Home Gujarat Police Raid Surats Uttran Area Uncovering A Massive Scam Of Manufacturing Suspectedfake Ghee

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું નકલી ઘીના રેકેટનો પર્દાફાશ : ઉત્રાણ પોલીસની મોટી કાર્યવાહી; આ બે મોટી બ્રાન્ડના નામે કરતા હતા 'કાંડ'

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું નકલી ઘીના રેકેટનો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 01:17 PM IST

Surat News: શહેરમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. તાજેતરમાં સુરતના ઉત્રાણ વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડા પાડીને શંકાસ્પદ નકલી ઘી બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહેલા આ શખ્સો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રંગોલી ચોકડી પાસે ચાલતું હતું કૌભાંડ

મળતી માહિતી મુજબ, ઉત્રાણ પોલીસને બાતમી મળી હતી કે રંગોલી ચોકડી પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં નકલી ઘી બનાવવાની અને પેકિંગ કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે ઓચિંતા દરોડા પાડતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો.

જાણીતી બ્રાન્ડના નામે વેચાણ

આ શંકાસ્પદ ઘીનો જથ્થો બજારમાં જાણીતી બ્રાન્ડ જેવો ભાસ ઉભો કરીને વેચવામાં આવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સહજાનંદ અને ગજાનંદ નામના આકર્ષક પેકિંગમાં આ શંકાસ્પદ ઘી ભરીને બજારમાં સપ્લાય કરવામાં આવતું હતું. સામાન્ય ગ્રાહકો આ પેકિંગ જોઈને તેને શુદ્ધ ઘી માની છેતરાઈ જતા હતા.

મુદ્દામાલ જપ્ત અને કાયદેસરની કાર્યવાહી

પોલીસે સ્થળ પરથી લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં મોટી માત્રામાં શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો, ઘી પેકિંગ કરવા માટેની આધુનિક મશીનરી, ખાલી ડબ્બા, પાઉચ અને અન્ય પેકિંગ સામગ્રીનો સમાવેશ થાય છે.

પોલીસે આ મામલે ગુનો નોંધીને શંકાસ્પદ ઘીના નમૂના એફએસએલ (FSL) અને ફૂડ વિભાગમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે. આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે અને આ નકલી ઘી કયા કયા વેપારીઓને સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now