ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રેમ કુમાર બિહાર વિધાનસભાના નવા સ્પીકર બનશે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ગયા શહેરની બેઠક 9મી વખત જીતી છે. પ્રેમ કુમારે 1990ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં અહીંથી પહેલી ચૂંટણી જીતી હતી. ત્યારથી વિપક્ષે દર વખતે તેમની સામે નવા ઉમેદવારો ઉભા કર્યા, પરંતુ કોઈ તેમને હરાવી શક્યું નથી. પ્રેમ કુમાર અગાઉ નીતિશ કુમારના મંત્રીમંડળમાં મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.
સમ્રાટ ચૌધરીને પક્ષના નેતા
ઉલ્લેખનીય છે કે, NDA એ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યો છે. આજે નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. બુધવારે અગાઉ ભાજપના ધારાસભ્યો પટણામાં મળ્યા હતા, જ્યાં સમ્રાટ ચૌધરીને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે અને વિજય સિંહાને ઉપનેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
વિજય સિંહાને ઉપનેતા બન્યા
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વિધાનસભા પક્ષની બેઠકમાં, નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ સમ્રાટ ચૌધરીને નેતા તરીકે ચૂંટ્યા હતા. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના કેન્દ્રીય નિરીક્ષક કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્યોએ સમ્રાટ ચૌધરીને વિધાનસભા પક્ષના નેતા તરીકે અને વિજય સિંહાને ઉપનેતા તરીકે પસંદ કર્યા છે. આ સર્વસંમતિથી લેવાયેલો નિર્ણય છે. બેઠકમાં સહ-નિરીક્ષક તરીકે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ હાજર રહ્યા હતા.



















