો હોય છે, જેના કારણે NCPIને સરકારમાં વધુ પ્રતિનિધિત્વ મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્પીકરની મંજૂરીની રાહ
નવી પાર્ટી સાથે જોડાયેલા સાંસદો હાલ લોકસભા સ્પીકર ઓમ બિરલાની સત્તાવાર મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે વિલય પ્રક્રિયાને સિદ્ધાંતતઃ મંજૂરી મળી ગઈ છે, પરંતુ સત્તાવાર નોટિફિકેશન હજુ બહાર પડવાનું બાકી છે. આ ઉપરાંત સંસદ ભવનમાં NCPI માટે અલગ ઓફિસ ફાળવવા અંગે પણ લોકસભા સ્પીકરને અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપ અને RSSની મહત્વપૂર્ણ બેઠક
આ રાજકીય હલચલ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને ભાજપ અને RSSના વરિષ્ઠ નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠક દરમિયાન સરકાર અને સંગઠનમાં આગામી સમયમાં થનારા સંભવિત ફેરફારો તેમજ ગઠબંધનની વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
બીજી તરફ કોંગ્રેસે સમગ્ર ઘટનાક્રમ પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ પ્રક્રિયા પાછળ રાજકીય ગણિત કામ કરી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો કે, લોકસભામાં NDAને વધુ મજબૂત બનાવવા અને બે તૃતિયાંશ બહુમતી તરફ આગળ વધવા માટે આ રાજકીય વ્યૂહરચના અપનાવવામાં આવી રહી છે. કોંગ્રેસે TDP અને JDU જેવા ગઠબંધનના જૂના સાથીદારોના સંભવિત ઘટતા પ્રભાવ અંગે પણ ટિપ્પણી કરી છે.
આગામી દિવસોમાં રાજકીય સમીકરણ બદલાઈ શકે
લોકસભા સ્પીકરનો અંતિમ નિર્ણય આવ્યા બાદ NDAની આંતરિક રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. NCPIને સત્તાવાર માન્યતા મળ્યા પછી કેન્દ્ર સરકારમાં નવા ચહેરાઓને સ્થાન મળે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. હાલ માટે સમગ્ર રાજકીય વર્તુળમાં એક જ ચર્ચા છે કે શું આ નવી પાર્ટી ખરેખર NDAમાં ‘નંબર-2’ બનીને સત્તાના કેન્દ્રમાં પોતાનું સ્થાન બનાવી શકશે?





