PM Modi Varanasi Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય મતક્ષેત્ર વારાણસીની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં કાશીવાસીઓએ તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મંગળવારે હેલીપેડ પર ઉતરાણ સમયે રાજ્યપાલ આનંદીબેન પટેલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબિન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. 'હર હર મહાદેવ'ના ગગનભેદી નારાઓ વચ્ચે કાશીના રસ્તાઓ પર વડાપ્રધાનનો જાદુ જોવા મળ્યો હતો. પોતાની આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ વારાણસી અને ઉત્તર પ્રદેશના વિકાસ માટે ₹6,330 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરીને જનતાને મોટી ભેટ આપી છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણ અને વિકાસની ગતિને વેગ આપવાનો છે. પીએમ મોદીએ કાશીની જનતાને સંબોધતા જણાવ્યું હતું કે, કાશીનો વિકાસ એ માત્ર શહેરનો વિકાસ નથી પરંતુ ભારતની સાંસ્કૃતિક વિરાસતને આધુનિકતા સાથે જોડવાનો એક પ્રયાસ છે. કાર્યક્રમ દરમિયાન તેમણે ડબલ એન્જિન સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી અને વિપક્ષી ગઠબંધન પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
'નારી શક્તિ વંદન અધિનિયમ': મહિલાઓના સામર્થ્યને પીએમનું નમન
બરેકા (BRECA) મેદાન ખાતે આયોજિત 'નારી શક્તિ વંદન અધિનિયમ' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને સંબોધિત કરી હતી. તેમણે મહિલા આરક્ષણ બિલ અને નારી શક્તિના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, નવા ભારતની પ્રગતિનો પાયો દેશની દીકરીઓ અને માતાઓ છે. પીએમ મોદીએ આ પ્રસંગે નારી શક્તિના અતૂટ સામર્થ્યને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ અધિનિયમ મહિલાઓને તેમના અધિકારો અપાવવા માટે એક ઐતિહાસિક પગલું સાબિત થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પીએમના વિઝનની પ્રશંસા કરતા 'વિકસિત ભારત'ના સંકલ્પને દોહરાવ્યો હતો.
રેલવે ક્ષેત્રે ક્રાંતિ: બે નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી
વારાણસીની આ મુલાકાત રેલવે કનેક્ટિવિટી માટે પણ અત્યંત મહત્વની રહી હતી. પીએમ મોદીએ કાશી અને દેશના અન્ય મહત્વના શહેરો વચ્ચેના પ્રવાસને સરળ બનાવવા માટે બે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેનોમાં 'બનારસથી પુણે' અને 'અયોધ્યાથી મુંબઈ' રૂટનો સમાવેશ થાય છે. આ નવી ટ્રેનો શરૂ થવાથી પ્રવાસન અને વેપારને મોટો વેગ મળશે. પીએમએ જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેનો એ આધુનિક ભારતની ઓળખ બની રહી છે અને તે રેલવે ક્ષેત્રે થઈ રહેલા પરિવર્તનનું પ્રતિક છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ ચૂંટણીના બીજા તબક્કામાં હિંસા : ભાજપ-TMC સામસામે; સુરક્ષાદળોએ કર્યો લાઠીચાર્જ!, જાણો કારણ
વિપક્ષ પર કટાક્ષ અને વિકાસનો સંકલ્પ
વિકાસ કાર્યોની ભેટ આપવાની સાથે પીએમ મોદીએ રાજકીય પ્રહારો કરવાનું પણ ચૂક્યા નહોતા. તેમણે વિકાસના કામોમાં અવરોધ ઉભા કરવા બદલ વિપક્ષી દળો પર આકરા કટાક્ષ કર્યા હતા. પીએમએ કહ્યું કે, અગાઉની સરકારોએ કાશીની ઉપેક્ષા કરી હતી, પરંતુ આજે કાશી વિશ્વ સ્તરે ચમકી રહ્યું છે. તેમણે જનતાને ખાતરી આપી હતી કે વિકાસની આ યાત્રા અટકશે નહીં અને દરેક વર્ગના ઉત્થાન માટે સરકાર પ્રતિબદ્ધ છે. ₹6,330 કરોડના પ્રોજેક્ટ્સમાં માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના કામોનો પણ સમાવેશ થાય છે.





