Modi in Netherlands: નેધરલેન્ડની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેગ (The Hague) ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે એક એવો હળવો અને રમુજી પ્રસંગ સર્જ્યો, જેનાથી આખો હોલ તાળીઓ અને હાસ્યના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. ભારતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓ અને ખાસ કરીને પશ્ચિમ બંગાળના પરિણામોનો ઉલ્લેખ કરતા પીએમ મોદી પોતાનું હસવું રોકી શક્યા નહીં અને તેમણે શ્રોતાઓને પૂછી લીધું "શું ઝાલમુડી અહીં પણ પહોંચી ગઈ છે?"
ભાષણ વચ્ચે પીએમ મોદી કેમ હસી પડ્યા?
વડાપ્રધાન મોદી નેધરલેન્ડમાં વસતા ભારતીય ડાયસ્પોરા (પ્રવાસી ભારતીયો) ને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ ભારતીય લોકશાહીની તાકાત અને તાજેતરમાં પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં થયેલા રેકોર્ડ મતદાનની ચર્ચા કરી રહ્યા હતા. જેવા વડાપ્રધાને પશ્ચિમ બંગાળની ચૂંટણી અને ત્યાં ભાજપની જીતનો ઉલ્લેખ કર્યો, કે તરત જ હોલમાં હાજર બંગાળી અને અન્ય ભારતીય સમુદાયના લોકો ભારે ઉત્સાહમાં આવી ગયા અને જોરજોરથી નારા લગાવવા તથા તાળીઓ પાડવા લાગ્યા. ભારતીય સમુદાયનો આ અદભુત ઉત્સાહ જોઈને પીએમ મોદી સ્ટેજ પર જ હસવા લાગ્યા અને હળવા અંદાજમાં પશ્ચિમ બંગાળની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ડિશ 'ઝાલમુડી' (Jhalmuri) નો ઉલ્લેખ કરતા પૂછ્યું, "ઝાલમુડી અહીં પણ પહોંચી ગઈ છે?"
શું છે 'ઝાલમુડી' કનેક્શન?
વાસ્તવમાં, એપ્રિલ ૨૦૨૬ માં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો, જેમાં તેઓ ઝારગ્રામમાં એક સ્થાનિક દુકાને રોકાઈને પશ્ચિમ બંગાળના પ્રખ્યાત સ્નેક 'ઝાલમુડી' નો સ્વાદ માણતા અને દુકાનદાર સાથે હળવી પળો વિતાવતા જોવા મળ્યા હતા. નેધરલેન્ડમાં બંગાળના લોકોનો ઉત્સાહ જોઈને પીએમ મોદીને તુરંત જ એ સ્વાદિષ્ટ ક્ષણ યાદ આવી ગઈ હતી.
ભાષણની મુખ્ય વાતો: ભારતીય લોકશાહીનો ડંકો
પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ ભારતીય ચૂંટણી પ્રક્રિયાની ભવ્યતા અને વૈશ્વિક સ્તરે ભારતની વધતી તાકાત વિશે ગર્વભેર વાત કરી હતી.
મહિલાઓનું રેકોર્ડ મતદાન
પીએમ મોદીએ જણાવ્યું કે ભારતના વિવિધ રાજ્યોમાં ૮૦ થી ૯૦ ટકા જેટલું રેકોર્ડબ્રેક મતદાન થયું છે, જેમાં મહિલાઓની ભાગીદારી અભૂતપૂર્વ રહી છે.
યુરોપિયન યુનિયન કરતાં વધુ મતદારો
ભારતમાં લોકશાહીના કદની સરખામણી કરતા તેમણે કહ્યું, "ભારતમાં ૯૦ કરોડથી વધુ નોંધાયેલા મતદારો છે.2024ની લોકસભા ચૂંટણીમાં જ ૬૪ કરોડ લોકોએ મતદાન કર્યું હતું, જે સમગ્ર યુરોપિયન યુનિયન (EU) ની કુલ વસ્તી કરતા પણ વધારે છે. ભારત 'મધર ઓફ ડેમોક્રેસી': વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે ભારત લોકશાહીની જનની છે અને ભારતીયો માટે ચૂંટણી એ માત્ર પ્રક્રિયા નથી પરંતુ એક મોટો ઉત્સવ છે.
"તમે સમુદ્ર પાર કર્યા, પણ સંસ્કૃતિ નહીં"
નેધરલેન્ડમાં વસતા ભારતીય પરિવારોની પ્રશંસા કરતા વડાપ્રધાને ભાવુક શબ્દો કહ્યા હતા. તેમણે જણાવ્યું કે અહીં હાજર રહેલા લોકોની વાર્તાઓ માત્ર સ્થળાંતરની નથી, પરંતુ અગણિત સંઘર્ષો વચ્ચે મેળવેલી પ્રગતિ અને અતૂટ શ્રદ્ધાની છે. પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તમારા પૂર્વજો જ્યારે અહીં આવ્યા ત્યારે ઘણું બધું પાછળ છોડીને આવ્યા હતા, પરંતુ કેટલીક વસ્તુઓ હંમેશા તેમની સાથે રહી – તેમની માટીની સુગંધ, તહેવારોની યાદો, ભજનોની મધુરતા અને સંસ્કારો. પેઢીઓ બદલાઈ, દેશ બદલાયા, પરંતુ ભારતીય પરિવારોના મૂલ્યો અને અપનાવવાની ભાવના ક્યારેય બદલાઈ નથી."
વૈશ્વિક કટોકટી અને ભારતની ભૂમિકા
વડાપ્રધાને વૈશ્વિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ દશકો કોરોના મહામારી, યુદ્ધો અને ઉર્જા કટોકટી જેવી અનેક આપત્તિઓનો રહ્યો છે. જો વૈશ્વિક સ્તરે સ્થિતિ જલ્દી નહીં સુધરે તો અત્યાર સુધી મેળવેલી પ્રગતિ જોખમમાં મુકાઈ શકે છે. જોકે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે "જ્યારે ભારત સફળ થાય છે, ત્યારે સમગ્ર માનવતાને તેનો લાભ મળે છે. પીએમ મોદીની આ નેધરલેન્ડ મુલાકાત ભારત અને ડચ દેશો વચ્ચે સંરક્ષણ, સેમિકન્ડક્ટર્સ, ગ્રીન હાઇડ્રોજન અને વેપાર જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, પરંતુ પ્રવાસી ભારતીયો સાથેની તેમની આ 'ઝાલમુડી' વાળી હળવી ક્ષણે સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે.





