ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર ચર્ચાઓ વચ્ચે એક નવો વિવાદ સામે આવ્યો છે. અમેરિકાએ ભારતીય ઉત્પાદનો સહિત કેટલાક દેશોની આયાત પર વધારાના 12.5 ટકા ટેરિફ (આયાત શુલ્ક) લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેને ભારત સરકારે કડક શબ્દોમાં ફગાવી દીધો છે. ભારતે અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)ને આ પ્રસ્તાવ પર પુનર્વિચાર કરીને તેને તાત્કાલિક પરત ખેંચવાની અપીલ કરી છે.
ભારતનું કહેવું છે કે વેપાર સંબંધિત કોઈપણ પ્રકારના મતભેદો અથવા વિવાદોનો ઉકેલ એકતરફી નિર્ણયોથી નહીં, પરંતુ દ્વિપક્ષીય ચર્ચા અને પરસ્પર સંવાદ દ્વારા લાવવામાં આવવો જોઈએ. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે અમેરિકા સાથે વેપારિક સંબંધોને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે, પરંતુ પોતાના નિકાસકારોના હિતો સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરશે નહીં.
શું છે સમગ્ર મામલો?
અમેરિકાએ પોતાના ટ્રેડ એક્ટની કલમ 301 હેઠળ કેટલાક દેશોમાં કથિત "બંધુઆ મજૂરી" (Forced Labour) સંબંધિત તપાસનો ઉલ્લેખ કરીને 54 અર્થતંત્રો સામે વધારાનો ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવમાં ભારત અને ચીન જેવા દેશો માટે 12.5 ટકા વધારાનો ટેરિફ સૂચવવામાં આવ્યો છે. અમેરિકાનું માનવું છે કે કેટલાક દેશોમાં ફરજિયાત મજૂરી રોકવા માટે પૂરતા કડક કાયદા અમલમાં નથી, જેના કારણે અમેરિકન બજારમાં પ્રવેશતા ઉત્પાદનો અંગે ચિંતા ઊભી થઈ રહી છે. જોકે ભારતે આ દાવાઓને તથ્યવિહોણા ગણાવ્યા છે અને જણાવ્યું છે કે ભારતીય બંધારણ તેમજ આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ મુજબ દેશ બંધુઆ મજૂરીના સંપૂર્ણ ઉન્મૂલન માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડમાં ભારતીય સમુદાયને PM મોદીનું સંબોધન : ભારતીય સમુદાયના યોગદાનની કરી પ્રશંસા
USTR સમક્ષ ભારતે મજબૂત રીતે રજૂ કર્યો પક્ષ
અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) દ્વારા યોજાયેલી જાહેર સુનાવણી દરમિયાન ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ બૃજ મોહન મિશ્રાએ ભારતનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે અમેરિકા પાસે એવા કોઈ વિશ્વસનીય પુરાવા નથી કે જે દર્શાવે કે ભારતમાંથી નિકાસ થતા ઉત્પાદનોમાં ફરજિયાત મજૂરીનો ઉપયોગ થાય છે અથવા તેનાથી અમેરિકન ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે. ભારતે એ પણ દલીલ કરી કે માત્ર કોઈ દેશમાં ચોક્કસ પ્રકારના આયાત પ્રતિબંધ ન હોવાને આધારે તેને અયોગ્ય અથવા મનસ્વી વેપાર નીતિ ધરાવતો દેશ ગણાવી શકાય નહીં.
અમેરિકાની નીતિમાં વિરોધાભાસનો પણ ઉલ્લેખ
ભારતે USTR સમક્ષ એ મુદ્દો પણ ઉઠાવ્યો કે અમેરિકા પોતે આશરે 1,600 જેટલા ઉત્પાદનોને આ પ્રકારના ટેરિફમાંથી મુક્તિ આપવાની જોગવાઈ રાખે છે. આવી સ્થિતિમાં તમામ દેશો માટે સમાન ધોરણો લાગુ કરવામાં આવી રહ્યા છે કે નહીં તે પ્રશ્ન પણ ભારતે ઉઠાવ્યો છે. ભારતીય ઉદ્યોગ મંડળ FICCI સહિત વિવિધ વેપારી સંસ્થાઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે કે જો વધારાનો ટેરિફ લાગુ થશે તો તેની અસર માત્ર ભારતીય નિકાસકારો પર જ નહીં, પરંતુ અમેરિકાના ગ્રાહકો અને ઉત્પાદકો પર પણ પડશે. આયાતી ઉત્પાદનો મોંઘા બનતાં અમેરિકન બજારમાં પણ ખર્ચ વધી શકે છે.
આ પણ વાંચો: વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી : 15 લોકોના મોતની આશંકા!, દૂતાવાસે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
ભારત-અમેરિકા વેપાર કરાર પર શું પડશે અસર?
આ સમગ્ર વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર (Bilateral Trade Agreement)ને અંતિમ સ્વરૂપ આપવા માટે ઉચ્ચ સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને અમેરિકાના ટ્રેડ પ્રતિનિધિઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વેપાર, રોકાણ, ટેક્નોલોજી અને સપ્લાય ચેઇન જેવા મુદ્દાઓ પર સતત ચર્ચા ચાલી રહી છે વિશ્લેષકોનું માનવું છે કે ટેરિફ અંગેનો આ વિવાદ વેપાર વાટાઘાટોને પડકારરૂપ બનાવી શકે છે, જોકે બંને દેશો લાંબા ગાળાના વ્યૂહાત્મક ભાગીદાર હોવાથી ચર્ચા દ્વારા ઉકેલ શોધવાની શક્યતા હજુ પણ મજબૂત છે.






