ઇટાલીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓ વિરુદ્ધ હિંસા અસમાન્ય રીતે વધી રહી છે. દેશે ત્રણ વર્ષ પહેલાં પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે જ્યોર્જિયા મેલોનીને પસંદ કરી હતી, ત્યારે મોટી સંખ્યામાં નાગરિકોને આશા હતી કે મહિલાઓની સુરક્ષા અને હક સરકારના મુખ્ય મુદ્દાઓ બનશે. પરંતુ માનવ અધિકાર હિતધારકોનો આક્ષેપ છે કે સ્ત્રીઓની પરિસ્થિતિ સુધરવાની જગ્યાએ વધુ ખરાબ બની રહી છે.
નોન ઉના ડી મેનો નામના સંગઠન મુજબ વર્ષ 2025 દરમિયાન 70થી વધુ સ્ત્રી હત્યાના બનાવો સામે આવ્યા છે, જ્યારે પાછલા વર્ષે આ આંકડો 116 હતો. મોટા ભાગે આ હત્યાઓ જીવનસાથી અથવા પૂર્વ જીવનસાથી દ્વારા કરવામાં આવી છે, અને કારણ માત્ર એટલું કે મહિલાએ સંબંધમાંથી બહાર આવવાનો પ્રયત્ન કર્યો હતો અથવા તે સંબંધની શરતો સ્વીકારવા તૈયાર ન હતી.
કાયદામાં ફેરફારો થયા છે, પરંતુ અમલ અને નિવારણ સવાલ હેઠળ છે. વડા પ્રધાન મેલોનીએ ઘરેલુ હિંસાને ગંભીર ગુનાઓની શ્રેણીમાં સામેલ કર્યું છે, જેના કારણે કડક સજાનો માર્ગ ખુલ્યો છે. કેટલીક પરિસ્થિતિઓમાં આજીવન કેદની સજા પણ સંભવિત બની છે. તેમ છતાં, મહિલા સંગઠનો અને પ્રશાસન નિષ્ણાતો માને છે કે સજા વધારવી પૂરતી નથી, બળાત્કાર અને હિંસા અટકાવવા માટે મૂળભૂત શિક્ષણ અને સામાજિક સુધારાઓની જરૂર છે.
સૌથી મોટો વિવાદાસ્પદ મુદ્દો જાતીય શિક્ષણ પર લગાવેલા પ્રતિબંધને લઈને છે. ઇટાલીના શાળાકીય અભ્યાસક્રમોમાં હજુ પણ જાતીય શિક્ષણ ફરજિયાત નથી, જયારે સંયુક્ત રાષ્ટ્ર સ્પષ્ટપણે જણાવે છે કે બાળપણથી મળતું એવા પ્રકારનું શિક્ષણ લિંગ આધારિત હિંસા, ભેદભાવ અને અસ્થિર સંબંધોને ઓછા કરે છે. સરકારના તર્ક મુજબ આવા વિષયો લિંગ સિદ્ધાંતને પ્રોત્સાહન આપે છે, જ્યારે વિપક્ષ પક્ષોનું માનવું છે કે દેશને શૈક્ષણિક રીતે સદીઓ પાછળ ધકેલવામાં આવી રહ્યો છે.
મહિલાઓની આર્થિક સ્થિતિ પણ અનેક પડકારોથી ઘેરાયેલી છે. ઇટાલીમાં મહિલાઓનું શ્રમબળમાં જોડાણ માત્ર 41.5 ટકા જેટલું છે, અને ઘણા ક્ષેત્રોમાં તેમને પુરુષોની સરખામણીએ લગભગ 40 ટકા ઓછું વેતન મળે છે. દેશમાં માત્ર 7 ટકા કંપનીઓમાં મહિલા મુખ્ય કાર્યકારી હોદ્દાઓ પર છે. યુવાન મહિલાઓ માટે અસ્થિર નોકરીઓ, કરારો અને નીચા પગારના કારણે કારકિર્દી તથા વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવવું વધી રહ્યું છે.
ઇટાલીની મહિલાઓ માટે બીજો મોટો તણાવ ઘટતા જન્મ દર સાથે જોડાયેલો છે. દેશનો જન્મ દર 2025 માં 1.13 પર પહોંચ્યો છે, જે અત્યંત નીચો છે. સરકારનું માનવું છે કે મહિલાઓ કારકિર્દીને પ્રાધાન્ય આપતાં માતૃત્વને પાછળ ધકેલી રહી છે. પરંતુ મહિલાઓનો પ્રશ્ન એ છે કે જ્યારે રોજગાર વિશ્વસનીય નથી અને આવક પૂરતી નથી, ત્યારે બાળક ઉછેરવાની જવાબદારીને તેઓ કેવી રીતે નિભાવી શકે?
ઇટાલીમાં સ્ત્રી હત્યા અને દૈનિક જીવન પર પડતા દબાણો માત્ર કાનૂની કે સાંસ્કૃતિક સમસ્યા નથી, પણ સમગ્ર રાષ્ટ્રની નીતિ અને સામાજિક વ્યવસ્થાને પડકારતી પરિસ્થિતિ છે. સરકાર અને સમાજ બંને માટે આ મુદ્દો હવે તાત્કાલિક અને ગહન હસ્તક્ષેપની માંગ કરે છે.




















