Plane Crash in Texas: ટેક્સાસમાં હિક્સ એરફિલ્ડ નજીક વિમાન દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે અને અનેક ટ્રકો નાશ પામી છે. અહેવાલો મુજબ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલ એક નાનું વિમાન અચાનક ટ્રકો સાથે અથડાયું અને આગ લાગી ગઈ. આગ ટ્રકોને પણ લપેટમાં લીધી હતી, જેમાં બંને મુસાફરોના મોત થયા. FAA અને NTSB એ અકસ્માતનું કારણ નક્કી કરવા માટે તપાસ શરૂ કરી છે.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
ટેક્સાસના ટેરેન્ટ કાઉન્ટીના ફોર્ટ વર્થમાં હિક્સ એરફિલ્ડ નજીક રવિવારે બપોરે થયેલા વિમાન દુર્ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં વિમાન ક્રેશ થઈને આગમાં લપેટાઈ ગયું છે. એક વીડિયોમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે. લોકોએ અકસ્માતનો વીડિયો લીધો છે અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
ફોર્ટ વર્થ ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બપોરે 1:30 વાગ્યાની આસપાસ થયો હતો. વિમાન ઉત્તર સાગિનાવ બુલવર્ડના 12000 બ્લોકમાં એવોન્ડેલ નજીક પાર્ક કરેલા ટ્રકો સાથે અથડાયું હતું. વિમાન ક્રેશ થતાં 18 વ્હીલર્સ અને ટ્રેલર્સમાં આગ લાગી હતી, જેને હવે કાબૂમાં લેવામાં આવી છે, પરંતુ વિમાન અને ટ્રક રાખ થઈ ગયા હતા. મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
ભારે જહેમતે આગ બુઝાવવામાં આવી
ફાયર બ્રિગેડના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, વિમાન ક્રેશ થવાને કારણે ટ્રકોમાં લાગેલી આગ એટલી ગંભીર હતી કે તેને ઓલવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે વિમાન ક્રેશ થયું અને આગનો ગોળો ફાટી નીકળ્યો, જેનાથી ટ્રકો લપેટાઈ ગયા અને લોકો અચાનક ભાગી ગયા.
પીડિતોની હજુ સુધી ઓળખ થઈ નથી
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અનુસાર, પીડિતોની હજુ સુધી ઓળખ થઈ નથી. દુર્ઘટના સ્થળ ફોર્ટ વર્થ એલાયન્સ એરપોર્ટ અને ફોર્ટ વર્થ મીચમ એરપોર્ટ વચ્ચે, ડલ્લાસ-ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક છે. વિમાન હિક્સ દ્વારા તેના ગંતવ્ય સ્થાન તરફ જઈ રહ્યું હતું ત્યારે અચાનક ક્રેશ થયું.