Home Gujarat Pm Modi In Gandhinagar Terrorist Activity Is No Longer A Proxy War But A Well Thought Out Strategy

આતંકવાદી પ્રવૃત્તિ હવે પ્રોક્સી વોર નથી રહી : પરંતુ સારી રીતે વિચારેલી રણનીતિ: PM મોદી

આતંકવાદી પ્રવૃત્તિ હવે પ્રોક્સી વોર નથી રહી
Published by: OBS Bureau
Last Updated: May 27, 2025, 01:14 PM IST

પીએમ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે ગાંધીનગરમાં રોડ શો બાદ સંબોધન કર્યું હતું. ત્યારે વડાપ્રધાનએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, આતંકવાદી પ્રવૃત્તિ હવે પ્રોક્સી વોર નથી રહી, પરંતુ સારી રીતે વિચારેલી રણનીતિ છે. ભારતે આતંકવાદના આ કાંટાને દૂર કરવાનો નિર્ણય કરી લીધો છે અને તેના માટે પૂર્ણ વિશ્વાસ સાથે દેશ કટિબદ્ધ છે. સૈન્ય કાર્યવાહીથી શરૂ થયેલા ‘ઓપરેશન સિંદૂર’ને હવે ‘વોકલ ફોર લોકલ’ સ્વરૂપે જન-જન સુધી પહોંચાડવા અને વિકસિત ભારત @૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા તેમણે દેશવાસીઓને આહ્વાન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વર્ષનાં ૨૦ વર્ષની ઉજવણીના સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનસમુદાયને સંબોધતાં તેમણે કહ્યું કે વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદ અને ગાંધીનગરની તેમની મુલાકાત દરમિયાન છેલ્લા બે દિવસમાં ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા અને તિરંગો લહેરાવતાં દેશભક્તિના ઉત્સાહનો આપણે સૌ અનુભવ કરી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે નાગરિકોમાં સીંદુરીયા સાગરથી લહેરાતા તિરંગા થકી જનજનમાં માતૃભુમી પ્રત્યેનો અપાર પ્રેમ જોવા મળ્યો હતો, આ દૃશ્ય અભૂતપૂર્વ હતું. આ લાગણી ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ ભારતના દરેક ખૂણામાં અને દરેક ભારતીયના હૃદયમાં છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગૌરવભેર કહ્યું હતું કે, શરીર તંદુરસ્ત હોવા છતાં, કાંટો વાગે ત્યારે દર્દ થાય છે. આપણે આ કાંટાને શરીરમાંથી દૂર કરવો જ રહ્યો. ૧૯૪૭ની આઝાદીએ મા ભારતીના ત્રણ ટુકડાં કરી દીધા હતા. પહેલગાંવમાં આતંકવાદી હુમલાથી ભારતની ધરતી પર આતંકવાદે ઊંડો ઘા કર્યો છે. મા ભારતીનો એક હિસ્સો આતંકી મુજાહિદ્દીન પાકિસ્તાને હડપી લીધો છે. જો એ જ દિવસે મુજાહિદ્દીનોને મોતને ઘાટ ઉતારી દીધા હોત, તો આ પરિસ્થિતિ નિર્માણ જ ન થાત.

સરદાર પટેલની ઈચ્છા હતી કે, PoK પાછું ન આવે ત્યાં સુધી સેનાને રોકવી ન જોઈએ, પણ તેમની વાત માનવામાં આવી નહિ. એટલા માટે જ, છેલ્લા ૭૫ વર્ષોથી ભારત આતંકવાદને સહન કરી રહ્યું છે, પહેલગામ તેનુ જ રૂપ હતું. આપણી સામે ત્રણ વાર પાકિસ્તાને યુદ્ધની સ્થિતિ ઉભી કરી અને ભારતીય સેનાએ ત્રણેય વાર પાકિસ્તાનને ધૂળ ચટાડી છે. સીધી લડાઇ સામે પાકિસ્તાન ભારત સામે જીતી ના શક્યુ, એટલે તેણે પ્રોક્સી વોર શરૂ કરી છે. તેઓ પાક સૈન્ય દ્વારા આતંકવાદીઓને પ્રશિક્ષણ આપી ભારત મોકલે છે, જેઓ નાગરિકો, પ્રવાસીઓ અને સેનાને નિશાન બનાવે છે. ભારત હવે આ સહન નહિ કરે તે ગોળીનો જવાબ ગોળાથી, ઇંટનો જવાબ પથ્થરથી આપશે.

ભારતની સંસ્કૃતિ હંમેશાંથી “વસુધૈવ કુટુમ્બકમ”ના મંત્ર સાથે સંસ્કૃતિ અને ચરિત્ર સાથે આપણે જીવી રહ્યા છીએ. આપણે વિશ્વને પરિવાર માનીએ છીએ. સૌ સુખેથી જીવે અને જીવવા દે એ આપણી વિચારધારા રહી છે, જે આપણું હજારો વર્ષોનું ચિંતન છે. પરંતુ વારંવાર ભારતના સામર્થ્યને લલકારવામાં આવે છે, ત્યારે તેમણે યાદ રાખવું જોઈએ કે આ દેશ વીરોની પણ ભૂમિ છે.

તેમણે કહ્યું હતુ કે અત્યાર સુધી જેને પ્રોક્સી વોર કહેવામાં આવતી હતી, તેને તા. ૬ મે પછી કોઇ પ્રોક્સી વોર કહેવાની ભૂલ નહિ કરે. કારણ કે, આતંકીઓના જનાઝા પર પાકિસ્તાની ઝંડા લગાવ્યા હતા અને તેમને સેનાએ સલામી આપી સ્ટેટ ઓનર પણ અપાયું હતું. આ પ્રોક્સી વોર નહિ, પણ સીધી લડાઇ છે.

વડાપ્રધાનએ કહ્યું હતુ કે ઓપરેશન સિંદૂર અંતર્ગત માત્ર ૨૨ મિનિટમાં જ પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના નવ ઠેકાણા ધ્વસ્ત કર્યા અને આ તમામ કાર્યવાહી કેમેરાની સામે કરવામાં આવી હતી, જેથી આપણે કોઇ પુરાવા આપવાની જરૂર નથી, પરંતુ પુરાવાઓ સામેવાળા આપી રહ્યા છે. આ પાકિસ્તાનની આયોજનબદ્ધ રણનીતિ છે અને નવું ભારત તેનો જવાબ પણ તેવો જ આપશે, તેવું તેમણે વિશ્વાસપૂર્વક કહ્યું હતું.

તેમણે ઉમેર્યું કે આપણે સૌનું ભલું-પ્રગતિ ઇચ્છીએ છીએ અને મુસીબતમાં મદદ પણ કરીએ છીએ. જેના બદલામાં તેઓ લોહીની નદીઓ વહેવડાવે છે. તેમણે નવી પેઢીને સંબોધીને કહ્યું હતુ કે, વર્ષ ૧૯૬૦ની ઇન્ડસ વોટર ટ્રીટીની શરતો જોઇને તમે ચોંકી ઉઠશો. જેમાં, જમ્મુ કાશ્મીરમાં આવેલી નદીઓ પર ૬૦ વર્ષ સુધી ડેમના દરવાજા ખોલવામાં ન આવ્યા. જેથી તેની સફાઇ અને ડીસીલ્ટીંગની કામગીરી થઇ શકી નહિ, જેના કારણે ડેમની ક્ષમતાના માત્ર ૦૨ થી ૦૩ ટકા જ રહી છે. જેથી દેશના નાગરિકોને પાણી કામમાં આવતું નથી. હાલમાં આપણે ડેમના દરવાજા ખોલીને સફાઈ શરૂ કરી છે.

વડાપ્રધાનએ ઉમેર્યું હતુ કે, આપણે કોઈનાથી દુશ્મની નથી રાખવા માંગતા, સુખેથી જીવીને પ્રગતિ અને વૈશ્વિક સુખાકારીના માર્ગે આગળ વધવા માંગીએ છીએ. એટલે જ ભારત એક નિષ્ઠાના ભાવથી કોટીકોટી ભારતીયોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.

વડાપ્રધાનએ કહ્યું કે, આજથી ૧૧ વર્ષ પહેલાં ૨૬ મે, ૨૦૧૪ના રોજ જ્યારે તેમણે સૌ પ્રથમ વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે ભારતનું અર્થતંત્ર વિશ્વમાં ૧૧ ક્રમે હતું. ત્યાર પછી કોવિડની મહામારી, પાડોશી દેશોના અતિક્રમણ, પ્રાકૃતિક આપદાઓ જેવી અનેક વિટંબણાઓ છતાં આજે ૧૧ વર્ષ પછી ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીને ઉભરી આવ્યો છે. કારણ કે આપણે માત્ર વિકાસ અને પ્રગતિ કરવા માંગીએ છીએ.

તેમણે ભાવપૂર્વક કહ્યું હતું કે, ગુજરાતનો હું ઋણી છું. આ માટીએ મને મોટો કર્યો છે. મેં અહીં જ શિક્ષા અને દીક્ષા લીધી છે. હું અહીં જ બધું શીખ્યો છું. આ ભૂમિએ મને જે સપનાઓનું દર્શન કરાવ્યું છે, તે સપનાઓ સમગ્ર દેશ સુધી પહોંચાડવા હું સતત કાર્ય કરી રહ્યો છું.

શહેરી વિકાસની અવિરત યાત્રા અંતર્ગત જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વર્ષ ૨૦૦૫માં શરૂ કરેલી શહેરી વિકાસ વર્ષ યાત્રાના ૨૦ વર્ષની આ ઉજવણી માત્ર ઉજવણી નથી બની રહી, પરંતુ આ ૨૦ વર્ષમાં જે શીખ્યા છીએ, તેના પરથી આવનારી પેઢી માટેનો રોડ મેપ રાજ્ય સરકારે બનાવ્યો છે, જેનો આનંદ વ્યક્ત કરીને વડાપ્રધાનએ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના આનંદ કરતા હવે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું પ્રેસર વધારે છે, તેમ કહી મોદીએ ઉમેર્યું કે, આજથી ૧૦૦ વર્ષ પહેલા ૨૫-૩૦ કરોડ લોકોએ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવાનું નક્કી કર્યું અને તેના પરીણામે દેશ આઝાદ થયો હતો. આજે દેશના ૧૪૦ કરોડ નાગરિકો જો વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત બનાવવાનો નિર્ધાર કરે, તો કોઇ પણ તાકાત આ લક્ષ્ય સિદ્ધ કરવામાંથી આપણને રોકી શકે તેમ નથી. વર્ષ ૨૦૪૭માં આઝાદીના ૧૦૦ વર્ષની ઉજવણી આપણે સમગ્ર વિશ્વમાં વિકસિત ભારતનો ઝંડો લહેરાવીને કરીશું.

વડાપ્રધાનએ કહ્યું કે, વર્ષ ૨૦૩૫માં ગુજરાતની સ્થાપનાના પણ ૭૫ વર્ષ પૂર્ણ થશે, ત્યારે તેનો રોડમેપ અત્યારથી તૈયાર કરવો જોઇએ. જેમાં ખેતી, શિક્ષણ અને ખેલકૂદ સહિતના દરેક ક્ષેત્રે આગળ વધવા માટે આપણે લક્ષ્ય નિશ્ચિત કરવા જોઇએ. તેમણે ઉમેર્યું કે, ગુજરાતની સ્થાપના થઇ ત્યારે કહેવાતું કે, ગુજરાતમાં માત્ર મીઠું છે, પરંતુ આજે એ જ ગુજરાત હીરા માટે વિશ્વભરમાં વિખ્યાત છે. આ તમામ પરિમાણોને પગલે આગામી વર્ષ ૨૦૩૬માં દેશ ઓલિમ્પિકની યજમાની માટે સજ્જ બની રહ્યો છે.

ગુજરાતના વિકાસમાં યોજનાબદ્ધ કામગીરી થઇ છે. જેમાં શહેરી વિકાસ સાથે પ્રવાસન, વન વિભાગ સહિતના તમામ વિભાગોને સાથે રાખીને સર્વગ્રાહી વિકાસના લક્ષ્ય સાથે કામ કર્યું છે. જેના પરિણામે રણોત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એડવેન્ચર ટુરીઝમ જેવી પ્રવૃત્તિઓ આજે ગુજરાતની ઓળખ બની છે. તેમણે કહ્યું કે, જો તમે ઈમાનદારી અને સત્યનિષ્ઠાથી લોકોના ભલા માટે નિર્ણય લઈને કામ કરશો, તો ચોક્કસપણે સફળ થશો, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાનએ શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંગે કહ્યું કે, અર્બન એરિયા એ દેશનું ગ્રોથ સેન્ટર છે, ત્યારે વિકસિત ભારતના નિર્માણ માટે શહેરોને આર્થિક ગતિવિધિના કેન્દ્રો બનાવવા જોઇએ અને ટાર્ગેટ નક્કી કરીને એ મુજબ નવા ઉત્પાદનો અને ક્વોલીટી વર્ક પર કામ કરીને વિકાસ સાધવો જોઇએ.

આજે દેશમાં બે લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે, જેમાંથી મોટા ભાગના સ્ટાર્ટઅપ ટીયર-૨ અને ટીયર-૩ શહેરોમાંથી આવે છે. આ પૈકીના અનેક સ્ટાર્ટઅપ્સનું નેતૃત્વ દીકરીઓ કરી રહી છે. એટલું જ નહિ, આ શહેરોના બાળકો શિક્ષણ ઉપરાંત અન્ય અનેક પ્રવૃત્તિઓમાં પણ આગળ પડતા છે. જેથી આવા નાના શહેરોમાં વિકાસની અનેક ક્ષમતાઓ રહેલી છે.

વડાપ્રધાનએ પોતાનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ યાદ કરતાં કહ્યું હતું કે, સમાજના વિકાસ માટે કોઈ કઠોર નિર્ણય લઈએ, તો ચોક્કસપણે લોકો આપણી સાથે રહે છે. વર્ષ ૨૦૦૫ને તેમણે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ધાર કર્યો, ત્યારે તેમણે અનેક કઠોર નિર્ણયો કર્યા હતા. તેમ છતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેમને ભારે સફળતા મળી હતી. આ જ દર્શાવે છે કે લોકો વિકાસ ઈચ્છે છે. એટલે જ મને નવી પહેલો કરવાનું બળ મળ્યુ હતું. દેશ આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા કરશે ત્યારે “વિકસીત ભારત@૨૦૪૭”ના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત દેશને દિશા આપશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે પરિસ્થિતિ બદલાઈ છે, જે રણમાં લોકો જવા માટે તૈયાર ન હતા, તે રણમાં ફરવા આવવા માટે લોકોને આજે બુકિંગ પણ મળવું અઘરું થયું છે. ગુજરાતમાં વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ SOU અને પ્રસિદ્ધ મ્યુઝિયમ વડનગરમાં બન્યું છે. કાશીની જેમ‌ વડનગર પણ ૨૦૦૦ વર્ષ અગાઉ જીવંત શહેર હતું, તેનું જીવન અટક્યું નથી. આજથી ૫,૦૦૦ વર્ષ અગાઉ લોથલ બંદરેથી વિશ્વભરમાં વેપાર કરવામાં આવતો હતો, તેની યાદમાં લોથલ ખાતે વિશ્વનું સૌથી ભવ્ય મેરિટાઈમ મ્યુઝિયમ નિર્માણ પામી રહ્યું છે‌. તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૫માં ગુજરાતમાં ગિફ્ટ સિટી બનાવવા માટે જ્યારે ટાગોર હોલમાં પ્રથમવાર વિવિધ ગ્રાફિક્સ લગાવવામાં આવ્યા હતા, ત્યારે સાથી મિત્રો તેની હાંસી ઉડાવતા હતા. આજે અન્ય રાજ્યો પણ ગિફ્ટ સિટી જેવી વ્યવસ્થા ઊભી કરવા માટે ઇચ્છુક છે. ગુજરાતમાં આજે સાબરમતી રિવરફ્રન્ટ, સૌથી મોટું સ્ટેડિયમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણી ઓળખ બન્યા છે. આપણા દેશવાસીઓમાં વિકાસની ખૂબ ક્ષમતા છે, એટલા માટે જ મને નિરાશા આવતી નથી. દેશવાસીઓમાં ખૂબ સામર્થ્ય છે.

તેમણે વર્ષ ૨૦૪૭માં ભારતની આઝાદીના ૧૦૦ વર્ષે વિકસિત ભારત બનાવવાના નાગરિકોને સંકલ્પબદ્ધ થવા જણાવ્યું હતું. ભારતીય અર્થતંત્રને ચોથા સ્થાનેથી ત્રીજા સ્થાને લઈ જવા નાગરિકોને વિદેશી વસ્તુઓ નહિ, પરંતુ સ્વદેશી અપનાવીને વિદેશી વસ્તુઓને જાકારો આપવા આહ્વાન કર્યું હતું.  દિવસ દરમિયાન તમે કેટલી વિદેશી વસ્તુઓનો ઉપયોગ કરો છો, તેની એક યાદી બનાવો જેથી તમને ખ્યાલ આવશે કે, ઑપરેશન સિંદૂર માત્ર ભારતીય સેનાની જવાબદારી નથી, પરંતુ ૧૪૦ કરોડ ભારતીયોની પણ જવાબદારી છે. રાષ્ટ્રને વધુ સશક્ત અને સક્ષમ બનાવવા માટે નાગરિકોએ લોકલ ફોર વોકલ, વન ડિસ્ટ્રીકટ વન પ્રોડક્ટ જેવા આત્મનિર્ભર મંત્ર થકી મેક ઇન ઇન્ડિયાની પ્રોડક્ટને પ્રાધાન્ય આપી વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવીશું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શું કહ્યું?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસનાં ૨૦ વર્ષની ઉજવણી તથા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ૨૦૦૫માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી શહેરી વિકાસની પરિભાષા બદલી નાખી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તેમણે વિકાસની ગતિવિધિમાં જનભાગીદારીને સક્રિય પણે જોડવાની બ્લૂ પ્રિન્ટ આપીને શહેરોને ઊર્જાવાન બનાવ્યા છે. એટલું જ નહિ, તેમણે આ સક્રીય જન ભાગીદારીથી ગતિશીલ, સ્વચ્છ, સુંદર શહેરો ડેવલપ કરવાના વિઝન સાથે શહેરી વિકાસ કાર્યક્રમનો કાર્યક્ષમ અમલ કરાવ્યો હતો. તેના પરિણામે શહેરોને સુવ્યવસ્થિત અને આયોજિત બનાવવાની નેમ સાકાર થઈ છે અને ગુજરાત શહેરી વિકાસ સહિત સર્વાંગી વિકાસનું રોલ મોડલ સ્ટેટ બન્યું છે.

૨૦૦૫નું શહેરી વિકાસ વર્ષ વર્તમાન સમયમાં સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ સાથેના ‘સ્માર્ટ સિટીઝ’નો સંગીન પાયો બન્યું છે તેની પણ ભૂમિકા ભૂપેન્દ્ર પટેલે આપી હતી. તેમણે કહ્યું કે, શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી રાજ્યના શહેરી વિકાસને નવી દિશા વડાપ્રધાનએ આપી છે. તેના પરિણામે રાજ્યના નગરો-મહાનગરોમાં લેક ડેવલપમેન્ટ, અન્ડર બ્રિજ, ઓવર બ્રિજ, રમત-ગમતના સાધનો, ગાર્ડન ડેવલપમેન્ટ, લાઈબ્રેરી, કોમ્યુનિટી હોલ જેવી સગવડો તેમના નેતૃત્વમાં વિકસી અને શહેરી લોકોના જીવનધોરણ સુવિધાયુક્ત બને તેવા નગરવિકાસના કામોનો નવો અધ્યાય શરૂ થયો છે.  એટલું જ નહિ, લોકોમાં પણ પોતાના નગર - શહેર પ્રત્યે પોતિકાપણાનો ભાવ જાગે અને નગર સુખાકારીના કામોમાં નવા માપદંડો પ્રસ્થાપિત થાય તેવી વડાપ્રધાનની નેમ સાકાર થઈ છે. સિવિક સેન્ટર્સ શરૂ કરાવીને નરેન્દ્રભાઈએ સિટીઝન સેન્ટ્રિક સેવાઓ ઓનલાઈન કરાવી તેના કારણે ઇઝ ઓફ લિવિંગ વધવાની શરૂઆત થઈ તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, પહેલા શહેરી વિકાસના બજેટ માત્ર ત્રણ આંકડામાં બનતા, તેને વડાપ્રધાનએ શહેરી વિકાસને સમર્પિત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાથી ક્રમશઃ વધાર્યું છે. તેના પરિણામે બે દશકામાં વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતે શહેરી જન સુખાકારી અને સુવિધાના અનેક પ્રકલ્પો - આયામો સફળતાપૂર્વક પાર પાડ્યાં છે. એટલું જ નહિ, આ બે દશકમાં વડાપ્રધાનના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ વર્ષે ૩૦ હજાર કરોડથી વધુ રકમનું બજેટ શહેરી વિકાસ માટે ફાળવ્યું છે તેની પણ વિગતો તેમણે આપી હતી.  વડાપ્રધાનના વિઝનથી આકાર પામેલા ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી, સાબરમતી રિવરફ્રન્ટ, બી.આર.ટી.એસ. અને મેટ્રો સહિત શહેરોને આગવી ઓળખ આપતા આઇકોનિક પ્રોજેક્ટ્સ ગુજરાતના આધુનિક શહેરીકરણની ઓળખ બની ગયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ગુજરાતને તો ડબલ એન્જિન સરકારના બેવડા લાભ શહેરી વિકાસના કામો માટે મળ્યાં છે. નાના નગરોના વિકાસ માટે વડાપ્રધાનએ શરૂ કરાવેલી અમૃત યોજનામાં ગુજરાતને અત્યાર સુધીમાં રૂ.૩૬૦૦ કરોડથી વધુની ફાળવણી થઈ છે અને નગરોમાં ગટર, પાણી, રોડ જેવી માળખાકીય સુવિધાઓ વધુ વિકસી છે. તેમજ સ્માર્ટ સિટી મિશનમાં ગુજરાતના ૬ શહેરોને સમાવ્યા છે અને ૧,૭૫૩ કરોડ રૂપિયા આ સ્માર્ટ સિટીના વિકાસ માટે મળ્યાં છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ સંબોધનના પ્રારંભે ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા પછી પહેલીવાર ગુજરાત પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તથા દેશની સેનાને આ ઓપરેશનની સફળતા માટે સમગ્ર ગુજરાત વતી અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, વડાપ્રધાનએ આ ઓપરેશન સિંદૂરથી આતંકવાદ સામેની દેશની લડાઈના નવા માપદંડ નક્કી કર્યા છે. તેમણે વિકાસ માટે સુરક્ષા અને સમૃદ્ધિ બેયને મહત્વ આપ્યું છે.  વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની છે એ માટે પણ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

અમૃતકાળમાં વિકસિત ભારત@૨૦૪૭ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા માટે ૨૦૨૫ના શહેરી વિકાસ વર્ષમાં લોકોના હેપીનેસ ઇન્ડેક્સને ઊંચો લઈ જઈ અર્નીંગ વેલ, લીવીંગ વેલને પ્રોત્સાહન આપવાનો તેમજ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ સાથે ‘સ્માર્ટ સિટીઝ’નો નિર્ધાર આ વર્ષે પાર પાડવાનો વિશ્વાસ વડાપ્રધાનને અપાવ્યો હતો.

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી મનોહરલાલ ખટ્ટરે શું કહ્યું?
આ પ્રસંગે કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું હતું કે, ગુજરાતનાં શહેરો એ શહેરી વિકાસની નવી પરિભાષા બન્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૫માં શહેરી વિકાસ વર્ષનું આહ્વાન કરીને રાજ્યમાં શહેરોના વિકાસને વેગ આપ્યો હતો. દેશના વડાપ્રધાન તરીકે પણ તેમણે છેલ્લા એક દાયકામાં ગુજરાતની તર્જ પર જ દેશમાં શહેરોના વિકાસને ખૂબ જ વેગવાન બનાવ્યો છે.

આ સંદર્ભે તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં શહેરોનો વિસ્તાર અને શહેરીકરણ તેજ ગતિથી વધી રહ્યું છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતના ૮૭ કરોડ નાગરિકો એટલે કે, ૫૦ ટકા વસતી શહેરોમાં સ્થળાંતરિત થવાનો અંદાજ છે. વડાપ્રધાનએ અત્યારથી જ આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઈ દેશના શહેરોને જરૂરી તમામ માળખાકીય સુવિધાઓથી સુસજ્જ કરવાનો નિર્ધાર કર્યો છે. આજે દેશમાં ૧,૦૦૦ કિ.મી.થી વધુના મેટ્રો રેલ નેટવર્ક સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું છે. દેશમાં હજુ પણ ૯૫૦ કિ.મી. જેટલા મેટ્રો રેલ નેટવર્કનું કામ પ્રગતિ હેઠળ છે, જે પૂર્ણ થતાં સૌથી લાંબા મેટ્રો નેટવર્કની શ્રેણીમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચશે.

પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરાવવા સાથે પ્રકૃતિનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સ્માર્ટ સિટી મિશન હેઠળ ૧૦૦ શહેરોને વિકસાવવાનો સંકલ્પ, શહેરોમાં પ્રદૂષણ ઘટાડવા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન, પીએમ સ્વનિધિ યોજના, શહેર સૌંદર્યકરણની યોજના તેમજ શહેરની આજુબાજુના રૂર્બન વિસ્તારોને પણ શહેરો જેવી જ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા જેવા અનેકવિધ નવતર પ્રયાસો વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બલવંતસિંહ રાજપૂત, કુંવરજીભાઈ બાવળીયા, મુળુભાઇ બેરા, કુબેરભાઈ ડિંડોર, સુ ભાનુબેન બાબરીયા, રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાનાં મેયર મતી મીરાંબેન પટેલ, સાંસદઓ, ધારાસભ્યઓ, વિવિધ મહાનગરપાલિકા-નગરપાલિકાના હોદ્દેદારો-અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now