Home Gujarat Preparations In Full Swing For Tarnetar Fair

તરણેતરના મેળાને લઈ તૈયારીઓ તેજ : મેળાના આયોજન માટે કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને યોજાઇ બેઠક

તરણેતરના મેળાને લઈ તૈયારીઓ તેજ
Published by: OBS Bureau
Last Updated: Aug 08, 2025, 11:47 AM IST

સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામની સીમમાં આવેલ ત્રીનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવા માસની ત્રીજ ,ચોથ ,પાંચમ અને છઠ એમ કુલ 4 દિવસ વિશ્વ વિખ્યાત તરણેતર ભાતીગળ લોકો મેળો યોજાય છે. ત્યારે ચાલુ વર્ષે પણ જગવિખ્યાત તરણેતર મેળાનું આગામી તારીખ 26/08 થી 29/08/2025 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મેળાની તૈયારીને લઈ કલેકટરની અધ્યક્ષતામાં મિટિંગ થઈ હતી.

રમત ગમતના અધિકારીએ શું કહ્યું??

રમત ગમતના અધિકારી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જીલ્લાના થાન ખાતે જગ વિખ્યાત તરણેતરનો ભાતીગળ અને લોકસંસ્કૃતિ ને ઉજાગર કરતા મેળો અગામી તારીખ 26થી 29/08 સુધી યોજાનારો છે. ત્યારે મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મેળો માણવા આવનાર લોકોને કોઈ હાલાકી ન પડે તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ થઇ કરવામાં આવી રહી છે. લોક સંસ્કૃતિને ઉજાગર કરતા તરણેતરના મેળામાં માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો મેળો માણવા ઉમટી પડશે.

પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ

ચાલુ વર્ષે યોજાનાર આ મેળામાં વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે તે માટે પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.તેમજ પ્લાસ્ટિકના પાઉચનું પણ વેચાણ કોઈ કરી નહિ શકે. પીવાના પાણીની વ્યવસ્થા ચાલુ વર્ષે તંત્ર દ્વારા કરવામાં આવી છે. અલગ-અલગ જગ્યાએ સ્વયંસેવકો દ્વારા જ મેળામાં આવતા લોકોને પાણી આપવામાં આવશે. આ સિવાય પાર્કિંગ, એસ.ટી બસ સહીતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ આરોગ્ય તંત્ર દ્વારા પણ મેળામાં આવતા દરેક લોકોને ચેક કરી જરૂરી તપાસ બાદ મેળામાં પ્રવેશ આપવામાં આવશે.આમ તંત્ર દ્વારા તરણેતરના ભાતીગળ મેળાને ધ્યાને લઇ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

શું કહ્યું મેળાને લઈ કલેકટરે?

સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, થાન તાલુકાના તરણેતર ખાતે યોજાનાર જગ વિખ્યાત ભાતીગળ લોકમેળામાં ગુજરાત સહીત દેશ અને વિદેશમાં થી પણ લોકો મેળાની મજા માણવા ઉમટી પડે છે. ત્યારે ચાર દિવસ ચાલનાર આ લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિક્સ, પશુ પ્રદર્શન, પશુ હરીફાઈ અને રાસ-ગરબા સ્પર્ધાનું પણ આયોજન અલગ-અલગ દિવસે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે મેળા દરમિયાન 3- એસઆરપીની ટિમ, 10-ડીવાયએસપી, 25-પી.આઈ, 85-પી.એસ.આઈ. સહીત કોન્સ્ટેબલ, હોમગાર્ડના જવાનો ખડેપગે રહેશે. આ ઉપરાંત ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરા દ્વારા મેળામાં આવતા લોકો પર નજર રાખવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now