કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં નવો NSG (National Security Guard) હબ સ્થાપવામાં આવશે. હાલ મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ અને અમદાવાદ (ગાંધીનગર)માં NSG હબ કાર્યરત છે.
અયોધ્યામાં નવો હબ શરૂ થતા આતંકવાદી હુમલાની પરિસ્થિતિમાં પ્રતિસાદ ક્ષમતા વધુ મજબૂત બનશે. આ જાહેરાત અમિત શાહે મંગળવારે માનેસર ખાતે NSGના 41મા સ્થાપના દિવસના સમારંભ દરમિયાન કરી હતી. તેમણે જણાવ્યું કે NSGના “બ્લેક કેટ કમાન્ડો” વર્ષના 365 દિવસ અને 24 કલાક આતંકવાદી હુમલાનો જવાબ આપવા તૈયાર રહેશે.
અદ્યતન તાલીમ માટે Special Operations Training Centre (SOTC)
ગૃહમંત્રીએ સમારંભ દરમિયાન NSG કેમ્પસમાં નવા Special Operations Training Centre (SOTC) ના નિર્માણનો શિલાન્યાસ પણ કર્યો. આ અદ્યતન તાલીમ કેન્દ્રમાં NSG કમાન્ડોને આતંકવાદનો સામનો કરવા માટે સખત શારીરિક અને તકનીકી તાલીમ આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ કેન્દ્ર માત્ર NSG માટે જ નહીં, પરંતુ દેશભરના Anti-Terror Units ને પણ અદ્યતન તાલીમ આપશે.
મોદી સરકારના સુરક્ષા સુધારાના પગલાં
અમિત શાહે જણાવ્યું કે 2019 પછીથી મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. જેમ કે PFI પર પ્રતિબંધ, Multi-Agency Centre (MAC) ને મજબૂત બનાવવો, CCTNS અને NATGRID દ્વારા તપાસ એજન્સીઓ વચ્ચે ડેટા શેરિંગ સિસ્ટમ સ્થાપવી, અને નવા ફોજદારી કાયદાઓમાં આતંકવાદની સ્પષ્ટ વ્યાખ્યા ઉમેરવી.
તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 57થી વધુ વ્યક્તિઓ અને સંગઠનોને આતંકવાદી જાહેર કરીને તેમની પ્રવૃત્તિઓ રોકવામાં આવી છે.
ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ
ગૃહમંત્રીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોના કેમ્પ, લોન્ચ પેડ અને તાલીમ શિબિરોનો નાશ કરવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે ઓપરેશન મહાદેવ અંતર્ગત પહેલગામ હુમલાના ગુનેગારોને પણ ખતમ કરવામાં આવ્યા. આથી સુરક્ષા દળો પ્રત્યે જનતા અને રાષ્ટ્રનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
NSGની ચાર દાયકાની યાત્રા
અમિત શાહે જણાવ્યું કે NSGએ અત્યાર સુધીમાં 770થી વધુ મહત્વપૂર્ણ સ્થળોનું સર્વેક્ષણ કર્યું છે. આમાં સંસદ, હોસ્પિટલો, ધાર્મિક સ્થળો, જળમાર્ગો અને મહત્વપૂર્ણ સંસ્થાઓનો સમાવેશ થાય છે. NSGએ મહાકુંભ મેળો, પુરી રથયાત્રા અને અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં સુરક્ષાનું ઉત્તમ કાર્ય કર્યું છે.
અયોધ્યા NSG હબનો ઉદ્દેશ્ય
2008ના મુંબઈ 26/11 આતંકવાદી હુમલા બાદ સરકારે દેશભરમાં NSG હબ સ્થાપવાનો નિર્ણય કર્યો હતો.
2009માં મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ અને કોલકાતામાં પ્રથમ ચાર હબ શરૂ થયા.
2011માં ગાંધીનગર હબ ઉમેરાયો.
હવે અયોધ્યા NSG હબ માટે જમીન સંપાદન પૂર્ણ થઈ ગયું છે,
અને અપેક્ષા છે કે તે આવતા વર્ષ સુધી કાર્યરત થઈ જશે.