Trump Iran Tensions: મધ્ય-પૂર્વમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક આક્રમક નિવેદન બાદ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ ઉગ્ર બન્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને સીધી ચેતવણી આપતાં કહ્યું કે જો તેમના પર હુમલો કરવાનો કે તેમની હત્યાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો અમેરિકા ઈરાન પર 1,000 મિસાઇલોથી હુમલો કરવા તૈયાર છે. તેમણે એવો પણ દાવો કર્યો કે આ માટે જરૂરી આદેશો પહેલેથી જ આપી દેવામાં આવ્યા છે અને અમેરિકી સેનાને લાંબા સમય સુધી હુમલા ચાલુ રાખવાની સંપૂર્ણ તૈયારી છે. ટ્રમ્પના આ નિવેદન બાદ ઈરાને પણ કડક પ્રતિક્રિયા આપી છે. ઈરાનના સૂત્રોના જણાવ્યા મુજબ, હાલની પરિસ્થિતિમાં અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટ શક્ય નથી. તેહરાનનું કહેવું છે કે જ્યાં સુધી અમેરિકા પોતાનું વલણ નહીં બદલે ત્યાં સુધી ચર્ચાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. બંને દેશોના નિવેદનોને કારણે હવે મધ્ય-પૂર્વમાં ફરી એકવાર મોટા સૈન્ય સંઘર્ષની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ટ્રમ્પની ખુલ્લી ચેતવણી: '1,000 મિસાઇલ તૈયાર છે'
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે જો ઈરાનની સરકાર અમેરિકા અથવા અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ સામે હુમલો કરવાનો પ્રયાસ કરશે તો ઈરાન પર 1,000 મિસાઇલોથી પ્રહાર કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે પ્રથમ હુમલા બાદ જરૂર પડશે તો હજારો વધુ મિસાઇલ પણ છોડવામાં આવશે. ટ્રમ્પે દાવો કર્યો કે, અમેરિકી સેનાને જરૂરી સૂચનાઓ પહેલેથી જ આપી દેવામાં આવી છે અને જરૂર પડે તો એક વર્ષ સુધી સતત સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવાની ક્ષમતા અમેરિકાની પાસે છે. તેમના આ નિવેદનને અમેરિકા તરફથી અત્યાર સુધીની સૌથી કડક ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યું છે.
ઈરાનનો જવાબ: હાલ કોઈ વાતચીત શક્ય નથી
ટ્રમ્પના નિવેદન બાદ ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકા સાથે હાલ કોઈપણ પ્રકારની રાજદ્વારી ચર્ચા શક્ય નથી. ઈરાની સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકા પોતાના વલણમાં ફેરફાર નહીં કરે ત્યાં સુધી કોઈ નવી વાટાઘાટ શરૂ કરવામાં આવશે નહીં. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ઈરાને અત્યાર સુધી પોતાના તમામ વચનોનું પાલન કર્યું છે, જ્યારે અમેરિકાએ કરારની અનેક જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. તેમના મતે હાલ યુદ્ધવિરામ સ્થાયી રહેવાની તમામ આશાઓ લગભગ સમાપ્ત થઈ ગઈ છે.
આ પણ વાંચો: 'મારા પર હુમલો થયો તો, 1000 મિસાઈલ તૈયાર છે' : ઈઝરાયલના ગુપ્તચર અહેવાલ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન
યુદ્ધવિરામ છતાં વધ્યો સૈન્ય સંઘર્ષ
તાજેતરના દિવસોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે માત્ર નિવેદનોનું યુદ્ધ જ નહીં પરંતુ સૈન્ય કાર્યવાહી પણ સતત વધી રહી છે. હોર્મુઝ જળમાર્ગમાં વેપારી જહાજો પર થયેલા હુમલાઓ બાદ સ્થિતિ ઝડપથી બગડી હતી. ત્યારબાદ બંને દેશોએ એકબીજાના વ્યૂહાત્મક લક્ષ્યો પર હુમલા શરૂ કર્યા. અમેરિકાએ તેહરાનની આસપાસના વિસ્તારોમાં હવાઈ હુમલા કરીને અનેક મહત્વના માળખાં, પુલો અને ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ ઈરાને કતાર, બહેરીન તેમજ ઈઝરાયલ સાથે જોડાયેલા કેટલાક સૈન્ય ઠેકાણાઓ પર મિસાઇલ હુમલાઓ કરીને જવાબ આપ્યો હોવાનું જણાવાયું છે.
ખામેનેઈના અંતિમ સંસ્કાર બાદ વધ્યો તણાવ
તાજેતરમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર બાદ પરિસ્થિતિ સામાન્ય બનશે તેવી આશા હતી, પરંતુ તેના બદલે બંને દેશો વચ્ચેનો તણાવ વધુ વધી ગયો છે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં એવો પણ દાવો કર્યો કે, અમેરિકાએ ઈરાનને પોતાના નેતાના અંતિમ સંસ્કાર માટે સમય આપ્યો હતો, પરંતુ હવે યુદ્ધવિરામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને જરૂર પડશે તો અમેરિકા ફરી સૈન્ય કાર્યવાહી શરૂ કરવામાં વિલંબ નહીં કરે.
આ પણ વાંચો: "આપણો દેશ હુસૈનના લોહીનો બદલો લેશે..." : અલી ખામેનેઈની અંતિમ વિદાય પર ઈરાનના સુપ્રીમ લીડર મોજતબાનો હુંકાર
મધ્ય-પૂર્વ પર ફરી યુદ્ધનું જોખમ
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી આ તંગદિલીને કારણે સમગ્ર મધ્ય-પૂર્વમાં ચિંતા વધી છે. રાજદ્વારી ચર્ચાના દરવાજા બંધ થવાના સંકેતો અને બંને દેશોના આક્રમક નિવેદનોને કારણે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનું માનવું છે કે, જો બંને દેશો ફરી સૈન્ય કાર્યવાહી તરફ આગળ વધશે તો તેની અસર માત્ર અમેરિકા અને ઈરાન પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર મધ્ય-પૂર્વ તેમજ વૈશ્વિક ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પણ તેની ગંભીર અસર પડી શકે છે. હાલ સમગ્ર વિશ્વની નજર બંને દેશોના આગામી પગલાં પર ટકેલી છે.





