છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં હાર્ટ અટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ હોય કે સુરત, રાજકોટ હોય કે વડોદરા મહાનગરમાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે. એમાંય છેલ્લાં એક સપ્તાહમાં હાર્ટ-એટેકને કારણે 3 ના મોત નિપજ્યાં છે. એમાં રાજકોટના આમ આદમી પાર્ટીના નેતાના મોત બાદ અનેક સવાલો ઉભા થયા છે. અરવિંદ કેજરીવાલની ખુબ નજીક પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતા વિજયસિંહ જાડેજાનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું છે. તેમના મોત બાદ તેમના મિત્રએ સિસ્ટમ સામે સવાલ ઉઠાવ્યાં છે.
યોગરાજસિંહ જાડેજાએ જણાવ્યુંકે, જો ટાઈમસર ઈન્જેક્શન મળ્યાં હોત તો કદાચ મારા મિત્ર અને આમ આદમી પાર્ટીના નેતા વિજયસિંહ આજે જીવિત હોત. વિજયસિંહ આજે આપણી વચ્ચે હયાત હોત. આ ઈન્જેક્શન અમે બહારથી લાવવા ગયા તેના કારણે અડધો કલાક કરતા વધારે સમય વીતી ગયો અને જેમાં બહુ મોડું થઈ ગયું. એટલું નહીં વધુમાં તેમણે એમ પણ જણાવ્યુંકે, રાજકોટ એઈમ્સમાં કાર્ડિયોલોજી વિભાગ જ નથી. જ્યારે રાજકોટ સિવિલ હોસ્ટિલમાં માત્ર ઓપીડી જ છે. આવી પરિસ્થિતિમાં હાર્ટ-એટેક જેવી ગંભીર તકલીફમાં દર્દી ક્યાં જાય. એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટિ કરવા માટે દર્દીઓ અમદાવાદ જવા મજબુર છે.
યોગરાજસિંહ મિત્રના નિધન પર પોતાની વેદના વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતુંકે, આવી ઘોર બેદરકારીને કારણે કોઈનાં પરિવારનો માળો ન વિખાય અને ભવિષ્યમાં આવા બનાવો ન બને સરકારે તેનું ધ્યાન રાખવું જોઈએ. સિવિલ હોસ્પિટલ અને 108 એમ્બ્યુલન્સમાં જીવનરક્ષક દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક રાખવાની પણ તેમણે માંગ કરી છે.




