Ahmedabad Murder Case: અમદાવાદમાં એક પ્રેમકહાનીનો આજે કરુણ અંજામ નિપજ્યો છે. જેમાં એક પ્રેમીએ જ પોતાની પ્રેમિકાના ઘરમાં ઘુસીને તેને છરીને ઘા ઝીંકીને તેની હત્યા નીપજાવી છે. અમદાવાદના વસ્ત્રાલમાં પરિવાર સાથે રહેતી પરિણીતા અંકિતાની તેના જ ઘરમાં જૂના પાડોશી અશોકે હત્યા નીપજાવી હોવાનો ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પરિણીતાની લાશ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણકે, હત્યારાએ પરિણીતાને છરીના એટલાં ઘા માર્યા હતા કે તેનું આંતરડું પણ બહાર નીકળી ગયું હતું.
મૃતકના ચંદ્રકાંત પ્રજાપતિ સાથે વાત કરતા જણાવા મળ્યું હતુંકે, આરોપી યુવક અશોક પટેલ પરિણીતાને ફોન પાર વાત કરવા અને મળવા માટે દબાણ કરતો હતો. પરંતુ પરિણીતાએ મળવા આવવાનો ઈનકાર કરી દેતાં તે મંગળવારે છરી સાથે પરિણીતાના ઘરે આવ્યો હતો અને હુમલો કરી તેની હત્યા નીપજાવી. અંકિતાને ફોન આપી અશોક આઠ વર્ષથી વાતચીત માટે દબાણ કરતો હોવાનું પણ તેના પતિ ચંદ્રાકાંત પ્રજાપતિએ જણાવ્યું હતું. અગાઉ અંકિતા પણ અનેકવાર અશોક સાથે છુપાઈને વાતચીત કરતા પકડાઈ હોવાનું પણ જણાવા મળ્યું છે. અશોકે જ અંકિતાને ફોન લઈ આપ્યો હોવાની પણ મૃતકના પતિએ કબૂલાત કરી છે.
I ડિવિઝન એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે મૃતક અને આરોપી વચ્ચે 2014થી પ્રેમસંબંધ હતો. આ બાબતને લઈને બંનેના પરિવારની વચ્ચે વિવાદ પણ થયો હતો. વર્ષ 2020માં મૃતકના પતિએ આ જ કારણથી ઘર પણ બદલ્યું હતું. મૃતક અને આરોપી વચ્ચે કોઈ બાબતથી અણબનાવ બનતાં આરોપીએ ગઈકાલે મૃતકની છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી. અશોકને રાઉન્ડ અપ કરી ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે અશોકની સાથે જે વ્યકિત આવ્યો હતો તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે, તે કયા હેતુસર અશોકની સાથે આવ્યો હતો.






