Home Tech/Gadgets Promoted Content Will Be Seen In Whatsapp Know If Your Chat Is Secure Or Not

WhatsApp માં પણ હવે દેખાશે Ads! : સ્ટેટસ અને ચેનલ્સમાં જોવા મળશે પ્રમોટેડ કન્ટેન્ટ, જાણો તમારી ચેટ સુરક્ષિત છે કે નહીં!

WhatsApp માં પણ હવે દેખાશે Ads!
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 11:32 AM IST

WhatsApp : જો તમે અત્યાર સુધી WhatsApp નો ઉપયોગ કોઈપણ જાહેરાત વગર કરતાં હતા, તો હવે તૈયાર થઈ જાવ. મેસેજિંગની દુનિયામાં એક મોટો ફેરફાર કરતાં Meta ની માલિકીની કંપની WhatsApp એ હવે વૈશ્વિક સ્તરે 'પ્રમોટેડ કન્ટેન્ટ' અને જાહેરાતો શરૂ કરી દીધી છે. કંપની આ પગલા દ્વારા યુઝર્સને નવા બ્રાન્ડ્સ અને ચેનલો સાથે જોડવા માંગે છે. જોકે, આ ફેરફારથી તમારા અંગત મેસેજિંગ પર શું અસર પડશે, તે જાણવું ખૂબ જરૂરી છે.

ક્યાં દેખાશે આ જાહેરાતો?

WhatsApp એ સ્પષ્ટતા કરી છે કે, આ જાહેરાતો તમારી ચેટ લિસ્ટમાં નહીં, પરંતુ 'Updates' ટેબમાં દેખાશે. આ એ જ વિભાગ છે જ્યાં તમે લોકોના સ્ટેટસ જુઓ છો અને ફોલો કરેલી ચેનલોના અપડેટ્સ મેળવો છો. જ્યારે તમે સ્ટેટસ જોતા હશો, ત્યારે વચ્ચે-વચ્ચે સ્પોન્સર્ડ પોસ્ટ્સ અથવા પ્રમોટેડ ચેનલ્સના લેબલ સાથેની જાહેરાતો જોવા મળશે.

શું તમારી પ્રાઇવસી જોખમમાં છે?

ઘણા યુઝર્સને ચિંતા છે કે, જાહેરાતો આવવાથી તેમની ચેટ વંચાશે. પરંતુ કંપનીએ ખાતરી આપી છે કે, વ્યક્તિગત ચેટ્સ અને કોલ્સ પહેલાની જેમ જ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે. એટલે કે, તમારી ખાનગી વાતચીત પર આ જાહેરાતોની કોઈ અસર પડશે નહીં. આ ફેરફાર ફક્ત પબ્લિક કન્ટેન્ટ એટલે કે, સ્ટેટસ અને ચેનલ્સ પૂરતો જ મર્યાદિત છે.

યુઝર્સ માટે કંટ્રોલ અને સબ્સ્ક્રિપ્શન

જો તમને આ જાહેરાતો ગમતી નથી, તો તમે તેને સામાન્ય સ્ટેટસની જેમ જ સ્વાઇપ કરીને સ્કીપ કરી શકશો. આ ઉપરાંત, જો કોઈ ચોક્કસ બિઝનેસ તમને ન ગમતો હોય, તો તેને બ્લોક કે હાઈડ કરવાનો વિકલ્પ પણ મળશે. એવા પણ રિપોર્ટ્સ છે કે, યુરોપિયન દેશોમાં કંપની 'એડ-ફ્રી સબ્સ્ક્રિપ્શન' પ્લાન લાવી શકે છે, જેના માટે યુઝર્સે પૈસા ચૂકવવા પડશે.

નવું 'ગ્રુપ ચેટ હિસ્ટ્રી' ફીચર

જાહેરાતો સિવાય એક ઉપયોગી ફીચર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે જ્યારે કોઈ નવો સભ્ય ગ્રુપમાં જોડાશે, ત્યારે ગ્રુપ એડમિન તેની સાથે 25 થી 100 જૂના મેસેજ શેર કરી શકશે. આનાથી નવા સભ્યને ગ્રુપમાં ચાલી રહેલી જૂની વાતચીત સમજવામાં સરળતા રહેશે. પહેલા એવું હતું કે, નવો સભ્ય જોડાયા પછીના જ મેસેજ જોઈ શકતો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now