Home National Pm Modi Inauguration Of The Countrys Largest Jewar Airport Ethanol Blend

PM મોદીએ દેશના સૌથી મોટા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન : દિલ્હી-NCR કનેક્ટિવિટીને મળશે મોટો બૂસ્ટ, જાણો શું છે તેની ખાસિયત

PM Modi Jewar Airport Inauguration
Published by: Nirali Gohil
Last Updated: Mar 28, 2026, 10:09 AM IST

Jewar Airport: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તર પ્રદેશના જેવરમાં 'નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ'ના પ્રથમ તબક્કાનું ભવ્ય લોકાર્પણ કર્યું છે. આ પ્રોજેક્ટ દિલ્હી-એનસીઆર (NCR) અને પશ્ચિમ ઉત્તર પ્રદેશની કનેક્ટિવિટીમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે. ઉદ્ઘાટન બાદ એક વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાને આ એરપોર્ટને માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, પરંતુ રોજગારી અને આર્થિક સમૃદ્ધિનું નવું સરનામું ગણાવ્યું હતું. તેમણે આ તકે અગાઉની સરકારો પર પ્રોજેક્ટમાં વિલંબ કરવાનો આરોપ લગાવીને આકરા પ્રહારો કર્યા હતા અને વર્તમાન 'ડબલ એન્જિન' સરકારની કામગીરીના વખાણ કર્યા હતા.

રૂ.11,200 કરોડનો પ્રોજેક્ટ અને હાઈ-ટેક સુવિધાઓ

જેવર એરપોર્ટનો પ્રથમ તબક્કો અંદાજે રૂ.11,200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ એરપોર્ટને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે રોડ, રેલવે, મેટ્રો અને પ્રાદેશિક પરિવહન પ્રણાલીઓ સાથે સીધું જોડાયેલું હશે. શરૂઆતના તબક્કામાં આ એરપોર્ટ વાર્ષિક 1.2 કરોડ મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે, જે ભવિષ્યમાં વધારીને 7 કરોડ સુધી લઈ જવાનું લક્ષ્ય છે. આ ઉપરાંત, અહીં વિશાળ કાર્ગો હબ પણ બનાવવામાં આવ્યું છે, જે વેપાર અને નિકાસને નવી ગતિ આપશે.

પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિકાસને લાગશે પાંખો

વડાપ્રધાને જણાવ્યું હતું કે આ એરપોર્ટથી માત્ર નોઈડા જ નહીં, પરંતુ આગ્રા, મથુરા, અલીગઢ, ગાઝિયાબાદ, મેરઠ, ઈટાવા અને બુલંદશહેર જેવા શહેરોને સીધો ફાયદો થશે. પીએમ મોદીએ ઉમેર્યું કે, "આ એરપોર્ટ પશ્ચિમ યુપીના ખેડૂતો, નાના ઉદ્યોગો અને યુવાનો માટે તકોના નવા દ્વાર ખોલશે. અહીંથી વિમાનો સમગ્ર વિશ્વમાં ઉડાન ભરશે, જે વિકસિત ઉત્તર પ્રદેશની ઉંચી ઉડાનનું પ્રતીક બનશે."

આ પણ વાંચો: ગુજરાતના સરહદી નવા જિલ્લામાં PM મોદીની ઐતિહાસિક મુલાકાત : રૂ.19,000 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ

અગાઉની સરકારો પર નિશાન: 'પ્રોજેક્ટ માત્ર કાગળ પર હતો'

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે, "જેવર એરપોર્ટને 2003માં અટલ બિહારી વાજપેયી સરકાર વખતે મંજૂરી મળી હતી, પરંતુ ત્યારબાદની સરકારોએ તેનો પાયો પણ નાખવા દીધો નહોતો. વર્ષો સુધી આ પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ અટવાયેલો રહ્યો." તેમણે ભારપૂર્વક કહ્યું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર આવ્યા બાદ જ આ કામગીરી યુદ્ધના ધોરણે આગળ વધી છે.

વૈશ્વિક કટોકટી અને ભારતની મજબૂતી

પશ્ચિમ એશિયાના યુદ્ધ અને વૈશ્વિક ઉર્જા સંકટનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, દુનિયા આજે ઈંધણની વધતી કિંમતોથી ચિંતિત છે, પરંતુ ભારત સરકાર સુનિશ્ચિત કરી રહી છે કે આ સંકટનો બોજ ખેડૂતો અને સામાન્ય નાગરિકો પર ન પડે. તેમણે ઈથેનોલ બ્લેન્ડિંગ જેવા સરકારના પગલાંની પ્રશંસા કરી અને કહ્યું કે, ભારત આંતરરાષ્ટ્રીય અસ્થિરતા વચ્ચે પણ પોતાની વિકાસયાત્રા અટકાવશે નહીં.

'વિકસિત યુપી, વિકસિત ભારત' અભિયાન

ઉત્તર પ્રદેશ હવે દેશમાં સૌથી વધુ ઇન્ટરનેશનલ એરપોર્ટ ધરાવતું રાજ્ય બની ગયું છે. કાર્યક્રમની શરૂઆતમાં વડાપ્રધાનને ભગવાન બુદ્ધની પવિત્ર પ્રતિમા ભેટમાં આપવામાં આવી હતી. વડાપ્રધાને અંતમાં જણાવ્યું કે જેવર એરપોર્ટ એ 'વિકસિત ભારત' તરફનું એક મજબૂત કદમ છે અને તે આવનારા સમયમાં પ્રવાસન, વેપાર અને રોજગારના નવા રેકોર્ડ સ્થાપિત કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકામાં ફરી વધ્યા કોરોનાના કેસ!
અયોધ્યામાં યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સળગ્યો પંડાલ
લદ્દાખના ઝોજીલા પાસમાં ભયાનક હિમસ્ખલન
Play Video
આજે 28 માર્ચ