ન્યૂઝીલેન્ડની ઐતિહાસિક મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓકલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધિત કરીને ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ભારતીય મૂળના લોકોની મોટી હાજરી વચ્ચે યોજાયેલા સમુદાય કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માઓરી પરંપરાગત 'હાકા' અને ભારતીય શાસ્ત્રીય 'કથક' નૃત્યનું અનોખું સંયોજન ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ મુલાકાત લગભગ ચાર દાયકામાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ ન્યૂઝીલેન્ડ મુલાકાત માનવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ઓકલેન્ડથી લઈને વેલિંગ્ટન, ક્રાઇસ્ટચર્ચથી લઈને ક્વીન્સટાઉન સુધી વસેલો ભારતીય સમુદાય બંને દેશો વચ્ચેના સંબંધોનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તેમણે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન, ત્યાંની સરકાર અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધોને બંને દેશોમાં વ્યાપક સમર્થન મળી રહ્યું છે.
'વાકા'નું ઉદાહરણ આપી મિત્રતાનો સંદેશ
પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન ન્યૂઝીલેન્ડની માઓરી સંસ્કૃતિમાં મહત્વ ધરાવતા 'વાકા' શબ્દનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે 'વાકા' માત્ર એક નાવ નથી, પરંતુ સહિયારી સફર, વિશ્વાસ અને સહકારનું પ્રતીક છે. ભારત અને ન્યૂઝીલેન્ડના સંબંધો પણ આવી જ સહિયારી યાત્રા પર આધારિત છે અને હવે બંને દેશો નવા અવસરો તરફ આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે વેપાર, ટેક્નોલોજી, શિક્ષણ, રમતગમત, અવકાશ અને નવીનતા જેવા અનેક ક્ષેત્રોમાં સહયોગની વિશાળ સંભાવનાઓ છે. બંને લોકશાહી દેશો વચ્ચે લોકો-થી-લોકોના સંબંધો પણ સતત મજબૂત બની રહ્યા છે.
આ પણ વાંચો: 'મારા પર હુમલો થયો તો, 1000 મિસાઈલ તૈયાર છે' : ઈઝરાયલના ગુપ્તચર અહેવાલ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન
40 વર્ષ બાદ ભારતીય પ્રધાનમંત્રીની મુલાકાત
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે લગભગ 40 વર્ષ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રી ન્યૂઝીલેન્ડ આવ્યો છે અને તેમના માટે આ ઐતિહાસિક પ્રસંગ ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે તેઓ 140 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ સાથે અહીં આવ્યા છે. મોદીએ પોતાના જૂના પ્રવાસને પણ યાદ કર્યો. તેમણે જણાવ્યું કે લગભગ 25થી 30 વર્ષ પહેલાં, જ્યારે તેઓ કોઈ સરકારી પદ પર નહોતા, ત્યારે ન્યૂઝીલેન્ડ આવવાની તક મળી હતી. તે સમયે તેમને અહીંથી ભેટરૂપે મળેલો એક મફલર આજે પણ તેમણે સાચવી રાખ્યો છે. કાર્યક્રમ દરમિયાન તેમણે એ જ મફલર દર્શાવીને કહ્યું કે આ માત્ર ભેટ નથી, પરંતુ ન્યૂઝીલેન્ડના લોકોના
પ્રેમ અને લાગણીનું પ્રતીક છે.
ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા
પ્રધાનમંત્રી મોદીએ ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના લોકોના યોગદાનની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ભારતીય સમુદાયે વેપાર, શિક્ષણ, રમતગમત, જાહેર જીવન અને વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે ભારતીય મૂળના લોકો ન્યૂઝીલેન્ડમાં વિવિધ ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચ્યા છે અને ક્રિકેટ સહિતના ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર સફળતા મેળવી છે. તેમણે ભારતીય સમુદાયને બંને દેશો વચ્ચે મિત્રતાનો જીવંત સેતુ ગણાવ્યો.
આ પણ વાંચો: વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી : 15 લોકોના મોતની આશંકા!, દૂતાવાસે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર





