અમદાવાદ એરપોર્ટ પર આજે બપોરે કતાર એરવેઝની એક ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દોહાથી હોંગકોંગ જઈ રહેલી આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં તાત્કાલિક સુરક્ષા પ્રોટોકોલ અમલમાં મૂકવામાં આવ્યા હતા.
માહિતી મુજબ, 14 ઓક્ટોબર 2025ના રોજ બપોરે 1:12 વાગ્યે એરપોર્ટ ઓથોરિટીએ ઇમર્જન્સી જાહેર કરી હતી, ત્યારબાદ ચાંદખેડા ફાયર સ્ટેશનની ત્રણ ફાયર ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓને સ્ટેન્ડબાય સ્થિતિમાં રાખવામાં આવ્યા હતા.
ફ્લાઇટે બપોરે 2:32 વાગ્યે સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું અને ફક્ત છ મિનિટ બાદ, 2:38 વાગ્યે, ઇમર્જન્સી સ્થિતિ પાછી ખેંચી લેવામાં આવી હતી. એરપોર્ટની કામગીરી સામાન્ય રીતે ચાલુ રહી હતી અને કોઈ મુસાફર કે કર્મચારીને કોઈ નુકસાન થયું ન હતું.
ટેક્નિકલ ખામી દુર થયા બાદ વિમાનને ફરીથી હોંગકોંગ માટે ટેક-ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. એરલાઇન અને એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે તમામ મુસાફરો સુરક્ષિત છે અને સમગ્ર પ્રક્રિયા નિયમો મુજબ પૂર્ણ કરવામાં આવી હતી.
ફાયર વિભાગની તાત્કાલિક કાર્યવાહી
ઇમર્જન્સી લેન્ડિંગ અંગે જાણ થતાં જ, ચાંદખેડા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ તથા ઉચ્ચ અધિકારીઓએ એરપોર્ટ પર હાજરી આપી હતી. તાત્કાલિક પ્રતિસાદના કારણે પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં રહી હતી.
એરપોર્ટ અધિકારીઓનું નિવેદન
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે,
“ફ્લાઇટમાં ટેકનિકલ સમસ્યા સર્જાતાં ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી, પરંતુ વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું છે. મુસાફરો સંપૂર્ણ રીતે સલામત છે અને એરપોર્ટની કામગીરી પર કોઈ અસર થઈ નથી.”