પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. મતદાન શરૂ થતાં જ અનેક વિસ્તારોમાંથી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં ખામી અને હિંસાના બનાવોની ફરિયાદો સામે આવી છે. શરૂઆતના કલાકોમાં જ આવી ગડબડીઓના અહેવાલોથી ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને સુરક્ષાને લઈને ચર્ચા તેજ બની છે.
મતદાનના દિવસે ચાપડા, શાંતિપુર અને ભાનગર સહિત અનેક મતદાન મથકો પર EVM યોગ્ય રીતે કાર્ય ન કરતી હોવાના આક્ષેપો થયા હતા, જેના કારણે કેટલાક સ્થળોએ મતદારોને લાંબી રાહ જોવી પડી હતી. સ્થાનિક સ્તરે મતદાનમાં વિક્ષેપ પડતા ચૂંટણી આયોગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે. ત્યારે હાવડામાં બબાલ થતાં સુરક્ષાદળો દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.
રાજકીય આરોપ-પ્રત્યારોપથી ગરમાયું માહોલ
આ પરિસ્થિતિ વચ્ચે રાજકીય તણાવ પણ ઊંચાઈએ પહોંચ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ ચૂંટણી દરમિયાન ગડબડીઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને નિષ્પક્ષ મતદાન માટે વધુ કડક પગલાં લેવાની માંગ કરી છે.
બીજી તરફ ભાજપ એ આક્ષેપોને નકારી કાઢતાં વિરોધ પક્ષ પર જ ગેરરીતિઓનો આરોપ મૂક્યો છે. બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા આ આરોપ-પ્રત્યારોપે ચૂંટણીનું રાજકીય તાપમાન વધુ ઉંચું કરી દીધું છે.
હિંસાના બનાવો અને સુરક્ષા વ્યવસ્થા
કેટલાક વિસ્તારોમાં મતદાન દરમિયાન હિંસાના બનાવોની પણ માહિતી મળી છે. સ્થાનિક સ્તરે અથડામણ, ધમકી અને મતદારોને ડરાવવા જેવા બનાવોની ફરિયાદો સામે આવી છે. જોકે, સુરક્ષા દળોએ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે તાત્કાલિક પગલાં લીધા હતા.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય સુરક્ષા દળોની વિશાળ તૈનાતી કરવામાં આવી છે, જેથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય. અધિકારીઓએ જણાવ્યું છે કે સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે.
ચૂંટણી આયોગની પ્રતિક્રિયા
ચૂંટણી આયોગે EVM ખામી અંગે મળેલી ફરિયાદો પર કાર્યવાહી કરતાં જરૂરી જગ્યાએ મશીનો બદલી નાખવાની કામગીરી હાથ ધરી છે. સાથે જ, હિંસાના બનાવોની તપાસ શરૂ કરવામાં આવી છે અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.





