Home Gujarat Public Raid On Womens Liquor Den In Surat

સુરતમાં મહિલાઓની દારૂના અડ્ડા પર જનતા રેડ : પિત્તો ગયો અને પોટલીઓ બહાર ફેંકી અડ્ડો વેરવિખેર કર્યો, પોલીસની નિષ્ક્રિયતા?

સુરતમાં મહિલાઓની દારૂના અડ્ડા પર જનતા રેડ
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2025, 09:53 AM IST

Surat Liquor Janata Raid : સુરતમાં દારૂના દૂષણ સામે મહિલાઓનો રોષ ફાટી નીકળ્યો છે. પાલનપુર ગામના મહાદેવ ફળિયા વિસ્તારમાં રહેણાક વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડા સામે સ્થાનિક મહિલાઓએ પોલીસની રાહ જોયા વગર જાતે જ મેદાનમાં ઊતરી ‘જનતા રેડ’ કરી હતી. આ દરમિયાન એક મહિલા તો કાખમાં પોતાનું માસૂમ બાળક તેડીને પણ આ સાહસિક અભિયાનમાં જોડાઈ હતી, જે સમગ્ર ઘટનાનું સૌથી ચોંકાવનારો દ્રશ્ય બન્યું હતું.

દારૂના અડ્ડાથી મહિલાઓ હતી પરેશાન

મળતી માહિતી મુજબ, પાલનપુર ગામમાં લાંબા સમયથી દારૂનો અડ્ડો ધમધમતો હતો. દારૂ પીવા માટે આવતા અસામાજિક તત્ત્વોના કારણે વિસ્તારની મહિલાઓ અને કોલેજ જતી યુવતીઓ ભારે પરેશાની ભોગવી રહી હતી. દારૂડિયાઓ દ્વારા થતી હેરાનગતિ અને અશ્લીલ વર્તનને કારણે યુવતીઓ અસુરક્ષિત અનુભવતી હતી. આ બાબતે સ્થાનિકોમાં લાંબા સમયથી રોષ ભભૂકી રહ્યો હતો, પરંતુ પોલીસ તરફથી અસરકારક કાર્યવાહી ન થતાં અંતે મહિલાઓએ જાતે જ પગલું ભર્યું.

દારૂની પોટલીઓ બહાર ફેંકી

રાત્રિના અંધારામાં જ્યારે દારૂના અડ્ડા પર ગ્રાહકોની અવરજવર ચાલુ હતી, ત્યારે મહિલાઓ એકત્ર થઈ અડ્ડા પર ત્રાટકી હતી. મહિલાઓના અચાનક હુમલાથી દારૂ વેચનાર બૂટલેગર ગભરાઈ ગયો હતો. આ દરમિયાન બૂટલેગરે ઉદ્ધતાઈપૂર્વક તમને શું નડે છે? એવું પૂછતાં જ મહિલાઓનો પિત્તો ગયો હતો. એક મહિલાએ ગુસ્સામાં ટબમાં ભરેલી દારૂની પોટલીઓ ઊંચકીને બહાર ફેંકી દીધી હતી.

પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ

ઘટનાની જાણ થતાં જ પાલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિકોએ પોલીસ અને તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ ખુલ્લેઆમ કહ્યું હતું કે જો સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો તેમને રસ્તા પર ઉતરવું ન પડત. આ સમગ્ર ઘટનાએ પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા કર્યા છે. રહેણાક વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલતા હોવા છતાં લાંબા સમય સુધી કાર્યવાહી ન થવી એ બાબતે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. દારૂડિયાઓના ત્રાસથી પરેશાન મહિલાઓ અને યુવતીઓ માટે આ જનતા રેડ એક પ્રતિકાર બની ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now