Home Gujarat Pm Modi Somnath Temple Reconstruction 75 Years

સોમનાથ મંદિર પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ : PM મોદીએ યાદ કર્યો ગૌરવશાળી ઈતિહાસ

pm મોદી અને સોમનાથ મંદિરની છબી
Image Credit: ai
Published by: Niraj Chokshi
Last Updated: May 09, 2026, 02:30 AM IST

દેશના પ્રખ્યાત અને આસ્થા કેન્દ્ર એવા સોમનાથ મંદિરના પુનર્નિર્માણને 75 વર્ષ પૂર્ણ થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશેષ લેખ લખીને મંદિરના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય મહત્વને ઉજાગર કર્યું છે. પોતાના લેખમાં PM મોદીએ સોમનાથને માત્ર મંદિર નહીં પરંતુ “ભારતની અવિનાશી આત્મા અને પુનર્જાગરણનું પ્રતિક” ગણાવ્યું છે.

સૌરાષ્ટ્રના પ્રભાસ પાટણ ખાતે આવેલું સોમનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ માનવામાં આવે છે. હજારો વર્ષોથી આ મંદિર આધ્યાત્મિક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. ઇતિહાસમાં અનેક વખત આ મંદિર પર હુમલા થયા લૂંટફાટ થઈ અને મંદિરનો વિધ્વંસ પણ થયો છતાં સોમનાથ વારંવાર ફરી ઊભું થયું. PM મોદીએ પોતાના લેખમાં આ જ ભાવનાને ભારતની સાંસ્કૃતિક શક્તિ સાથે જોડીને રજૂ કરી છે.

સરદાર પટેલના સંકલ્પથી ફરી ઊભું થયું મંદિર

આઝાદી બાદ દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ લીધો હતો. 1947માં જૂનાગઢ ભારત સાથે જોડાયા બાદ સરદાર પટેલ પ્રભાસ પાટણ પહોંચ્યા હતા અને ત્યાંથી મંદિરના પુનઃનિર્માણનો ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો.

PM મોદીએ પોતાના લેખમાં જણાવ્યું કે સોમનાથનું પુનર્નિર્માણ માત્ર એક ધાર્મિક પ્રોજેક્ટ ન હતો પરંતુ ગુલામીની માનસિકતામાંથી બહાર આવતી નવી ભારતની સંસ્કૃતિનું પ્રતિક હતું. મંદિરનું પુનર્નિર્માણ લોકભાગીદારીથી થયું હતું અને તેમાં સરકારી ખજાનાનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે સૌથી મોટા સમાચાર : કેન્દ્ર સરકાર એક મહિનામાં જાહેર કરશે ફાઈનલ રિપોર્ટ, તપાસ અંતિમ તબક્કામાં

1951માં થઈ હતી પ્રાણ પ્રતિષ્ઠા

સોમનાથ મંદિરના નવા નિર્માણ બાદ 11 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તે સમયની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં આ પ્રસંગ ખૂબ મહત્વનો માનવામાં આવ્યો હતો. PM મોદીએ પોતાના લેખમાં લખ્યું કે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તે પ્રસંગે જણાવ્યું હતું કે “સોમનાથનું પુનર્જીવન ભારતના પુનર્જાગરણનું પ્રતિક છે.” આ શબ્દો આજે પણ દેશની સાંસ્કૃતિક ચેતનાને પ્રેરણા આપે છે.

પ્રભાસ પાટણનું ઐતિહાસિક મહત્વ

સોમનાથ માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે પણ અત્યંત મહત્વનું કેન્દ્ર છે. માન્યતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણે પોતાના અંતિમ દિવસો પ્રભાસ ક્ષેત્રમાં વિતાવ્યા હતા. આ વિસ્તાર મહાભારતકાળથી જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

અરબી સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મંદિર આજે દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અને ભક્તો અહીં દર્શન માટે આવે છે. મંદિર આસપાસ છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા પ્રમાણમાં વિકાસકાર્યો પણ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: જામનગર 'નો ડ્રોન ઝોન' જાહેર : PM મોદીની સુરક્ષા માટે એરક્રાફ્ટ-બલુન્સ પર પણ પ્રતિબંધ, જાણો ક્યારથી લાગુ થશે નિયમ

PM મોદીએ શું કહ્યું?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના લેખમાં લખ્યું કે સોમનાથ ભારતની “અજેય ચેતના”નું પ્રતિક છે. અનેક આક્રમણો છતાં મંદિર ફરી મંદિર ઉભું થાય છે. જે ભારતની સંસ્કૃતિની શક્તિ અને સહનશીલતાને દર્શાવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આજે જ્યારે ભારત “વિકસિત ભારત” તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સોમનાથ જેવા ઐતિહાસિક કેન્દ્રો આપણને પોતાની સંસ્કૃતિ, વારસા અને મૂળ સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપે છે.

સોમનાથ ટ્રસ્ટ અને વિકાસકાર્યો

હાલમાં સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં અનેક આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. યાત્રાળુઓ માટે ડિજિટલ સુવિધા, દરિયાકિનારા વિકાસ, મ્યુઝિયમ અને લાઈટ-એન્ડ-સાઉન્ડ શો જેવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે.

PM મોદી લાંબા સમય સુધી સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાયેલા રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ તેમણે સોમનાથ અને પ્રભાસ પાટણ વિસ્તારના વિકાસ માટે અનેક પહેલ કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં સોમનાથને આધ્યાત્મિક અને હેરિટેજ ટૂરિઝમના મહત્વના કેન્દ્ર તરીકે વિકસાવવાનો પ્રયાસ થયો છે.

સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવું માત્ર ઐતિહાસિક પ્રસંગ નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક સતતતા અને આધ્યાત્મિક શક્તિની યાદ અપાવતો મહત્વનો અવસર માનવામાં આવે છે. આગામી સમયમાં પણ સોમનાથને વૈશ્વિક ધાર્મિક અને હેરિટેજ પ્રવાસન નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવા માટે વિકાસકાર્યો તેજ બનવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now