વિયેતનામના લોકપ્રિય પર્યટન સ્થળ ફુ ક્વોક (Phu Quoc) ટાપુ નજીક શનિવારે ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક બોટ પલટી જવાની દુર્ઘટના બની છે. ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને અસરગ્રસ્ત ભારતીય નાગરિકો તથા તેમના પરિવારજનોને સહાય માટે કન્ટ્રોલ રૂમ શરૂ કર્યા હોવાનું જણાવ્યું છે.
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરેલી માહિતીમાં જણાવ્યું છે કે ફુ ક્વોક ટાપુ નજીક અનેક ભારતીય પ્રવાસીઓને લઈ જતી બોટ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. હાલમાં સ્થાનિક અધિકારીઓ દ્વારા ઘટનાની સંપૂર્ણ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે.
મોતના આંકડા અંગે સત્તાવાર પુષ્ટિ બાકી
સમાચાર એજન્સી APના અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, ભારતીય દૂતાવાસે અત્યાર સુધી મૃત્યુઆંક અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. સ્થાનિક તંત્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહ્યું છે.
ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વિયેતનામના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને ભારતીય નાગરિકોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
ભારતીય દૂતાવાસે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
દુર્ઘટનાને પગલે હો ચી મિન્હ સિટી સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ અને હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસમાં અલગ-અલગ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.
હો ચી મિન્હ સિટી કન્ટ્રોલ રૂમ માટે સંપર્ક નંબર:
+84 36 281 7930
+84 91 552 3714
+84 33 452 0414
હનોઈ સ્થિત કન્ટ્રોલ રૂમ માટે સંપર્ક નંબર:
+84 91 308 9165
ભારતીય દૂતાવાસે વિયેતનામમાં રહેલા ભારતીય નાગરિકો અને તેમના પરિવારજનોને જરૂરી માહિતી અથવા સહાય માટે આ હેલ્પલાઇનનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.






