Home Gujarat Radhanpur Sc Mandali Land Scam Allegation Patan

રાધનપુરમાં કરોડોની અનુસૂચિત જાતિ મંડળીની જમીન પર કબજાનો આક્ષેપ : બોગસ દસ્તાવેજોથી 80 વીઘા જમીન પચાવ્યાનો દાવો

ખેતરમાં ઉભેલા લોકો
Published by: Chintan Chavda
Last Updated: Jul 04, 2026, 01:00 PM IST

પાટણ જિલ્લાના રાધનપુરમાંથી કરોડો રૂપિયાની કિંમતી જમીનને લઈને એક ગંભીર વિવાદ સામે આવ્યો છે. રાધનપુરની સીમમાં આવેલી અનુસૂચિત જાતિ મંડળીની આશરે 80 વીઘા જમીન બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવાનું કાવતરું રચાયું હોવાના આક્ષેપો મંડળીના સભ્યોએ કર્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિક બિલ્ડર ઝાકીરભાઈ ગાંધી સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જોકે, આક્ષેપો અંગે બિલ્ડર પક્ષનો પ્રતિભાવ હજુ સુધી સામે આવ્યો નથી.

મંડળીના સભ્યોના જણાવ્યા મુજબ, રાધનપુરની સીમમાં આવેલી ખાતા નંબર 714ની કરોડો રૂપિયાની કિંમતી જમીન વર્ષ 1984માં નવી શરત હેઠળ 'શ્રી સરકાર' દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1985માં આ જમીન વિધિવત રીતે રાધનપુર તાલુકા અનુસૂચિત જાતિ મંડળીને ફાળવવામાં આવી હોવાનું તેઓ દાવો કરે છે. તેમના જણાવ્યા અનુસાર, હાલના સરકારી રેવન્યુ રેકોર્ડ તેમજ તાજેતરના ઉતારામાં પણ આ જમીનની માલિકી અનુસૂચિત જાતિ મંડળીના નામે જ નોંધાયેલી છે.

આ પણ વાંચો: માંગરોળમાં 24 કલાકમાં 22 ઇંચ વરસાદ : સ્થાનિકોનો આક્ષેપ - "સહાય માટે કોઈ પહોંચ્યું નહીં"

બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યાનો આક્ષેપ

મંડળીના પ્રતિનિધિઓનો આક્ષેપ છે કે જમીનને ખોટી રીતે ગામતળ તરીકે દર્શાવી તેના આધારે બોગસ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોના આધારે અંદાજે 80 વીઘા જેટલી કિંમતી જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાનું તેઓ દાવો કરે છે.

મંડળી ટ્રસ્ટના સભ્ય વિરચંદભાઈ લવજીભાઈ મકવાણાએ જણાવ્યું કે સમગ્ર કાવતરું પૂર્વયોજિત રીતે રચવામાં આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ જમીન પર ગેરકાયદેસર રીતે એક મીલનું બાંધકામ પણ કરવામાં આવ્યું છે, જેના કારણે વર્ષોથી ખેતી કરતા પરિવારોને પોતાના અધિકારોથી વંચિત રહેવું પડી રહ્યું છે.

ખેડૂતોને ધમકીઓ અપાતી હોવાનો દાવો

મંડળીના સભ્યોનો વધુમાં આક્ષેપ છે કે જ્યારે ગરીબ ખેડૂતો પોતાની જમીન પર ખેતી કરવા માટે પહોંચે છે ત્યારે તેમને માથાભારે તત્વો મારફતે ધાકધમકી આપવામાં આવે છે. ખેડૂતોને ખેતી ન કરવા અને વિરોધ કરવાના પરિણામો ભોગવવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

પીડિતોના જણાવ્યા મુજબ, સમગ્ર મામલામાં કેટલાક પ્રભાવશાળી લોકોના કારણે સરકારી તંત્ર પર પણ દબાણ હોવાની આશંકા છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો: બનાસકાંઠાના ઇતિહાસમાં સૌથી મોટી દારૂબંધી કાર્યવાહી : ટ્રેલરમાંથી 31,344 બોટલ બિયર ઝડપાઈ, ₹1.03 કરોડનો મુદ્દામાલ જપ્ત

નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહી કરવાની માંગ

અનુસૂચિત જાતિ મંડળીના સભ્યોએ રાજ્ય સરકાર અને સંબંધિત વહીવટી તંત્રને સમગ્ર મામલે તટસ્થ અને પારદર્શક તપાસ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે સરકારી રેવન્યુ રેકોર્ડ, જમીન સંબંધિત તમામ દસ્તાવેજો અને પ્રોપર્ટી કાર્ડની કાયદેસર તપાસ કરવામાં આવે.

મંડળીના પ્રતિનિધિઓએ માંગ કરી છે કે જો તપાસ દરમિયાન બોગસ દસ્તાવેજો અથવા ગેરરીતિઓ સામે આવે તો જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે અને વર્ષોથી આ જમીન પર ખેતી કરતા અનુસૂચિત જાતિના પરિવારોને ન્યાય અપાવવામાં આવે.

હાલ સમગ્ર મામલો ગંભીર આક્ષેપો વચ્ચે ચર્ચામાં આવ્યો છે. આક્ષેપોની સત્તાવાર તપાસ અને સંબંધિત સરકારી તંત્રનો અહેવાલ સામે આવ્યા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ શકશે. બીજી તરફ, બિલ્ડર ઝાકીરભાઈ ગાંધી અથવા તેમના પ્રતિનિધિઓનો પક્ષ હજુ સુધી જાહેરમાં સામે આવ્યો નથી. તેમનો પ્રતિભાવ પ્રાપ્ત થશે તો તેને પણ સમાન પ્રાધાન્ય સાથે રજૂ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now