Home Gujarat Pradesh Congresss Reaction On The Admission And Fees In Various Medical Colleges In Ahmedabad

મેડિકલ પ્રવેશમાં વિદ્યાર્થીઓની સરકારી કોલેજો પ્રથમ પસંદગી! : ગુજરાત કોંગ્રેસના મોટા આક્ષેપ, પ્રવેશના પ્રથમ રાઉન્ડના અંતે સામે આવી મોટી આંકડાકીય હકીકત

મેડિકલ પ્રવેશમાં વિદ્યાર્થીઓની સરકારી કોલેજો પ્રથમ પસંદગી!
Published by: OBS Bureau
Last Updated: Aug 18, 2025, 12:21 PM IST

અમદાવાદ: ગુજરાતમાં મેડિકલ કોલેજોની પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસે એક મોટી આંકડાકીય હકીકત રજૂ કરી છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું કે, રાજ્યમાં ઊંચું મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓની પહેલી પસંદગી ખાનગી કોલેજો નહીં, પરંતુ સરકારી મેડિકલ કોલેજો છે.

કોંગ્રેસના જણાવ્યા અનુસાર, પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં સૌથી પહેલા રાજ્યની 7 સરકારી મેડિકલ કોલેજોની 1408 બેઠકો ભરાઈ ગઈ. આ પાછળનું મુખ્ય કારણ ઉત્તમ વ્યવસ્થા, નિષ્ણાત અને અનુભવી સિનિયર તબીબોની ઉપલબ્ધતા છે. ડો. મનીષ દોશીએ ભારપૂર્વક જણાવ્યું કે, ઓછી ફી ધરાવતી આ તમામ 7 સરકારી કોલેજો કોંગ્રેસના શાસનકાળ દરમિયાન બનેલી છે.

આંકડાકીય માહિતી મુજબ, સરકારી કોલેજો પછી બીજી પસંદગી આંશિક સરકારી ગ્રાન્ટ મેળવતી GMERS સંચાલિત 12 કોલેજોની 1800 બેઠકો રહી, જેમાં સરકારી કોલેજો કરતાં થોડી વધુ ફી છે. જ્યારે, સૌથી આખરી પસંદગી 19 સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની 3550 બેઠકો રહી.

ડો. દોશીએ આક્ષેપ કર્યો કે, મેડિકલ અભ્યાસમાં ફીનું ધોરણ ખૂબ જ વધી રહ્યું છે અને "ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન્ડ ફિલ્ડ" જેવા નામે વાલીઓને લૂંટવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં વાર્ષિક ₹28 લાખ જેવી ઊંચી ફી ચૂકવે છે, તેઓ ભવિષ્યમાં સરકારી તબીબી સેવામાં જોડાતા નથી.

કોંગ્રેસે ભાર મૂક્યો કે જો મેડિકલ વિદ્યાર્થીઓ ઓછી ફીમાં ભણશે તો તેઓ ગ્રામીણ વિસ્તારોમાં પણ સેવા આપવા તૈયાર થશે, જેનાથી તબીબોની અછતનો પ્રશ્ન હલ થશે. તેમણે તાજેતરની પ્લેન દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે સમયે સરકારી સિવિલ હોસ્પિટલ જ સૌ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. આ નિવેદનો દ્વારા કોંગ્રેસે રાજ્યમાં મેડિકલ શિક્ષણની ફી અને વ્યવસ્થા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now