AAP Split News: આમ આદમી પાર્ટીના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આંતરિક ખેંચતાણ હવે સપાટી પર આવી ગઈ છે અને પાર્ટીમાં મોટો 'ભડકો' થયો છે. પાર્ટીના સ્ટાર પ્રચારક અને યુવા ચહેરો ગણાતા રાઘવ ચઢ્ઢાએ અરવિંદ કેજરીવાલ સામે ખુલ્લો બળવો પોકારી દીધો છે. શુક્રવારે દિલ્હીમાં યોજાયેલી એક સનસનાટીભરી પ્રેસ કોન્ફરન્સમાં રાઘવ ચઢ્ઢાએ માત્ર પાર્ટીમાંથી રાજીનામું જ નથી આપ્યું, પરંતુ પોતાની સાથે અન્ય 6 સાંસદો હોવાનો દાવો કરીને આમ આદમી પાર્ટીના અસ્તિત્વ સામે સવાલો ઉભા કરી દીધા છે. રાઘવ ચઢ્ઢાએ ખૂબ જ આક્રમક તેવરમાં જણાવ્યું કે, જે પાર્ટીને તેમણે પોતાના લોહી-પરસેવાથી સીંચી હતી, તે હવે પોતાના મૂળ સિદ્ધાંતો અને નૈતિકતાથી ભટકી ગઈ છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે પાર્ટીએ રાઘવ ચઢ્ઢાની પાંખો કાપવાનું શરૂ કર્યું હતું. જોકે, રાઘવે સ્પષ્ટ કર્યું છે કે, તેમને ચૂપ કરાવવાના પ્રયાસો સામે તેઓ હાર્યા નથી, પરંતુ એક નવી રણનીતિ સાથે મેદાનમાં આવ્યા છે. તેમણે બંધારણીય જોગવાઈઓનો ઉપયોગ કરીને ભાજપમાં ભળી જવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ ઘટનાક્રમથી દિલ્હીથી લઈને પંજાબ સુધીના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે, કારણ કે આ ભંગાણ 'આપ' ને રાષ્ટ્રીય સ્તરે નબળી પાડી શકે છે.
ઉપનેતા પદ પરથી હટાવાતા શરૂ થયો હતો અણબનાવ
રાઘવ ચઢ્ઢા અને 'આપ' ના હાઈકમાન્ડ વચ્ચેના સંબંધોમાં ખટાશ ત્યારે વધી જ્યારે ૨ એપ્રિલે પાર્ટીએ તેમને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર (ઉપનેતા) ના પદ પરથી અચાનક દૂર કરી દીધા હતા. રાઘવની જગ્યાએ પંજાબના સાંસદ અશોક મિત્તલને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. એટલું જ નહીં, પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને એવી પણ જાણ કરી હતી કે હવેથી સદનમાં બોલવા માટે રાઘવ ચઢ્ઢાને પાર્ટીના ક્વોટામાંથી સમય આપવામાં ન આવે. આ પગલાને રાઘવ ચઢ્ઢાનું રાજકીય કદ ઘટાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવ્યું હતું, જે આખરે બળવાનું મુખ્ય કારણ બન્યું.
આ પણ વાંlચો: AAPમાં અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય ભૂકંપ : રાઘવ ચઢ્ઢા સહિત 3 સાંસદોએ પાર્ટી સાથે છેડો ફાડ્યો, હવે ભાજપમાં જોડાશે
"હું એ દરિયો છું જે સમય આવ્યે પૂર બને છે": રાઘવનો હુંકાર
પોતાની પાસેથી બોલવાનો અધિકાર છીનવી લેવાતા રાઘવ ચઢ્ઢાએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે વિરોધીઓને લલકારતા કહ્યું હતું કે, "મને ચૂપ કરાવવામાં આવ્યો છે, પરંતુ હું હાર્યો નથી. જે લોકોએ પાર્લામેન્ટમાં મારો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે, તેમને હું કહેવા માંગુ છું કે મારી ચૂપ્પીને મારી હાર ન સમજતા. હું એ દરિયો છું, જે શાંત લાગે છે પણ સમય આવ્યે પૂર બનીને બધું વહાવી જવાની ક્ષમતા રાખે છે." આ નિવેદનથી સ્પષ્ટ હતું કે રાઘવ ચઢ્ઢા કોઈ મોટા ઉલટફેરની તૈયારી કરી રહ્યા હતા.
7 સાંસદોનો સાથ અને ભાજપમાં વિલીનીકરણની તૈયારી
પ્રેસ કોન્ફરન્સમાં રાઘવ ચઢ્ઢાએ સૌથી મોટો ધડાકો કરતા જણાવ્યું કે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના ૧૦ સાંસદો છે, જેમાંથી બે-તૃતીયાંશ એટલે કે ૭ સાંસદો તેમની સાથે છે. આ સાંસદોમાં સંદીપ પાઠક, અશોક મિત્તલ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમ સાહની, સ્વાતિ માલીવાલ અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહનો સમાવેશ થાય છે. રાઘવે કહ્યું કે, "છેલ્લા કેટલાક વર્ષોથી મને અનુભવ થતો હતો કે હું ખોટી પાર્ટીમાં સાચો માણસ છું. હવે અમે નક્કી કર્યું છે કે અમે કાયદાકીય જોગવાઈ મુજબ ભાજપમાં જોડાઈશું."
"15 વર્ષ આપ્યા પણ પાર્ટી સિદ્ધાંતોથી ભટકી ગઈ"
પોતાના 15 વર્ષના સંઘર્ષને યાદ કરતા રાઘવ ચઢ્ઢા ભાવુક થયા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, તેમણે પોતાની યુવાનીના કિંમતી વર્ષો જે પાર્ટીને આપ્યા, તે હવે દેશહિતને બદલે અંગત ફાયદા માટે કામ કરી રહી છે. પત્રકાર પરિષદમાં તેમની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલની હાજરીએ એ વાત પર મહોર મારી દીધી છે કે 'આપ' માં આ ભંગાણ ઘણું ઊંડું છે. જો આ ૭ સાંસદો ખરેખર ભાજપમાં ભળી જાય, તો પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ તેમની સદસ્યતા પણ બચી શકે છે અને 'આપ' માટે રાજ્યસભામાં મોટું સંકટ ઉભું થઈ શકે છે.






