Home Gujarat Surat Surat Police Personnel Donated Blood For 1100 Children Suffering From Thalassemia

સુરત પોલીસની માનવીય પહેલ : થેલેસેમિયાગ્રસ્ત 1100 બાળકો માટે પોલીસ જવાનોએ કર્યું રક્તદાન, કમિશનર ગેહલોતે વધાર્યો ઉત્સાહ

Thalassemia Children Surat Police Donate Blood
Published by: Nirali Gohil
Last Updated: Apr 04, 2026, 11:25 AM IST

સુરત: ડાયમંડ સિટી સુરતની પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જ નહીં, પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં પણ હંમેશા અગ્રેસર રહે છે. સુરત શહેર પોલીસ દ્વારા થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા બાળકોની વહારે આવવા માટે એક વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ અને ડીસીપી ઝોન-3 દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પોલીસ જવાનો અને સામાજિક સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે બ્લડ બેંકોમાં રક્તની અછત વર્તાતી હોય છે, ત્યારે પોલીસની આ પહેલ સેંકડો બાળકો માટે સંજીવની સમાન સાબિત થશે.

કતારગામ ખાતે ‘મહારક્તદાન કેમ્પ’નું ભવ્ય આયોજન

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી પાટીદાર સમાજની વાડીમાં આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીની વિશેષ સૂચના અન્વયે, શહેરના વિવિધ ઝોન પ્રમાણે રક્તદાન કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. આ કેમ્પમાં પોલીસ જવાનોની સાથે સામાજિક સંસ્થાઓના સભ્યોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતે આ કાર્યક્રમમાં હાજર રહીને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને પોલીસ વિભાગના આ સેવાકીય અભિગમને બિરદાવ્યો હતો.

આ પણ વાંચો: સુરત ક્રાઇમ બ્રાન્ચનો સપાટો : છેલ્લા 1 વર્ષથી નાસતો-ફરતો NDPSના ગુનાનો આરોપી ઝડપાયો


દર વર્ષે 10 હજાર યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક

સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં અંદાજે 1100 જેટલા બાળકો થેલેસેમિયાગ્રસ્ત છે. આ બાળકોને દર 20 થી 25 દિવસે નવા રક્તની જરૂરિયાત ઊભી થાય છે. તેમની આ જરૂરિયાતને પહોંચી વળવા માટે સુરત પોલીસ દર વર્ષે 10 હજાર યુનિટ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ ધરાવે છે. આ વર્ષે પણ દર મહિનાની અંતિમ તારીખે રક્તદાન કેમ્પ યોજવાની શરૂઆત કરવામાં આવી છે, જેથી થેલેસેમિયાથી પીડાતા માસૂમ બાળકોને સમયસર અને વિનામૂલ્યે રક્ત મળી રહે.

ઉનાળામાં રક્તની અછત દૂર કરવા પોલીસનો પ્રયાસ

સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં રક્તદાનનું પ્રમાણ ઘટતું હોય છે, જેના કારણે બ્લડ બેંકોમાં લોહીની તાતી જરૂરિયાત ઊભી થાય છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આ સમયગાળો ઘણો મુશ્કેલ હોય છે. આ કપરી પરિસ્થિતિને ધ્યાને રાખીને જ શહેર પોલીસ દ્વારા ઉનાળામાં પણ સતત કેમ્પ યોજવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. પોલીસના આ સેવાયજ્ઞને કારણે પાંચ મોટી બ્લડ બેંકોને રક્ત પૂરું પાડવામાં આવશે, જે બાળકોને મફતમાં લોહી પહોંચાડવાનું કામ કરશે. પોલીસ વિભાગની આ કામગીરીને સમગ્ર શહેરમાંથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now