દેશના રાજકારણમાં અને ખાસ કરીને આમ આદમી પાર્ટી (AAP)માં એકાએક મોટો વિસ્ફોટ થયો છે. દિલ્હી અને પંજાબમાં સત્તા ભોગવી રહેલી આમ આદમી પાર્ટીમાં અત્યાર સુધીનું સૌથી મોટું ભંગાણ સર્જાયું હોવાના અહેવાલોથી રાજકીય ગરમાવો વધી ગયો છે. પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ બે અન્ય સાંસદો સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે મળીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આટલું જ નહીં, આ ત્રણેય નેતાઓએ કેસરીયો ધારણ કરવાની એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. રાઘવ ચઢ્ઢાના આ પગલાથી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતૃત્વને જોરદાર આંચકો લાગ્યો છે.
આ ઘટનાક્રમ માત્ર ત્રણ સાંસદો પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટીના કુલ 10 સાંસદોમાંથી બે-તૃતીયાંશ એટલે કે 7 સાંસદો તેમની સાથે છે. જો આ દાવો સાચો સાબિત થાય, તો રાજ્યસભામાં આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે. પત્રકાર પરિષદમાં રાઘવ ચઢ્ઢાએ પાર્ટીના નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે જે આદર્શો સાથે આ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી, તે રસ્તા પરથી પાર્ટી હવે ફંટાઈ ગઈ છે.
આદર્શોથી ભટકી ગઈ છે પાર્ટી: રાઘવ ચઢ્ઢાનો આકરો પ્રહાર
દિલ્હીમાં યોજાયેલી એક તાબડતોબ પત્રકાર પરિષદમાં રાઘવ ચઢ્ઢાએ પોતાના રાજીનામા પાછળના કારણો સ્પષ્ટ કર્યા હતા. તેમણે અત્યંત આક્રમક તેવરમાં જણાવ્યું કે, "આમ આદમી પાર્ટી જે મૂલ્યો અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનના જે મૂળભૂત વિચારો સાથે અસ્તિત્વમાં આવી હતી, તેનાથી તે સંપૂર્ણપણે ભટકી ગઈ છે. પાર્ટી હવે જનતાના હિતોને બદલે નેતાઓના અંગત ફાયદા અને સત્તાના મોહમાં અટવાઈ ગઈ છે." વધુમાં તેમણે ભાવુક થતા કહ્યું કે તેઓ કોઈ રાજકીય કારકિર્દી બનાવવા માટે આ પાર્ટીમાં નહોતા જોડાયા, પરંતુ જ્યારે પાયાના સિદ્ધાંતો સાથે બાંધછોડ થાય ત્યારે અલગ થવું અનિવાર્ય બની જાય છે.
બે-તૃતીયાંશ બહુમતીનો દાવો: 10 માંથી 7 સાંસદો બળવાના મૂડમાં?
રાઘવ ચઢ્ઢાએ પત્રકાર પરિષદમાં જે નામો જાહેર કર્યા છે તેણે રાજકીય વર્તુળોમાં સોપો પાડી દીધો છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યસભાના 10 સાંસદોમાંથી 7 સાંસદો તેમની વિચારધારા સાથે સહમત છે અને તેઓ પણ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડવા તૈયાર છે. રાઘવ ચઢ્ઢાએ પોતે, સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમ સાહની, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ અને અશોક મિત્તલના નામો જાહેર કરીને દાવો કર્યો છે કે પાર્ટીમાં મોટું વિભાજન નિશ્ચિત છે. આ યાદીમાં હરભજન સિંહ અને સ્વાતિ માલીવાલ જેવા મોટા નામો હોવાથી પાર્ટીમાં મોટો વંટોળ ઉભો થયો છે.






