Home Gujarat Vadodara Vadodara Voter Awareness Event Controversy

વડોદરામાં જાગૃતિના નામે પીરસાયું મનોરંજન : નૃત્યાંગનાઓના ઠુમકા અને ભાજપનાં ઉમેદવારોની એન્ટ્રી

નૃત્યાંગનાઓ અને ભાજપ ઉમેદવારોની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 24, 2026, 10:17 AM IST

સામાન્ય રીતે ભારતીય રાજનીતિમાં ‘ગુજરાત મોડલ’ના શિસ્ત અને વિકાસની વાતો દેશભરમાં થતી હોય છે. પરંતુ સંસ્કારી નગરી ગણાતા વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં 23 તારીખે કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો. સૂર્ય નગર ખાતે બિહાર પૂર્વાંચલ સમાજે ‘મતદાન જાગૃતિ’ કાર્યક્રમ યોજ્યો હતો. અહીં શિસ્તના બદલે બિહારની ચૂંટણીઓની યાદ અપાવે તેવો ‘રંગારંગ’ વાતાવરણ જોવા મળ્યું હતું. જાગૃતિના બહાને યોજાયેલા આ કાર્યક્રમમાં નૃત્યાંગનાઓના ઠુમકા અને ભોજપુરી ગાયકોના તાલે મતદારોને રિઝવવાનો પ્રયાસ થતા ચર્ચા જાગી છે.

જાગૃતિ કાર્યક્રમમાં ઠુમકા

કાર્યક્રમનું સત્તાવાર શીર્ષક ‘મતદાર જાગૃતિ અભિયાન’ હતું, જેનાથી એવું લાગે કે અહીં મતદાનના મહત્વ પર ગંભીર ચર્ચા કે શપથ લેવડાવવામાં આવશે. વાસ્તવિકતા તદ્દન અલગ હતી. ઉત્તર ભારતીય અને બિહારી સમુદાયના મતદારોને આકર્ષવા માટે બિહાર અને ભોજપુરી કલાકારોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. સ્ટેજ પર જ્યારે નૃત્યાંગનાઓએ ઠુમકા મારવાનું શરૂ કર્યું, ત્યારે જોનારાઓને એમ જ લાગ્યું કે આ વડોદરા નથી પણ બિહારનું કોઈ અંતરિયાળ ગામડું છે જ્યાં ચૂંટણી સમયે મનોરંજન પીરસવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી : આજે સાંજે પ્રચારના પડઘમ શાંત થશે, રવિવારે 10,000થી વધુ બેઠકો પર મતદાન

પાછલા બારણે પ્રચાર?

આશ્ચર્યની વાત તો ત્યારે બની જ્યારે આ ‘સાંસ્કૃતિક’ કાર્યક્રમમાં અચાનક વોર્ડ નંબર 16ના ભાજપના ઉમેદવારો સ્ટેજ પર પ્રગટ થયા. આયોજકોએ ઉત્સાહપૂર્વક ઉમેદવારોનો પરિચય કરાવ્યો અને માહોલ જોઈને એવું સ્પષ્ટ જણાઈ આવતું હતું કે, આ મતદાન જાગૃતિ ઓછી અને સત્તાધારી પક્ષના ઉમેદવારો માટેનું સમર્થન મેળવવાનું પ્લેટફોર્મ વધારે હતું. પાછલા બારણે કરાયેલા આ ‘બિહાર મોડલ’ જેવા પ્રચારે શહેરમાં અનેક તર્ક-વિતર્ક જગાડ્યા છે.

આ પણ વાંચો: આજે ચૂંટણીનાં પ્રચારના પડઘમ થશે શાંત : હવે ગ્રુપ મીટિંગો અને સોશિયલ મીડિયા પર જામશે જંગ

ગુજરાત મોડલની વાતો વચ્ચે જ્યારે વડોદરા જેવા શિક્ષિત અને સંસ્કારી શહેરમાં ચૂંટણી ટાણે આવા દ્રશ્યો સર્જાય ત્યારે સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. શું નૃત્યાંગનાઓના ઠુમકાથી મતદારો સાચી દિશામાં જાગૃત થશે? કે પછી આ માત્ર ઉમેદવારો માટે ભીડ એકઠી કરવાનો એક નુસખો હતો? શહેરમાં આ કાર્યક્રમના વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ પ્રકારે પીરસવામાં આવેલા મનોરંજનની અસર મતદાનના દિવસે ‘ઈવીએમ’ પર પડે છે કે કેમ. જોકે, એક વાત નક્કી છે કે વડોદરામાં બિહારની ચૂંટણી જેવો આ રંગારંગ માહોલ રાજકીય વર્તુળોમાં ટીકાનો વિષય બન્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now